Tue Aug 18 2026

Logo

હાસ્ય વિનોદ: છેતરપિંડી: કળા કે વિજ્ઞાન?

2026-08-16 10:01:00
Author: Vinod Bhatt
Article Image

 

 

 

- વિનોદ ભટ્ટ

 

ઈશ્વરે બુદ્ધિ બધાને ઓછીવત્તી આપી છે, એનો ઉપયોગ સજ્જનો સત્કાર્યમા કરે છે, રાજકારણીઓ પોતાનુ ટટ્ટુ સીધુ કરવામા કરે છે અને બદમાશ, ચીટર કે ધુતારાઓ લોકોને છેતરવામા પોતાની સમગ્ર બુદ્ધિ વાપરતા હોય છે... અમારા વિસ્તારમા ભોલારામ નામનો એક યુવાન રહેતો હતો. નામે જ ભોળો, ચહેરો પણ માસૂમ. કોઈ પણ માણસ તેનાથી ભોળવાઈ જાય. બુદ્ધિમા અત્યત તેજસ્વી, પણ પોતાની બુદ્ધિનુ રોકાણ તે લોકોને છેતરવામા જ કરે. એકવાર એક મિત્ર સાથે તે ચા પીવા ગયો. ચા પીને હોટલમાથી બહાર નીકળતા તેણે ફૂટપાથ પર કાપડ વેચતા ફેરિયાને જોયો. તેની આખ ચમકી. મગજમા ઝબકારો થયો. મિત્રને તેણે કહ્યુ કે તુ સામે ફૂટપાથ પર ઊભો રહે, હુ મારા સ્નેહી પેલા કાપડિયાને મળીને આવુ છુ, એ મારા ગામનો છે. ફેરિયા પાસે જઈ તેણે 500-600 રૂપિયાનુ કાપડ ખરીદ્યું. ખિસ્સામા હાથ નાખી ઝાટકા સાથે હાથ પાછો ખેંચી લેતા કાપડના ફેરિયાને તેણે કહ્યુ, `સૉરી યાર, પાકિટ ઘેર ભૂલી ગયો છુ. પછી વાત.' ફેરિયાને માડ એક ગ્રાહક હાથ લાગ્યો હતો, જેણે ભાવમા સહેજ પણ કચકચ કર્યા વગર માલ પસદ કરી લીધો હતો. તેણે તો ભોલારામને પૂછયું: `ક્યાં રહો છો?'

 

`આ ટોકિઝની પાછળ જ રહું છું. જો વિશ્વાસ પડતો હોય તો કાપડ આપો, એમ તો સામેની ફૂટપાથ પર ઊભો છે એ મારો દોસ્ત છે. હું ઘેરથી પૈસા લઈને અબઘડી આવું છું' ને કાપડ લઈને ભોલારામ ત્યાંથી સરકી ગયો. મિત્ર સાથે હાથ અધ્ધર કરી કહ્યું ખરું કે હમણાં જ આવું છું, તું રોકાજે. ભોલારામને ગયે લગભગ અડધો-પોણો કલાક થયો એટલે પેલો ફેરિયો અને મિત્ર બંને અકળાયા, ધીરજ ખૂટી જતાં મિત્રે ચાલવા માંડયું. પેલા ફેરિયાએ દોડીને તેના શર્ટનો કૉલર પકડ્યો: `ક્યાં જાવ છો?' 

 

`તું કોણ પૂછનાર, મારા ઘેર જાઉં છું. કેમ?' મિત્રે ગુસ્સામાં પૂછયું.

 

`પેલો તમારો દોસ્ત, તમને બાનમાં મૂકીને ગયો છે, મારી પાસેથી ખરીદેલ કાપડના પૈસા લેવા તે ઘેર ગયો છે...' ફેરિયો બોલ્યો. બન્ને રસ્તા વચ્ચે લડવા લાગ્યા. મોટું ટોળું ભેગું થઈ ગયું. ત્યાં સુધીમાં તો ભોલારામે પેલું કાપડ કોઈકને 300 રૂપિયામાં પધરાવીને રોકડી કરી લીધી હતી.

