જૂઈ પાર્થ
પંદરેક વર્ષની તૃષા છેલ્લા થોડા દિવસથી થોડી ઉદાસ રહેતી હતી. ઘરમાં અને ભણવામાં ધ્યાન નહોતી આપી શકતી. શરૂઆતમાં તો એની મમ્મીને લાગ્યું કે બહેનપણીઓ સાથે કંઈ દલીલો થઈ હશે એટલે આવું વર્તન કરે છે, પણ દિવસે-દિવસે એ વધુ અળગી થતી ગઈ. તૃષાના માતા-પિતાને હવે ચિંતા થવા લાગી કે એવું તે શું થયું કે તૃષાનું વર્તન આટલું બદલાઈ ગયુ છે!
લગભગ એક મહિનો આવું ચાલ્યું. આખરે તૃષાની મમ્મી એક સુંદર દેખાતી ડાયરી લઈ આવી અને તૃષાનાં સ્ટડી ટેબલ પર મૂકી દીધી. મમ્મી જાણતી હતી કે તૃષાને લખવા - વાંચવાનો ખૂબ શોખ છે. એ જે વાત કોઈને ના કરી શકતી કદાચ આ ડાયરીમાં લખે તો મન હળવું થઈ જાય, એ હેતુથી મમ્મી તૃષા માટે ડાયરી લાવી હતી. અને બે-ચાર દિવસમાં સાચે જ જાણે ચમત્કાર થયો. તૃષાએ ઘરમાં બધાની સાથે બેસી વાતો કરવાનું અને ધીમે ધીમે મૂળ સ્વભાવ જેવું હસી મજાક કરવાનું પણ શરૂ કર્યું. એક મહિનામાં તો એ એકદમ પહેલાં જેવી જ થઈ ગઈ. કારણ હતું, એણે રોજ ડાયરી લખવાનું શરૂ કર્યું હતું.
જૂના જમાનાનો એક પ્રચલિત શબ્દ છે રોજનીશી. આ શબ્દને જૂના જમાનાનો એટલે કહ્યો, કારણ કે હાલની પેઢી રોજનીશી નહીં, પણ ડેઈલી ડાયરી લખે છે, જેને એ ‘જરનલિંગ’ પણ કહે છે. યુવા પેઢી કદાચ કાગળ અને પેનથી નહીં પણ ફોનની નોટ્સમાં લખે છે. જો કે એમાં ખોટું કંઈ નથી, લખાય છે એ જ મહત્ત્વનું છે.
રોજનીશી એટલે દૈનિક નોંધ. સવારથી ઊઠીને રાત્રે સુતા સુધી જે કંઈ પ્રવૃત્તિ કરી હોય કે કોઈ ઘટના હૃદયને સ્પર્શી ગઈ હોય એ બધું જ વિગતવાર નોંધવાની પ્રક્રિયા એટલે રોજનીશી. કોઈ આખી દિનચર્યા નોંધે તો કોઈ હિસાબ લખે, તો કોઈ માત્ર એ જ વાત પાનાં પર ઉતારે જે તેમને મનને વળગી હોય. મોટાભાગે રોજનીશી રાત્રે લખવામાં આવે. આખો દિવસ તો નોંધપોથી સાથે લઈને ફરાય નહિં તદ્ઉપરાંત આખા દિવસનો મેળ નોંધવા માટે દિનચર્યા પૂરી થવાની રાહ પણ જોવી પડે ને!
રોજનીશી ખૂબ અંગત છે. એ લખવાનો હેતુ કોઈથી કંઈ છુપાવવાનો નથી હોતો, પણ જાતની નીકટ આવવાનો પ્રયત્ન હોય છે. રોજનીશીનો લખવાનો વિચાર આવવો એ જ પોતાની જાત સાથે પ્રામાણિક રહેવાનાં વચન બરાબર છે.
સામાન્ય રીતે આપણે જે પણ લખીએ છીએ એ મન સ્વીકારે તો જ નોંધપોથીમાં સ્થાન પામે છે અને જો મન ન સ્વીકારતું હોય તો લખ્યા પછી તેનું મૂલ્યાંકન પણ થતું હોય છે.
‘ડ્રાકુલા’ ફિલ્મનું એક ફેમસ પાત્ર મિના મુરેનાં કહેવા મુજબ રોજનીશી પોતાની જાત સાથેનો ધીમો સંવાદ છે.
રોજનીશી લખવાનાં ઘણાં ફાયદા છે. રોજનીશી લખવાથી મનમાં ઘૂંટાતી લાગણીને વાચા મળે છે. જે કોઈને નથી કહી શકતાં તે લખવાથી મન હળવું થઈ જાય છે. કેટલીક વાર તમને સાંભળનાર ફક્ત કાગળ હોય છે. રોજનીશી લખવાથી જીવનમાં શિસ્ત અને વિચારોમાં સ્થિરતા તેમ જ પારદર્શકતા આવે છે. આપણે પોતાનાં જ વિચારોને તટસ્થપણે જોઈ શકીએ છે. લખીને ફરી વાંચીએ ત્યારે આપણે ક્યાં સાચા ને ક્યાં ખોટાનો પોતે જ ખ્યાલ આવે છે, સાક્ષીભાવ કેળવાય છે. વડીલો કહેતાં કે લખેલું બોલે. આમ રોજનું રોજ કામનું-નકામું બધાની નોંધ રાખવાની આદતથી પોથી ખોલતાવેંત જ જોઈતી માહિતી મળી રહે છે. કવિ વિલિયમ વર્ડ્સવર્થ કહે છે તેમ કાગળને હૃદયનાં શ્વાસ વડે ભરી દો એટલે કે દિલની બધી જ લાગણી કાગળ પર લખીને ઠાલવી દો. આમ કરવાથી મનનો બોજ હળવો થાય છે.
અલબત્ત, પહેલાનાં લોકોની અને અત્યારનાં યુવાનોની રોજનીશી લખવાની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં લોકો સાદી સીધી નોંધપોથી વસાવતાં જે વર્ષે બદલાતી. જ્યારે હવે સુશોભનવાળી ડાયરી કે જરનલનો જમાનો છે.
અને કદાચ એટલે જ રોજનીશીનાં બદલે એ જરનલ અથવા ડાયરી તરીકે જ ઓળખાય છે. જો કે અત્યાઆધુનિક મોબાઈલ અર્થાત્ સ્માર્ટ ફોનમાં જરનલીંગ કરવું વધુ સરળ લાગે છે કદાચ કે જેમાં કાગળ, પેન અને સમય ત્રણેયની બચત થાય છે. માધ્યમ જે હોય તે, મહત્ત્વ વિચારોને લખવાનું, તેને નોંધવાનું છે.
આ બધી વાત વચ્ચે તમને એ પૂછવાનું કે તમે ક્યારેય રોજનીશી લખી છે? જો ના લખી હોય તો ક્યારેક પ્રયત્ન જરૂર કરજો! રોજનીશી વિશે બોલો, તમે શું કહો છો?