- આશુ પટેલ
વાત છે નાગપુર નજીકના ગામ વાઠોડાની એક અનોખી મહિલા પ્રીતિ હિંગેની. પ્રીતિના પિતા સુથાર હતા. બાળપણથી જ પ્રીતિ પિતાને લાકડાં સાથે કામ કરતા જોતી. લાકડાના સામાન્ય ટુકડાઓ ધીમે-ધીમે કબાટ, ટેબલ, ખુરશી કે અન્ય ઉપયોગી વસ્તુમાં બદલાઈ જતાં એ પ્રક્રિયા તેને ચમત્કાર જેવી લાગતી. પ્રીતિને પણ એ કામ શીખવાની ઇચ્છા થઈ. તેણે પિતાને કહ્યું કે મને પણ આ કામ શીખવો.
એ નાનકડા ગામમાં કોઈ છોકરી સુથારીકામ કરે એ સામાન્ય વાત નહોતી. આસપાસના ગામના લોકો માટે પણ એ આશ્ર્ચર્યની વાત હતી. જોકે પ્રીતિના પિતાએ દીકરીની ઇચ્છાને માન આપીને તેને સુથારીકામ શીખવ્યું. પ્રીતિ પણ ખૂબ ધ્યાનથી કામ જોતી અને ધીમે ધીમે લાકડું કાપવું, માપવું અને ફર્નિચર બનાવવાની કળા શીખતી ગઈ.
ગામના લોકો કૂથલી કરવા માંડ્યા કે પ્રીતિ એક છોકરી થઈને સુથારીકામ કરે છે. ઘણા દોઢડાહ્યા માણસો પ્રીતિના પિતાને પણ કહેવાય લાગ્યા કે ‘આ શું? તમે તમારી દીકરીને સુથારીકામ શીખવો છો?’ જોકે પ્રીતિ અને તેના પિતાએ એવા નમૂનાઓને અવગણ્યા.
પ્રીતિએ કોઈને જવાબ આપવાને બદલે કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે સાબિત કરવાનું શરૂ કર્યું કે કોઈ પણ કામ પર પુરુષોનો જ અબાધિત અધિકાર નથી હોતો. જો કોઈ વ્યક્તિ પાસે કૌશલ્ય, મહેનત અને શીખવાની ઇચ્છા હોય તો તે કોઈ પણ કામ કરી શકે છે.
વીસ વર્ષની ઉંમરે પ્રીતિએ પોતે પહેલો કબાટ બનાવ્યો. એ કબાટ તેના માટે માત્ર ફર્નિચરનો એક ટુકડો નહોતો. તે તેના આત્મવિશ્વાસની પહેલી મોટી કસોટી હતી. જ્યારે તેનો બનાવેલો કબાટ વેચાયો ત્યારે તેમને સમજાયું કે આ કળાને વ્યવસાયમાં પણ ફેરવી શકાય છે.
થોડા સમય પછી પ્રીતિનાં લગ્ન થયાં. તેનો પતિ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. લગ્ન પછી થોડાં વર્ષોમાં પ્રીતિને ત્રણ બાળક થયાં. બાળકોના ઉછેરની જવાબદારી આવી. પતિના પગારમાં સારી રીતે ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ હતું. પ્રીતિએ કમાણી કરવા માટે પોતાની કારીગરીને માધ્યમ બનાવવાનું પસંદ કર્યું. ઘરની જવાબદારીઓ સાથે તેણે સુથારીકામ કરવાનો નિર્ણય કર્યો.
તેણે માસિક આઠ હજાર રૂપિયાના ભાડેથી એક દુકાન શોધી અને ત્યાંથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. તેણે દુકાનનું નામ રાખ્યું: ‘જય શ્રી ગણેશ ફર્નિચર માર્ટ’. પ્રીતિએ દુકાન તો ખોલી નાખી, પણ તેની સામે અનેક પડકાર હતા. શરૂઆતમાં તેની પાસે સાધનો મર્યાદિત હતાં, તેણે ગ્રાહકો શોધવાના હતા અને સૌથી મોટો પડકાર તો હતો લોકોનો વિશ્વાસ જીતવાનો.
