Thu Jun 11 2026

Logo

વીકએન્ડ પ્લાન રેડી કરી લો! હોરર, રોમાન્સ અને પોલિટિકલ ડ્રામાનો ડબલ ડોઝ; 12મી જૂને રિલીઝ થનારી આ 9 ફિલ્મો ઉડાવશે હોશ

2026-06-11 20:36:40
Author: Darshana Visaria
Article Image

ફિલ્મ લવર્સ માટે આવતીકાલનો શુક્રવાર એટલે કે 12મી જૂનનો દિવસ ખૂબ જ જબરદસ્ત અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર રહેવાનો છે. આ વીક-એન્ડ પર થિયેટરોમાં કોઈ એક-બે નહીં, પરંતુ એકસાથે નવ ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ બધી ફિલ્મો અલગ-અલગ જોનરની છે, જેમાં હોરર, કૉમેડી, ક્રાઈમ થ્રિલર, રોમેન્ટિક ડ્રામાથી લઈને પોલિટિકલ ડ્રામા સુધીના તમામ ઓપ્શન ઉપલબ્ધ છે. જો તમે પણ આ વીકએન્ડ પર થિયેટરમાં જઈને મૂવી જોવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો 12મી જૂને રિલીઝ થનારી આ નવમી ફિલ્મોનું આખું ગણિત સમજી લો...

ભારત ભાગ્ય વિધાતા 

12મી જૂને રિલીઝ થનારી ફિલ્મોમાં સૌથી વધુ ચર્ચા કંગના રનૌત સ્ટારર 'ભારત ભાગ્ય વિધાતા'ની છે. મનોજ તાપડિયા દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ 26/11 મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન અજાણ્યા હીરો તરીકે ઉભરી આવેલી એક સ્ટાફ નર્સની સાહસિક કહાની પર આધારિત છે. ફિલ્મમાં ગિરિજા ઓક અને સ્મિતા તાંબે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

મેં વાપસ આઉંગા 

પ્રખ્યાત ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી વધુ એક વખત દિલને સ્પર્શી જાય તેવો રોમેન્ટિક ડ્રામા લઈને આવ્યા છે. આ ફિલ્મ ૧9૪૭ના દેશના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં નસીરુદ્દીન શાહ, દિલજીત દોસાંજ, વેદાંગ રૈના અને શરવરી અદભુત પાત્રોમાં જોવા મળશે.

ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર 
વર્ષ 1990ના દાયકાની શરૂઆતમાં ભારતમાં આવેલા આર્થિક સંકટ પર બનેલી આ ફિલ્મમાં મનોજ બાજપેયી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર એસ. વેંકિટરમણનની ભૂમિકા ભજવી રહ્યા છે. ચિન્મય ડી. માંડલેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દેશને આર્થિક બરબાદીથી બચાવવાની સત્ય ઘટના પર આધારિત છે.

હીર સારા 

કાર્તિક ચૌધરી દ્વારા નિર્દેશિત 'હીર સારા' એક રોડ-ટ્રીપ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પત્રલેખા, આરિફ ઝકરિયા અને શ્વેતા સાલ્વે મુખ્ય ભૂમિકામાં છે, જે દોસ્તી અને અંગત આઝાદીની સુંદર સફર દર્શાવે છે.

હોન્ટેડ 3ડી

હોરર ફિલ્મોના કિંગ વિક્રમ ભટ્ટ પોતાની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'હોન્ટેડ ૩ડી' સાથે કમબેક કરી રહ્યા છે. શિમલાની એક હોન્ટેડ પ્રોપર્ટી અને મહિલા ભૂતની આ વાર્તામાં મિમોહ ચક્રવર્તી લીડ રોલમાં જોવા મળશે.

ધ નર્મદા સ્ટોરી 

સામાજિક મુદ્દાઓ અને ગુનાખોરી પર આધારિત ધ નર્મદા સ્ટોરી ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં સિમાલા પ્રસાદ મુખ્ય ભૂમિકામાં એટલે કે 'નર્મદા' તરીકે જોવા મળશે. આ ઉપરાંત રઘુવીર યાદવ અને મુકેશ તિવારી જેવા અન્ય દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઝૈઘમ ઈમામે કર્યું છે.

સ્કેરી મૂવી 
હોલીવુડની પ્રખ્યાત પેરોડી ફ્રેન્ચાઈઝી 'સ્કેરી મૂવી'ની નવી ફિલ્મ પણ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. હોરર ફિલ્મો અને પોપ-કલ્ચર ટ્રેન્ડ્સની મજાક ઉડાવતી આ ફિલ્મ કોમેડી પ્રેમીઓ માટે બેસ્ટ ઓપ્શન છે.

બેકરૂમ્સ 
હોલીવુડની વધુ એક શાનદાર હોરર ફિલ્મ ભારતીય થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સેન્સર બોર્ડ (CBFC) દ્વારા આ ફિલ્મને 'ઝીરો કટ' એટલે કે એક પણ સીન કાપ્યા વગર પાસ કરવામાં આવી છે, જે હોરર લવર્સ માટે ખુશીના સમાચાર છે.

ડિસ્ક્લોઝર ડે 
દુનિયાના મહાન ડાયરેક્ટર્સમાંથી એક એવા સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા નિર્દેશિત આ એક સાયન્સ ફિક્શન, સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં જોશ ઓ કોનર અને કોલિન ફર્થ જેવા હોલીવુડના મોટા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.