નવી દિલ્હીઃ ભારતના ગોલ્ડ મેડલિસ્ટ નિશાનબાજ જસપાલ રાણાના દેહાંત બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્યોએ તેમને અંજલિ આપી હતી. રાણા 49 વર્ષના હતા અને શુક્રવારે હૃદયની બીમારીને કારણે તેમનું દેહાંત થયું હતું. તેઓ દેહરાદૂનમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની રીના, પુત્રી દેવાંશી, પુત્ર યુવરાજ, પિતા નારાયણ સિંહ રાણા તથા અન્ય નજીકના સંબંધીઓનો સમાવેશ છે. રાણાના પાર્થિવ શરીરને દેહરાદૂનના શૂટિંગ રેન્જમાં રાખવામાં આવ્યું હતું. થોડા જ મહિનામાં એશિયન ગેમ્સ યોજાવાની હોવાથી ભારતના શૂટર્સને તેમના હાઈ પર્ફોર્મન્સ કોચ રાણાની ખૂબ ખોટ વર્તાશે.
2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલા નિશાનબાજ મનુ ભાકરને બે ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતવામાં જસપાલ રાણાનું મોટું યોગદાન હતું. મનુ ભાકર તેના ગુરુ સમાન જસપાલ રાણાના અવસાન બદલ બેહદ ગમગીન હતી. મનુનાં મમ્મી સુમેધા ખૂબ શોકમગ્ન હતાં. તેમણે પત્રકારોને કહ્યું હતું કે `હું અત્યારે કંઈ પણ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી.
2024માં શૂટર મનુ ભાકરને બે બ્રૉન્ઝ અપાવીને જસપાલ રાણા તેની સાથે સ્વદેશ પાછા આવ્યા ત્યારે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જસપાલ રાણાની સિદ્ધિઓ
(1) 12 વર્ષની ઉંમરે પ્રથમ નૅશનલ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
(2) 1994મી કૉમનવેલ્થ તથા એશિયન ગેમ્સમાં પચીસ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
(3) 2006માં દોહાની એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા અને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી.
(4) કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ નવ ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રૉન્ઝ જીત્યા હતા.
(5) અર્જુન અવૉર્ડ, પદ્મશ્રી તેમ જ દ્રોણાચાર્ય પુરસ્કાર જીત્યા હતા.