એક મહિલા સુથારને કામ સોંપવાનું ગ્રાહકોને અસામાન્ય લાગતું હતું. પરિચિત લોકો પણ તેને સલાહ આપવા આવતા હતા કે તને કોણ ઑર્ડર આપશે ફર્નિચર બનાવવા માટે? આ કામ કંઈ સ્ત્રીઓનું નથી, પરંતુ પ્રીતિએ એવા અવળચંડા માણસો સાથે કોઈ ચર્ચા કે દલીલો કરી નહીં. થોડા સમય પછી તેને નાના નાના ઑર્ડર મળતા થયા. તેણે ગુણવત્તાવાળું કામ કરી બતાવ્યું. ધીમે-ધીમે ગ્રાહકોને સમજાયું કે ફર્નિચર બનાવનાર વ્યક્તિ પુરુષ છે કે મહિલા એ મહત્ત્વનું નથી - કામની ગુણવત્તા મહત્ત્વની છે.
પ્રીતિનું કૌશલ્ય પણ ધીમે-ધીમે વધતું ગયું. શરૂઆતમાં તે ફર્નિચરના કેટલાક ભાગ બનાવતી હતી, પરંતુ પછી તમામ પ્રકારનું ફર્નિચર બનાવવાનું કૌશલ્ય તેણે પ્રાપ્ત કરી લીધું. ત્રણ સંતાન અને ઘરને સંભાળવાની જવાબદારી વચ્ચે પોતાનો વ્યવસાય ચલાવવો સરળ નહોતો તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું. વધુ ઑર્ડર્સ મળતા થયા એટલે તેણે અન્ય એક સુથારને પણ પોતાની સાથે કામે રાખ્યો.
જે લોકો શરૂઆતમાં આશ્ર્ચર્યથી અને ટીખળથી પ્રીતિની સામે જોતા હતા તે જ પછી તેના ગ્રાહકો બનવા લાગ્યા. પ્રીતિની ઓળખ ધીમે-ધીમે ફેલાતી ગઈ અને લોકો તેને પ્રેમથી ‘કાર્પેેન્ટર દીદી’ કહેવા લાગ્યા.
પ્રીતિએ માત્ર પિતા પાસેથી શીખેલી કારીગરી પર આધાર રાખ્યો નહીં. તેણે પોતાનું જ્ઞાન વધારવાની પણ કોશિશ કરી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તેણે ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યરશિપ એન્ડ સ્મૉલ બિઝનેસ ડેવલપમેન્ટ’માં તાલીમ લીધી. આ તાલીમથી તેને કારીગરીની સાથે વ્યવસાયને વધુ સારી રીતે ચલાવવાની સમજ પણ મળી.
પ્રીતિએ સફળતાને માત્ર પોતાના સુધી મર્યાદિત રાખવાનું સપનું જોયું નહીં. તે આગળ જઈને મોટો ફર્નિચર શોરૂમ અને મોટી વર્કશૉપ ઊભી કરવા ઇચ્છે છે, જેથી તે અન્ય લોકોને પણ રોજગાર આપી શકે. નાની દુકાનથી શરૂ થયેલું તેનું સપનું હવે તેના પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ તકો ઊભી કરવાનું માધ્યમ બની ગયું છે.
પ્રીતિ હિંગેએ ફર્નિચર બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેની પાસે માત્ર પિતાથી શીખેલી એક કળા, મહેનત કરવાની તૈયારી અને સંજોગો સામે નહીં ઝૂકવાની જીદ હતી. તેણે પોતાની જાત પર વિશ્ર્વાસ રાખ્યો.
કોઈ કામ શરૂ કરતી વખતે ગમે એટલા અવરોધ આવે, લોકો હાંસી ઉડાવે, શંકા કરે, પણ માણસને પોતાની જાત પર વિશ્ર્વાસ હોય તો તે ગમે એવા વિષમ સંજોગોમાં પણ પોતાનું સપનું સાકાર કરી શકે છે એનો પુરાવો પ્રીતિ હિંગે છે.