Wed Aug 19 2026

Logo

ઝબાન સંભાલ કે : એક તેતરને કારણે અળ રાખી અખિયાત

2026-08-16 10:03:00
Author: Henry Shastri
Article Image

 

 

 

- હેન્રી શાસ્ત્રી

 

ઝબાન સંભાલ કે - ગુજરાતી સાહિત્યમાં વિપુલ ખેડાણ થયું છે. દરેક રસની કથા - વાર્તા અહીં મળી આવે છે. સૌરાષ્ટ્ર તરફના લખાણમાં વીરરસને પ્રાધાન્ય મળ્યું છે. આ ભૂમિની વાર્તાની વાત નીકળે એટલે સૌથી પહેલાં સ્મરણ થાય ઝવેરચંદ મેઘાણીનું. `સૌરાષ્ટ્રની રસધાર' મેઘાણી દ્વારા લખાયેલી એક પ્રખ્યાત અને લોકપ્રિય વાર્તામાળા છે. આ પુસ્તકમાં સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ના શૂરવીરો, સતીઓ અને લોકજીવનની વફાદારી તથા ઉદારતા દર્શાવતી સચોટ લોકકથાઓનો અદ્ભુત સંગ્રહ છે. મેઘાણીની અનેક કથા દૃષ્ટાંત બની છે અને બીજી કેટલીક વાર્તાના કેટલાંક પ્રસંગો-વાક્યો કહેવતો અને કહેવત કથાઓમાં વર્ષોથી ધબકતાં રહ્યાં છે. આજે એનું એક ઉદાહરણ જાણીએ - માણીએ અને સાથે સાહિત્યની સમૃદ્ધિથી વાકેફ થઈએ. 

 

મેઘાણી સાહેબની એક બહુ જ જાણીતી લોકકથા પએક તેતરને કારણે'માં સુરેન્દ્રનગર જિલ્લાના અને આઝાદી પૂર્વે રજવાડું ગણાતા સાયલાના ચભાડ તીરંદાજો અને સોઢા પરમારો વચ્ચે શરણાગતના મુદ્દે થયેલા ભીષણ સંઘર્ષની વાત આલેખવામાં આવી છે. તોરમાં આવેલા ચભાડ તીરંદાજોએ એક તેતર પક્ષીને વીંધી નાખ્યું. પક્ષી બહુ ઘવાણું અને માથાફરેલ તીરંદાજો એવા કેફમાં હતા કે પેલા બીચારા પક્ષીની પીડા જોઈ કિકિયારી કરતા હતા. એક વિઘ્નસંતોષીએ તો એ ઘાયલ તેતર સોઢા પરમારોના પડાવમાં પ્રવેશ કરે એવો બેત રચ્યો. ઘાયલ અને કણસતું તેતર ચીસો પાડતું પાડતું પરમારના પાદરમાં દાખલ થઈ ગયું.

રાજપૂતાણી ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરતાં હતાં ત્યાં પહોંચી દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયું. તેતરના આક્રન્દને કારણે પૂજા કરતાં માની આંખો ખૂલી ગઈ અને શું દેખાયું? ઘાયલ તેતરના શરીરમાંથી રક્ત ટપકી રહ્યું હતું. હૃદયમાં કંપારી છૂટી ગઈ અને પૂજાપાઠને કોરાણે મૂકી તેતરની કાળજીમાં ધ્યાન પરોવ્યું. બાજઠ હેઠળ લપાઈને બેઠેલા ઘાવથી પીડાતા તેતરને હળવે અને હૂંફાળા હાથે ઝાલી લીધું. બાળકની સંભાળ લેતા હોય એમ એને  હૈયાસરસું ચાંપી પંપાળતા કહેવા લાગ્યાં `હવે  બીવાની જરૂર નથી. મારા આંગણે આવ્યા પછી તને બીક કોની છે? આ તો રજપૂતાણીનો ખોળો છે. તું હવે હેમખેમ છો.'

 

ઘાયલ તેતરનો પીછો કરતાં કરતાં ચભાડો સોઢા પરમારને ત્યાં પહોંચી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે `આપણો ચોર ભાગીને અહીં સંતાઈ ગયો છે. અંદર કોણ છે ભાઈ? અમારો ચોર હવાલે કરો.' હોંકારા-પડકારા સાંભળી સોઢાઓ બધા બહાર નીકળી કુતૂહલવશ પૂછવા લાગ્યા કે `તમે છો કોણ? અને આટલી રાડ કેમ પાડો છો?' ચભાડોને તો કેફ ચડ્યો હતો. તોછાઈડીથી બોલ્યા, `અમારો ચોર તમારે ત્યાં પેસી ગયો છે. એને સોંપી દ્યો એટલે પત્યું.' સોઢાઓને જિજ્ઞાસા થઈ એટલે સામો સવાલ કર્યો કે `કોણ છે તમારો ચોર?' એક ચભાડ છાતી કાઢતો આગળ આવ્યો અને બોલ્યો કે `અંદર ગયો છે અમારો શિકાર, જખ્મી તેતર.'

