Sun Jun 14 2026

Logo

કંગના રનૌતની ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત; કલેક્શન વધારવા માટે મેકર્સે રમી મોટી ગેમ...

2026-06-13 20:26:09
Author: Darshana Visaria
Article Image

બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' ગત 12મી જૂનના રોજ દેશભરના થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને ઓડિયન્સ અને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધાર્યા કરતાં થોડી ધીમી રહી છે. ફિલ્મે તેના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર અંદાજે રૂપિયા એક કરોડની કમાણી કરી છે. આ દરમિયાન, બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટો ઉછાળો લાવવા અને વધુમાં વધુ દર્શકોને થિયેટર સુધી ખેંચવા માટે મેકર્સે એક મોટો દાવ ખેલ્યો છે.

ફિલ્મને વધુ સારો રિસ્પોન્સ મળે તે હેતુથી નિર્માતાઓએ દેશભરના સિનેમાપ્રેમીઓ માટે એક શાનદાર ઓફર શરૂ કરી છે. હવે દર્શકો થિયેટર્સમાં એક ટિકિટ ખરીદવા પર બીજી ટિકિટ તદ્દન મફત મેળવી શકશે. આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવવા માટે દર્શકોએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ 'બુકમાયશો' પર જઈને ટિકિટ બુક કરતી વખતે 'BHARAT' પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. મેકર્સને આશા છે કે આ આકર્ષક ઓફર બાદ વિકએન્ડમાં ફિલ્મની કમાણીમાં મોટો વધારો જોવા મળી શકે છે.

બોક્સ ઓફિસ ટ્રેકર વેબસાઇટના અહેવાલ અનુસાર, કંગના રનૌત સ્ટારર 'ભારત ભાગ્ય વિધાતા' એ ભારતમાં તેના પહેલા દિવસે રૂપિયા એક કરોડ (નેટ કલેક્શન)ની કમાણી કરી છે. જોકે આ આંકડો ઘણો નાનો છે, પણ ફિલ્મની સ્ટોરી લાઈન મજબૂત હોવાથી આવનારા દિવસોમાં 'વર્ડ ઓફ માઉથ'ના કારણે કલેક્શન વધવાની પૂરેપૂરી સંભાવના છે.

26/11 ના મુંબઈ હુમલાની સાચી ઘટના પર આધારિત વાર્તા

આ ફિલ્મ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા દરમિયાન કામા હોસ્પિટલમાં બનેલી સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આતંકીઓના હુમલા વચ્ચે પોતાની જાન જોખમમાં મૂકીને દર્દીઓના જીવ બચાવનારા બહાદુર નર્સ, ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની અનટોલ્ડ સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં કંગના રનૌતે એક બહાદુર નર્સની મુખ્ય ભૂમિકા ભજવી છે.

'ભારત ભાગ્ય વિધાતા' નું લેખન અને ડિરેક્શન મનોજ તાપડિયાએ કર્યું છે. કંગના રનૌત આ ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મમાં કંગના ઉપરાંત ઈશા ડે, ગિરિજા ઓક અને સ્મિતા તાંબે જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને ડૉ. જયંતીલાલ ગડાના પેન સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. તેમજ પેન સ્ટુડિયોઝ, મણિકર્ણિકા ફિલ્મ્સ અને પરમહંસ ક્રિએશન્સે યુનોઇયા ફિલ્મ્સ એલએલપી અને ફ્લોટિંગ રોક્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.