Sun Jun 14 2026

Logo

સૌરાષ્ટ્રમાં ચોમાસું મોડું શરૂ થવાની ભીતિએ શાકભાજી મોઘું, ટામેટા કોથમીર-ભાજીમાં મોટો ભાવવધારો

2026-06-14 10:35:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


 

રાજકોટઃ આ વર્ષના ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગરમીએ અગાઉના કેટલાક રેકોર્ડ બ્રેક કર્યા છે. જુન મહિનો શરૂ થઈ ગયો હોવા છતા વરસાદે હાઉકલી કરવા પૂરતી પણ હાજરી પૂરાવી નથી. સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ મોડો શરૂ થશે એવા પણ એંધાણ વર્તાય રહ્યા છે. અસહ્ય ગરમી અને તાપની અસર શાકભાજી માર્કેટ પર સીધી રીતે દેખાઈ રહી છે. ચોમાસું ખેંચાતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ટમેટાના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે, જ્યારે લિંબુ, મરચા, કોથમરી, આદુ અને ગુવારમાં વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. એકતરફ મોઘવારીનો માર વેઠી રહેલી પ્રજાના સિસકારા બોલી રહ્યા છે એવામાં શાકભાજીના ભાવમાં વધારો થતા હવે માસિક બજેટમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે. મે મહિનામાં જે ટમેટાના મણમાં 275 રૂપિયાથી 600 રૂપિયા સુધી ભાવ આવતા એ ભાવ વધીને 252 રૂપિયાથી 835 રૂપિયા સુધી પહોંચ્યા છે. 

ચોમાસાના વિલંબની અસર
સામાન્ય રીતે ચોમાસું શરૂ થાય ત્યારે લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે.લીંબના ભાવ ઉનાળું સીઝનમાં શેરમાર્કેટમાં સર્કિલ લાગે જે તેજી જોવા મળે એવી ભાવમાં તેજી જોવા મળી હતી. 650થી 1270 રૂપિયા લીંબુ પહોંચતા વેપારીઓને પણ આંચકો લાગ્યો છે. જ્યારે આદુ પ્રતિમણ 1700 રૂપિયાથી 2100 રૂપિયા સુધી પહોંચતા સ્ટોક કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. મેથીની ભાજી 620થી 845 પ્રતિ મણના ભાવે મળતી એમાં પાંચ જ દિવસમાં મોટો ભાવ વધારો થયો છે. 881થી 1371 રૂપિયા સુધી પહોંચતા વેપારીઓને વધારાના પૈસા આપવા પડી રહ્યા છે. કોથમરી 600થી 1000 રૂપિયા સુધી મોંઘી થઈ છે. જથ્થાબંધ ભાવમાં પણ તોતિંગ વધારો લાગુ થતા હવે શાકભાજીની રિટેઈલ માર્કેટમાં પણ ફેર પડશે એ વાત તો નક્કી માનવામાં આવી રહી છે. આ સમગ્ર મોંઘવારીના ચિત્ર મુદ્દે શાકભાજી યાર્ડના ચેરમેને પણ પોતાની વાત જણાવી છે. 

શું કહે છે યાર્ડના ચેરમેન?
યાર્ડના ચેરમેન કાનાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરેથી ભાજીની કોઈ આવત થઈ નથી. આ ભાજી અને કોથમીર ઈન્દૌરથી આવે છે. એના પર ભાડુ અને અન્ય ખર્ચ લાગે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા તે ત્યાં પણ લાગુ પડે છે.હાલમાં ચોમાસું મૌસમ શરૂ થઈ નથી અને વરસાદ મોડેથી શરૂ થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. ઉનાળામાં જે લિંબુના ભાવ ઘટવા જોઈએ એ ભાવમાં કોઈ પ્રકારનો ઘટાડો પણ જોવા મળ્યો નથી. લાંબા અંતરથી આવતા શાકભાજી મોંઘા પડી રહ્યા છે, ગરમી વધારે હોવાના કારણે તે ઝડપથી બગડી જાય છે. ચોમાસું શરૂ ન થતા જે સ્ટોક છે એમાંથી જ શાકભાજી વેચાતું હોય છે. હજું એકાદ અઠવાડિયા સુધી શાકભાજીના ભાવ ઊંચા રહેવાની પૂરી શક્યતાઓ છે. વધતી જતી મોંઘવારી અને મર્યાદિત આવકને કારણે માણસના ખિસ્સા પર આર્થિક બોજ જાણે પર્વત ઊઠાવ્યો હોય એવો અનુભવ કરાવી રહ્યો છે. 

10થી 20 ટકાનો ભાવ વધારો
મે મહિનામાં પરિસ્થિતિ ખરાબ થઈ હતી જે જુન સુધી યથાવત છે. આગામી દિવસોમાં જો સમયસર ચોમાસું શરૂ ન થયું તો પણ હજું કેટલીક કોમોડિટીના ભાવમાં વધારો થવાના એંધાણ છે. કઠોળ પર આધાર રાખતા લોકો પણ કહે છે કે, હવે કઠોળ પણ મોંઘું બની રહ્યું છે, દાળ-ચણાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આ કોમોડિટી સિવાય અન્ય કોમોડિટીમાં પણ 10થી 20 ટકાનો ભાવ વધારો થતા તમામ શાકભાજી મોંઘા થઈ રહ્યા છે. વેપારીઓ પાસેના સ્ટોકના ભાવમાં પણ વધારો થવાના કારણે ફેરિયા કે સ્ટોલવાળાને ત્યાંથી મળતી રિટેલ વસ્તુઓ પણ મોંઘી બની રહી છે.