 

આ વાતચીત ચાલી રહી હતી ત્યાં માતા રજપૂતાણી બહાર આવ્યાં અને પૂછપરછ કરવા લાગ્યાં. ચભાડોએ તેતર આપી દેવા કહ્યું એટલે માતા બોલ્યાં કે `એ તેતર હવે ન મળે. એ તો શરણે આવી ઠાકરના બાજોઠ હેઠળ બેઠો હતો. ભગવાનને શરણે આવેલાને પાછો તો ન જ આપું.' ચભાડોને રોષ ચડ્યો, પણ માતાએ તેતરને હૈયાસરસું ચાંપી ચોખ્ખી ના પાડી દીધી. કજિયો ઇચ્છતા ચભાડોએ તલવારો તાણી અને તેતરની રક્ષા કરવા સોઢાઓ પણ સજ્જ થઈ ગયા. જબરદસ્ત ધીંગાણું થયું અને બંને પક્ષે ખુવારી થઈ. શરણાગતિના મુદ્દે થયેલી આ લડાઈનું વર્ણન આવી રીતે થયું છે કે પડ્યા, ચભાડ પાંચસેં, સોઢા વીસું સાત, એક તેતરને કારણે અળ રાખી અખિયાત. પાંચસે ચભાડો મરણને શરણ થયા અને સાત વીસું (140) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. અળ એટલે આબરૂ અને અખિયાત એટલે હેમખેમ - સલામત કે અકબંધ.

 

ભાષા વૈભવ 

 

કહેવતોમાં સાપ 

 

તિથિ તોરણને અનુસરતા લોકોના જીવનમાં તારીખ કરતાં તિથિનું મહત્ત્વ વિશેષ હોય છે. કેટલાક લોકો વરસગાંઠ તિથિ અનુસાર ઊજવતા હોય છે. અગિયારસ, વાઘ બારસ, અખાત્રીજ જેવી તિથિ સામાજિક જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. પાંચમની તિથિ પણ અગત્યની છે. દિવાળી પછી આવતી લાભ પાંચમ, વસંત પંચમી, ઋષિ પંચમી સાથે નાગ પંચમીની પણ ઉજવણી થાય છે. નાગ પંચમી અમુક ઠેકાણે શ્રાવણ સુદ પાંચમ (સોમવાર 17 ઓગસ્ટ) તો કેટલેક સ્થળે શ્રાવણ વદ પાંચમ (પહેલી સપ્ટેમ્બર) ઊજવાય છે. આપણે અહીં ભાષામાં સાપ કેવી રીતે વણાઈ ગયો છે એની વાત કરવાના છીએ. સરપ - સર્પ, નાગ, એ, ભુજંગ, વિષધર, વાસુકિ વગેરે એના પર્યાયવાચક નામ છે. વિજ્ઞાન માટે એ સરીસૃપ વર્ગનું ઝેર ધરાવતું પ્રાણી છે. જોકે, સાપ નામ કાને પડતા ડર અને ઘૃણાના ભાવ ઉત્પન્ન થાય છે તો નાગ શબ્દ અનાયાસે ભક્તિભાવ જગાડે છે. શ્રીકૃષ્ણ-શેષ નાગ, કાલિનાગની પૌરાણિક કથા એને માટે જવાબદાર હોવી જોઈએ.

 

એરુ આભડવો એટલે સર્પદંશ થવો. ભુજંગ એટલે કાળો નાગ અને ભુજંગશયન એટલે શેષનાગ ઉપર સૂવું. વિષ્ણુના શ્લોકમાં પશાંતાકારં ભુજગશયનમ' એવો ઉલ્લેખ આવે છે. શેષનાગ (સાપ)  પર શયન કરનારા અર્થાત્‌‍ પોઢનારા એવા શાંત સ્વરૂપ ભગવાન વિષ્ણુ એવો એનો અર્થ થાય છે. ગરુડ, નોળિયો અને મોર સાપ - નાગને મારી નાખતા હોવાથી ભુજંગરિપુ કહેવાય છે. રિપુ એટલે દુશ્મન. ભુજંગપુષ્પ એટલે એક જાતની વનસ્પતિ, નાગકેસર. આ ફૂલ સુગંધી હોય છે. ફેણવાળો સાપ નાગ કહેવાય છે. બધા સર્પ નાગ નથી કહેવાતા, પણ બધા નાગ સર્પ કહેવાય છે.

નાગ ફાગ અને દિવાળી, એ ત્રણે એક વારી કહેવતનો ભાવાર્થ છે સારા અને ખરાબ પ્રસંગ વચ્ચે ભેદભાવ ન હોવો. નાગપદમણી જેવી એટલે નાગક્નયા જેવી શ્યામ અને ચકચકિત સુંવાળા શરીરવાળી. ભેંસ માટે આ પ્રયોગ વપરાય છે. ઈશાન ભારતમાં નાગ લોકોનો વસવાટ છે. આ લોકો સર્પની પેઠે ચૂપકીથી અને ઘાતકીપણે હુમલો કરતા હશે એટલે નાગ કહેવાયા હશે એવી અટકળ છે.

 

તમે કદાચ કોઈ વાર્તામાં કે ગામડાના પ્રવાસ દરમિયાન સાપની માસીનો ઉલ્લેખ સાંભળ્યો હશે. સાપબામણી એટલે ગરોળીના ઘાટની લીસી સુંદર ચિતરામણી ચામડીવાળી જે સાપની માસી તરીકે ઓળખાય છે. હકીકતમાં આ એક નાનકડો સાપ જ હોય છે. સાપની તો ઘણી કહેવતો છે. આગળ સાપને પાછળ વાઘ એટલે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ. ગ્રહણ વખતે સાપ કાઢવો એટલે કામને વખતે વચ્ચે મુશ્કેલી કે આડી વાત કરવી. સાપ ગયા પણ લિસોટા રહ્યા એટલે કાર્યની સમાપ્તિ પછી પણ અસર ચાલુ રહેવી, રીતરિવાજ ચાલુ રહેવા. સાપે છંછુદર ગળવા જેવી હાલત એટલે બેઉ બાજુએથી મુશ્કેલીમાં મુકાઈ જવું. સાપનો ભારો એટલે સાથે રાખી ન શકાય એવી પરિસ્થિતિ. લગ્નની ઉંમર વટાવી ચૂકેલી ક્નયા.