(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આ સપ્તાહના અંતમાં ઈરાન સાથે શાંતિ સમજૂતી થઈ જવાના સંકેત આપતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં 4.25 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. આમ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થતાં ફુગાવો વધવાની ચિંતા હળવી થતાં ભારત સહિતના વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 90 પૈસા મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 67 પૈસાના સુધારા સાથે 95.18ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ બંધ કરવાના કરાર લગભગ પૂર્ણતાના આરે છે અને સપ્તાહના અંત સુધીમાં યુરોપ ખાતે કરાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી અને ઈરાક પરનાં હુમલા બંધ કર્યા હોવાનું જણાવતા આજે બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.85ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.53 અને ઉપરમાં 94.95ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 67 પૈસા વધીને 95.18ના મથાળે બંધ રહ્યો હતો.
આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 4.25 ટકા ઘટીને લગભગ ત્રણ મહિના પછી બેરલદીઠ 90 ડૉલરની અંદર ઊતરીને 86.54 ડૉલર આસપાસ ક્વૉટ થતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સના હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનીલ કુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 94.75થી 95.75 આસપાસની રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.20 ટકા ઘટીને 99.65 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1965.40 પૉઈન્ટનો અને 461.30 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.