 

છેતરપિંડી આમ તો એક કળા છે. આ કળાનો ડિપ્લોમા ધરાવતા કલાકારો વિશે છાપામાં લગભગ રોજની એકાદ ઘટના વાંચવા મળતી હોય છે. આવા એક કલાકારનાં પરાક્રમોથી અમારા ગીધુકાકા ઘણા પ્રભાવિત થઈ ગયા છે. આજે એ પ્રોફેશનલ કલાકારની થોડી વાત કરીશું. તદ્દન સત્ય ઘટના છે:

 

બન્ટી તેનું નામ, સૉરી નામ નહીં, ઉપનામ. આવા વ્યવસાયોમાં પડેલાઓનાં નામો પણ વિપુલ સંખ્યામાં હોય છે. જોકે નામનો તેમને સહેજ પણ મોહ હોતો નથી, મૂળ નામ તેનું દેવિન્દર. પણ કાચીંડો જે રીતે પોતાનો રંગ બદલી શકે છે તે રીતે શહેર પમાણે પોતાનાં નામ તે બદલતો. પંજાબ તરફ જાય ત્યારે કે. આર. સિંઘ, મુંબઈમાં અજય પાંડે ઉર્ફે બન્ટી, બેંગલોરમાં તેનું નામ ટી. પી. એસ. માણિક રહેતું. આ ઉપરાંત અજય ચૌધરી, પ્રવીણ ફોતેદાર જેવાં વિવિધ નામો પણ તે રાખતો ને જરૂર ન હોય ત્યારે સાપની કાંચળીની જેમ કાઢી પણ નાખતો. મૂળે તે દિલ્હીનો, પણ દિલ્હી કરતાં પંજાબ, હિમાચલ, બેંગલોર અને મુંબઈ વગેરે સ્થળે તેની નામના બહુ હતી. આજે તો આ બધી જગ્યાએ તેની માગ પણ ઘણી છે. આ વિસ્તારની પોલીસ માટે તે `વૉન્ટેડ' છે, `મોસ્ટ વૉન્ટેડ'.

 

બન્ટીની હિંમતને તો તેનાથી ઠગાનાર પણ દાદ આપતા. તે એક વિશિષ્ટ પ્રકારનો તસ્કર હતો. ચોરી કરવા પગપાળા જવામાં નામમ જણાતાં તે હંમેશાં રૂપિયા સાડા ત્રણ લાખની મારુતિ-1000માં બેસીને જ જતો. એકલો. હા, એકલવીર. સદરહુ ધંધામાં તેણે કોઈ ભાગીદાર રાખ્યો નહોતો. આવા ચોક્કસ પ્રકારના વ્યવસાયમાં વિશ્વાસુ ભાગીદાર ક્યાં મળે છે, આજકાલ?

 

એક વાર તે મારુતિ-1000માં દિલ્હીના પંચશીલ પાર્કમાં ગયો. પાસે મારુતિ ગાડી હોય એટલે બેધડકપણે પૉશ ઍરિયામાં ધસી જવાતું - શ્રીમંત વિસ્તારમાં બેધડકપણે પ્રવેશવાનું લાઈસન્સ એટલે મારુતિ-વન થાઉઝન્ડ. વહેલી સવારના સાડા પાંચ વાગ્યા હતા ને કેટલાંક લોકો પોતાનું ડાયાબિટીસ, ફૅટ વગેરે ઓછું કરવા મૉર્નિંગ વૉક લેવા બહાર જતાં હતાં. એક ફલેટની નીચે ગાડી પાર્ક કરી સીડીઓ ચડી બન્ટી બીજા માળે પહોંચી ગયો. એસ. કે,. સિંઘના ફલેટ પર કાન માંડીને જાણી લીધું કે બેડરૂમમાં એ.સી. ચાલી રહ્યું છે, અનુભવે તેને ખબર પડી ગઈ કે, આખો ફલૅટ નીંદર માણી રહ્યો છે.

