Sun Jun 14 2026

Logo

વિશેષ:આ છે ખરા શિક્ષક... ગામડાનાં બાળકોને આપે છે ફ્રીમાં શિક્ષણ દાન

2026-06-14 10:39:00
Author: Anant Mammora
Article Image

 

 

 

- અનંત મામતોરા

 

આ છે આસામના પામોહી ગામનાં શિક્ષક ઉત્તમ ટેરોન, જે નિસ્વાર્થભાવે સેંકડો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. કેટલાંક વર્ષો અગાઉ તેઓ ગામમાં તેમનાં મિત્રો સાથે ફરતાં હતાં. ક્યારેક બળતણ માટેનાં લાકડાં વેચતાં હતાં. એ વખતે તેમનું ધ્યાન ગયું કે કેટલાંક બાળકો ભણવાને બદલે કાદવ અને કીચડમાં રમી રહ્યાં છે. એ જ વખતે તેમને વિચાર આવ્યો કે આ બાળકોને તો શાળામાં શિક્ષણ લેવું જોઈએ. એ વિશે ઉત્તમે કહ્યું કે,‘મેં તેમનાં માતા-પિતાને એ બાબત વાત કરી કે બાળકોને મારા ઘરે મોકલજો. મેં મારા ઘરનાં તબેલાને ક્લાસરૂમમાં પલટી નાખ્યો અને તેમને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું. મારી મમ્મી આ બાળકો માટે જમવાનું બનાવતી હતી.’

 

ઉત્તમના ખિસ્સામાં એ વખતે માત્ર 800 રૂપિયા હતા. તબેલાને ક્લાસરૂમ બનાવીને જે નેક શરૂઆત કરવામાં આવી હતી તે આજ દિન સુધી અવિરત ચાલી રહી છે. ઉત્તમે એક નોન-પ્રોફિટ સ્કૂલ ‘પારિજાત એકેડેમી’ની શરૂઆત 2003માં કરી હતી. એમાં 400 બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અપાય છે.

 

કહેવાય છે કે જે નસીબમાં લખાયેલું હોય એ થઈને જ રહે છે. આપણે વિચારીએ છીએ કાંઈક અલગ અને નિયતીમાં કાંઈક અલગ જ હોય છે. આવું જ કાંઈક ઉત્તમ સાથે પણ થયું હતું. તેમને ટીચર નહોતું બનવું પણ બાળકોની સ્થિતિએ તેમને એક ઉત્તમ દરજ્જાના શિક્ષક બનાવી દીધા છે. એ વિશે ઉત્તમે કહ્યું કે, ‘મેં યોગ કરવાનું શરૂ કર્યું હતું અને મારે મિથુન દા અને ગોવિંદાની જેમ ડાન્સમાં એક્સપર્ટ બનવું હતું. જોકે એ સપનું તો પૂરું થઈ શક્યું નહીં. ટીચિંગ મને કંટાળો આપનારી નોકરી લાગી હતી, પરંતુ બાળકોની હાલત જોઈને મારી અંદર એક શિક્ષક જાગી ગયો.’

 

લોકોને જેમ-જેમ જાણ થવા લાગી કે ઉત્તમ ફ્રીમાં બાળકોને ભણાવે છે તો વધુમાં વધુ બાળકો ભણવા આવવા લાગ્યા. હાલમાં વીસ ગામના બાળકોને ઉત્તમ શિક્ષણ આપે છે. સાથે જ જે ખૂબ દૂરથી આવતા હોય તેમનાં માટે હોસ્ટેલની પણ સુવિધા છે. એ વિશે ઉત્તમ જણાવે છે કે, ‘મેં જ્યારે આ સ્કૂલની શરૂઆત કરી તો મને લાગ્યું કે એ માત્ર 2-3 વર્ષ ચાલશે. જોકે પેરન્ટ્સનો મારા પરનો વિશ્ર્વાસ જોઈને મને જવાબદારીનો એહસાસ થયો અને હું નવા ક્લાસરૂમ શરૂ કરતો ગયો.’

 

આ શાળા આસામ રાજ્ય બોર્ડ દ્વારા સંલગ્ન છે. આ શાળા વીસ હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં પથરાયેલી છે. એમાં લાઈબ્રેરી, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ અને કોમ્પ્યુટર લેબ પણ છે. સાથે જ બાળકોને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે, સીવણકામ, સ્પોર્ટસ અને ડાન્સ પણ શીખવાડવામાં આવે છે. એનો ઉદ્ેશ જણાવતાં ઉત્તમ કહે છે કે, ‘અમે બાળકોના સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં તેમનાં માટે રોજગારના દ્વાર ખોલાવી શકાય. અમારા વિદ્યાર્થીઓને અમે ખેતી અને કોમ્પ્યુટર સ્કિલ્સ પણ શીખવીએ છીએ. અમારા લર્નિંગ સેન્ટરમાં અમે વણાટકામ શીખવીએ છીએ. તેઓ કોટન, સિલ્કની સાડીઓ અને શાલ પણ બનાવે છે.’

 

આ શાળામાં બાળકોને ભણાવવાનો ઉદ્ેશ માત્ર એટલો જ છે કે તેઓ શિક્ષિત બને અને પગભર ઊભાં રહે. ઉત્તમનું  કહેવું છે કે, ‘હું આમાંથી કોઈ નફો નથી કમાતો. જોકે આ કામ મને લાખો કરોડોની આત્મસંતુષ્ટિ આપે છે. આ ગરીબ બાળકો જો ભણશે તો તેઓ સ્વમાનભેર જીવી શકશે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ કામ કરશે.’