- સમીર જોશી
હાલમાં અનેક મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ આપણે માણી. ભારતમાં IPL અને વૈશ્વિક સ્તરે વિમ્બલડન તેમજ ફિફા વર્લ્ડકપ. આજે વાત આ ઇવેન્ટના સ્પૉન્સરોની કરવાની છે. આપણે જો ધ્યાન આપ્યું હશે તો આ બધી ઇવેન્ટમાં B2B બ્રાન્ડોનું ચલણ વધુ હતુ. વિમ્બલ્ડન જેવી ટૂર્નામેન્ટમાં વર્ષોથી આપણે ટેક્નોલૉજી અને ક્ધસલ્ટિંગ બ્રાન્ડો જેવી કે એકસેન્ચર, IBM, રૉલેક્સ વગેરે બ્રાન્ડો જોઈ હશે. ગયા વર્ષે આઇપીએલની સ્પૉન્સરોની યાદીમાં ફૅન્ટસી ગેમનું વર્ચસ્વ હતું. આ વખતે નવી કૅટેગરીઓ જોવા મળી, જેમ કે; નથિંગ (લંડન સ્થિત ટેક બ્રાન્ડ), ચેટજીપીટી. ક્રિકેટ ટીમ માટે અઈં ચૅટબોટ, ગૂગલ AI મોડ અને ગૂગલ જેમિની, VIDA (હીરો મોટોકૉર્પનું EV બ્રાન્ડ), બિરલા એસ્ટેટ્સ, એતિહાદ ઍરવેઝ અને DHL જેવી બ્રાન્ડ્સે વિવિધ ટીમ સાથે સત્તાવાર ભાગીદારી કરી. ગૂગલે જેમિની બ્રાન્ડ માટે BCCI સાથે ₹ 270 કરોડના કરાર કર્યા.
હવે પ્રશ્ર્ન થશે કે આ બ્રાન્ડો જે મુખ્યત્વે ટ્રેડ બ્રાન્ડ્સ છે અથવા તેમનો જો ક્ધઝ્યુમર સાથે સીધો સંબંધ નથી તો તે કેમ આવી ઇવેન્ટમાં સહભાગી થાય છે? બ્રાન્ડ અવેરનેસ અર્થાત્ લોકો બ્રાન્ડને જાણે તો છે પછી આની જરૂર શું? લોકો જાણે કે ના જાણે, તેમનો વેપાર થવાનો છે જે રીતે આજ સુધી ચાલતો આવ્યો છે. જ્યારે આવી મોટી બ્રાન્ડ્સ જે B2Bના વેપારમાં કાર્યરત હોય અને હજારો કરોડોનો વેપાર કરતું હોય તે લોકો હરેક ડગલું સમજી વિચારીને લેતા હોય છે. બજારનો રૂખ, ગ્રાહકો, પ્રતિસ્પર્ધીઓ, ઇત્યાદિ ઇત્યાદિનો અભ્યાસ કરી આ પગલું ભરે છે.
આપણે એક વાત હંમેશાં આ કૉલમમાં વાંચતા હોઈએ છીએ કે હવે વેપાર કરવાનાં આયામ બદલાઈ રહ્યાં છે અને જે આ વાત જલદી સમજી પોતાનામાં બદલાવ લાવશે તે લોકો જ ટકશે. શા માટે B2B કંપનીઓ આવી માસ ઇવેન્ટમાં સહભાગી થાય છે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. પાઇપ, સિમેન્ટ, ક્ધસ્ટ્રકશન, ટેક્નૉલૉજી વગેરે આડકતરી રીતે લોકોના જીવનમાં ભાગ ભજવે છે. આજે ક્ધઝ્યુમર બધી વાતોથી માહિતગાર છે. તે ઘર ખરીદવા જાય છે ત્યારે પૂછે છે કે કઈ સિમેન્ટ, વાયર, લિફ્ટ, પ્લમ્બિંગનો સામાન વાપરવામાં આવ્યા છે. જો તે જાણીતું નામ નહીં હોય તો તે તેને નહીં સ્વીકારે. વાત અહીં નથી પતતી, જ્યારે તે લોકો પોતાના ઘરનું રિનોવેશન કરશે ત્યારે પણ આ બ્રાન્ડોનો ઉપયોગ કરશે. આથી આવી કંપનીઓ માટે આજે જરૂરી થઈ પડે છે કે તે ક્ધઝ્યુમર સાથે સંપર્કમાં આવે પછી ભલે તે પોતે આ બ્રાન્ડ ના ખરીદવાનો હોય. આજ વાત ટેક્નૉલૉજી કંપનીઓને લાગુ પડે છે. આ બધી મોટી ટેક્નૉલૉજી કે પછી ક્ધસલ્ટિંગ કંપનીઓને મોટી મોટી કંપનીઓના માલિક અથવા ઊંચા હોદ્દેદારો સિલેક્ટ કરે છે પોતાની કંપની માટે. ત્યારે આવા લોકોને આકર્ષવા આવી સ્પોર્ટ્સની પ્રૉપર્ટીઓ કામ લાગે છે. જો કોઈ ટેક્નૉલૉજી કંપની સ્પોર્ટ્સ ઇવેન્ટને ટેક્નૉલૉજી પૂરી પાડતી હોય તો એક ભરોસો બેસે છે કે જે-તે કંપનીની ક્ષમતા ધ્યાનમાં આવે છે. બીજાં અમુક મૂળભૂત કારણો જોઈએ તો નિર્ણય લેનારાઓ સુધી પહોંચવું: ગોલ્ફ, ફૉર્મ્યુલા 1 અને સેઇલિંગ જેવી હાઇ-પ્રોફાઇલ રમત સમૃદ્ધ વ્યાવસાયિકો, કૉર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને સંભવિત ગ્રાહકો જેને આપણે સી-સ્યુટ ખરીદદારો અર્થાત્ સીઈઓ, સીએફઓ, સીટીઓ વગેરે જેવા વિશાળ પ્રેક્ષકોને આકર્ષે છે.
ટેક્નિકલ કુશળતા દર્શાવવી: એક્સેન્ચર જેવી કંપનીઓ લાઇવ સ્કોરિંગ, ફૅન ઍપ્લિકેશન્સ અને વિવિધ ડેટાનું સંચાલન કરીને તેમના ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AIની કુશળતા પ્રદર્શિત કરવા માટે આ ભાગીદારીનો ઉપયોગ કરે છે. ક્લાયન્ટ હૉસ્પિટાલિટી અને બિઝનેસ ડીલ કરવા હેતુ : સ્પૉન્સરશિપ પૅકેજોમાં VIP એક્સેસ અને ખાનગી હૉસ્પિટાલિટી ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે સલાહકારોને મુખ્ય ગ્રાહકોનું મનોરંજન કરવા અને મુખ્ય કરાર પૂર્ણ કરવા માટે આરામદાયક વાતાવરણ આપે છે.
ટોચની પ્રતિભાને આકર્ષિત કરવી: આપણે જાણીયે છીએ કે સારી ટૅલેન્ટ કોઈ પણ કંપનીમાં કામ નહીં કરે. તે બ્રાન્ડ, તે કંપનીનું ક્લચર, ટૉપ મૅનેજમેન્ટ વગેરે જાણશે અને પછી જોડાશે. આવી ગેમ્સ સાથેનું જોડાણ આ કંપનીઓને એક ગતિશીલ એમ્પ્લોયર બ્રાન્ડ બનાવવામાં મદદ કરે છે જે મહત્ત્વાકાંક્ષી ટેક્નૉલૉજી અને વ્યવસાય સ્નાતકોને આકર્ષે છે.
આ ઉપરાંત તમે એક નૅશનલ બ્રાન્ડની છાપ લોકો પર છોડો છો. આવી ઇવેન્ટ સાથે જોડાવું તે વ્યૂહરચનાનો ભાગ હોય છે અને નહીં કે રાતોરાત વિચારેલી વાત. આમ આવી વૈશ્વિક સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટો એક ફુલ-ફાઇનલ માર્કેટિંગ એન્જિનમાં વિકસિત થઈ છે. હવે તે ફક્ત FMCG અથવાD2C બ્રાન્ડ્સ વિશે નથી; તે તે જગ્યા છે જ્યાં B2B કંપનીઓ પોતાની મહત્ત્વાકાંક્ષાઓને સાકાર કરવા પોતાને લોકો સુધી પહોંચાડી રહી છે અને B2C બ્રાન્ડોની જેમ પોતાને મુખ્ય પ્રવાહમાં જોડી રહી છે.
આ બ્રાન્ડસ નાના વેપારીઓને અને તે બધા વેપારીઓને જે બ્રાન્ડને મહત્ત્વ નથી આપતા સંદેશ આપે છે કે આજે સમય બદલાઈ ગયો છે અને જો તમે ફક્ત વેપાર કરશો તો લાબું નહીં ટકો, લાંબું ટકવા બ્રાન્ડ બનાવવી પડશે, કારણ આજનો ક્ધઝ્યુમર ફક્ત અને ફક્ત બ્રાન્ડ ખરીદશે પછી તે B2B હોય કે B2C વેપાર...