- નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
કોઈ હિન્દુ પુરુષ અવસાન પામે ત્યારે તેની માલિકીની મિલકત તેના અવસાન બાદ તેના કાયદેસરના તમામ સીધીલીટીના વારસદારોને પ્રાપ્ત થાય છે. જો તેવી વ્યક્તિએ વીલ યાને વસિયતનામું કરેલું હોય તો મિલકતોની વહેંચણી વીલ મુજબ થાય છે.
જો તે વીલ કર્યા વિના મૃત્યુ પામે ત્યારે તેવી મરનાર વ્યક્તિની સ્થાવર તેમ જ જંગમ મિલકતો મરનાર વ્યક્તિના સીધીલીટીના વારસદારોમાં કોણ ગણાય વગેરે જેવી બાબતો વિશે ‘હિન્દુ વારસાહક અધિનિયમ-1956’ના કાયદામાં જોગવાઈ કરવામાં આવેલી છે.
હિન્દુ પુરુષ મરણ પામે ત્યારે તેની મિલકતના વારસદારોમાં મરણ પામનાર વ્યક્તિની પત્ની, પુત્ર, પુત્રી અને માતાનો સમાવેશ થાય છે. તેની મિલકતના વારસદાર તરીકે પિતાને હક પ્રાપ્ત થતો નથી.
આવા સંજોગો અને પરિસ્થિતિમાં સ્વાભાવિક તેની પત્ની, પુત્ર, પુત્રીનો વારસદાર તરીકે હક પ્રાપ્ત થાય, હિન્દુ વારસાહકક પ્રમાણે હિન્દુ પુરુષ મરણ પામે ત્યારે તેની માતાનો પણ વારસદાર તરીકે હક આપવામાં આવ્યો છે, પરંતુ પિતાને વારસદાર તરીકે બાકાત રાખ્યા છે.
હિન્દુ પુરુષ જો અપરિણીત મરણ પામે ત્યારે તેની મિલકતના એકમાત્ર વારસદાર સદ્ગત પુરુષની માતા બને છે. જોકે સામાન્ય જનસમાજમાં એવી માન્યતા છે કે પુરુષ ગુજરી જાય તો તેની મિલકતના વારસદાર-માલિક મરનારના પિતા બને, પરંતુ જનસમાજની આ માન્યતા કાયદાનુસાર ખોટી છે. વારસાઈ કાયદામાં આ માન્યતાથી જુદી જોગવાઈ છે અને તે મુજબ હિન્દુ પુરુષ અપરિણીત ગુજરી જાય તો તેની મિલકતના વારસદાર-માલિક માત્ર તેની માતા હક ધારણ કરે છે. જો માતા હયાત ન હોય તો સદ્ગત પુત્રની મિલકતના વારસદાર પિતા થાય છે.
કોઈ પુરુષ અકસ્માતમાં ગુજરી જાય તો તેના અકસ્માત વળતરનો દાવો મરનારના પિતા કરતા હોય છે, પરંતુ કાયદાકીય જોગવાઈ અનુસાર અકસ્માતમાં મરનાર પુરુષના વળતરનો દાવો પિતા નહીં પણ માતા કરવાને હકદાર થાય છે.
અપરિણીત પુરુષ મરણ પામે છે ત્યારે તેનાં બૅન્ક એકાઉન્ટ, શૅર, ડિબેન્ચર વગેરે નાણાકીય સંપત્તિ માત્ર તેની માતાને પ્રાપ્ત થાય છે, પિતાનો હક લાગતો નથી.
સ્વર્ગસ્થ પુત્રની વીમાની રકમ મરણ પામનાર વ્યક્તિની માતાને પ્રાપ્ત થાય છે, પિતાને તેવી રકમ મેળવવાનો અધિકાર મળતો નથી.
હિન્દુ પરિણીત પુરુષ મરણ પામે તો તેનાં બૅન્ક એકાઉન્ટ, શૅર વગેરે ઉપરાંત વીમાની રકમ વગેરે નાણાકીય સંપત્તિના વારસદાર મરણ પામનારાની પત્ની અને તેનાં પુત્ર-પુત્રી ઉપરાંત માતાને હક પ્રાપ્ત થાય છે. અહીં પણ પિતાનો હક લાગુ પડતો નથી.
અપરિણીત પુત્ર ગુજરી જાય અને માતા હયાત ન હોય અને પિતા હયાત હોય તો વર્ગ-2 ના વારસદાર તરીકે મરણ પામેલા અપરિણીત પુત્રના વારસદાર પિતા બને છે... હિન્દુ વારસાહકક અધિનિયમમાં સને 2005માં થયેલ સુધારા મુજબ કુટુંબની વડીલોપાર્જિત મિલકતમાં દીકરાઓની જેમ દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ હક-અધિકાર મળે છે.