Sun Jun 14 2026

Logo

G7 સમિટમાં મોદી-ટ્રમ્પની થશે મુલાકાત! 16 મહિના પછીની આ દ્વિપક્ષીય બેઠકમાં કયાં મુદ્દા પર ચર્ચા થશે?

2026-06-13 22:05:44
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આગામી સપ્તાહે ફ્રાન્સમાં યોજાનારી G7 શિખર સંમેલન (G7 Summit) દરમિયાન એક મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા આશરે 16 મહિનામાં બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ પ્રથમ આમને-સામને મુલાકાત હશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણ પર વડાપ્રધાન મોદી 16-17 જૂનના રોજ G7 સમિટમાં ભાગ લેવા જશે. આ વૈશ્વિક મંચ પર પીએમ મોદી વૈશ્વિક ભાગીદારી, આર્થિક વિકાસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સુરક્ષિત ઉપયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર જી7 ના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ચર્ચા કરશે.

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વચ્ચે આ બેઠક કેમ મહત્વની?

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીની છેલ્લી મુલાકાત પછીના સમયગાળામાં ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધોમાં અનેક મોરચે તણાવ જોવા મળ્યો છે. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ પર સૌની નજર રહેશે, ખાસ કરીને વાત કરવામાં આવે તો, વોશિંગ્ટન દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ભારે ટેરિફ, રશિયા પાસેથી ભારતની તેલ આયાત અંગે અમેરિકાની નારાજગી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મે 2025માં ભારત-પાકિસ્તાન વિવાદ ઉકેલવામાં મદદ કરી હોવાનો વારંવાર કરવામાં આવતો દાવો અને ઈરાન યુદ્ધના કારણે વધેલા તણાવની ભારત પર પડેલી આર્થિક અસરો પર ખાસ ચર્ચા થઈ શકે છે. 

દરિયાઈ હુમલા અને ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ગરમાયો

તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય નાવિકોને લઈ જતા તેલ ટેન્કરો પર થયેલા અમેરિકી હુમલાના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. પલાઉના ધ્વજવાળા ટેન્કર ‘સેટેબેલો’ પર થયેલા આવા જ એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ નવી દિલ્હીએ વોશિંગ્ટન સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને અમેરિકી રાજનયિક પ્રતિનિધિને તેડું મોકલીને આકરા શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજો પર હુમલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારની સુરક્ષાને નબળી પાડે છે. જો કે, અહેવાલો અનુસાર અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ આ હુમલાઓનો બચાવ કર્યો છે.