 

માસ્ટર-કી વડે તેણે દરવાજો ખોલી નાખ્યો. સામે ડ્રોઈંગ રૂમમાં વિદેશી ડેક તેની જ વાટ જોતું બેઠું હતું. એ લઈને તે વટથી દાદર ઊતરી ગયો. એક અજાણ્યા જણને ઉપરથી ડેક સાથે ઊતરતો જોઈને ચોકીદારે બીજા ચોકીદારને બૂમ મારી. માથે જોખમ આવી પડ્યું છે એનો ખ્યાલ બન્ટીને આવી ગયો. સહેજ પણ ગભરાયા વગર ચોકીદાર સાંભળે તેમ ઉપર જોઈને મોટા અવાજે કહ્યું કે આન્ટી, હું ડેક ગાડીમાં મૂકીને આવું છું. ચોકીદારનો વહેમ ઓગળી ગયો. તેની છટા પરથી ચોકીદારને લાગ્યું કે સિંઘસાહેબનો કોઈ સગો-બગો હશે. ચોકીદારના મગજમાં કોઈ બીજો વિચાર ઝબકે તે પહેલાં તે બન્ટીએ ચોકીદારને બોલાવતાં જણાવ્યું: `જરા અહીં આવ તો!' ચોકીદાર નજીક આવ્યો એટલે બન્ટીએ ડેક અને કારની ચાવી તેના હાથમાં મૂકતાં કહ્યું: `હું બહુ જ ઉતાવળમાં છું. બૉમ્બેની ફ્લાઇટ પકડવાની છે. આ ડેક સામે ઊભેલી મારુતિ-1000માં મૂકી આવ, ઉપરથી હું બીજો સામાન લઈને આવું છું. ડેક સાચવીને મૂકજે, તૂટે નહીં.'

 

ઉપર જઈને તે વી.સી.આર. લઈને આવ્યો ને ચોકીદાર પાસે જ તે કારમાં મૂકાવ્યું. ત્યાર પછી ચોકીદારના હાથમાં દસની નોટ બક્ષિસ લેખે પકડાવી. પચાસની નોટ આપવાથી પેલાને વહેમ પડે. માનસશાસ્ત્રનો બન્ટી પાકો અભ્યાસી હતો.

 

ચોકીદારે સલામ મારી એટલે તેણે કાર મારી મૂકી. ડેક અને વી.સી.આર. ચોરાયાની બૂમાબૂમ થઈ, ત્યારે જ ચોકીદારને ખબર પડી કે પેલા મોરલાએ તો તેની જ પાસે કળા કરાવી હતી!

 

રાજકારણીઓની માફક બન્ટી માટે પણ દિલ્હી ચરવા માટેનું હરિયાળું ખેતર હતું. એકવાર દિલ્હીમાં માનસરોવર ગાર્ડનના એક બંગલામાં તે ચોરી કરવા મોડી રાતે પેઠો. જે રૂમમાં તિજોરી કબાટ હતું, ત્યાં પલંગ પર એક વૃદ્ધા ઊંઘી ગઈ હતી. નાઈટ-લૅમ્પ સળગતો હતો. બન્ટીએ કબાટ ખોલ્યું એટલે અવાજથી તે વૃદ્ધા જાગી ગઈ. તેણે આશ્ચર્યથી પૂછયું: `કોણ છે?' `એ તો હું છું...' સહેજ પણ થડકાર વગર તે બોલ્યો. એક તો નાઈટ લૅમ્પનો ઝાંખો પ્રકાશ ને માજીની આંખોય નાઈટ લૅમ્પ જેવી જ નબળી હશે એટલે તે ઓળખી શક્યાં નહીં. `તું હજી સૂતો નથી? જા જઈને સૂઈ જા.' કહી માજી પડખું ફરી સૂઈ ગયાં. આ તરફ તેમના કબાટમાંથી લક્ષ્મી પણ બન્ટી તરફ પડખું ફરી ગઈ. માજીની હાજરીની સહેજ પણ પરવા કર્યા વગર બન્ટીએ નિરાંતે હાથફેરો કરી લીધો.

 

એમ તો એક વાર તે પંચશીલ પાર્કમાં એસ. કે. ખન્ના નામના એક ધનિકના બંગલે પહોંચી ગયો. ખન્નાની મારુતિ-1000 બંગલાની બહાર પડી હતી. મારુતિ જોઈને તેનું મન ચળ્યું. જોકે પોતે જ મારુતિ-1000 લઈને જ આવ્યો હતો, જે તેણે થોડેક દૂર પાર્ક કરી હતી. સવારનો સમય હતો. ખન્ના શેઠની સુપુત્રી જ્યોતિ મૉર્નિંગ વૉક લઈને પાછી ફરી રહી હતી. તેણે એક અજાણ્યા યુવાનને પોતાની કારનો દરવાજો ખોલતો જોઈને પૂછયું: `તું કોણ છે?' `હું બન્ટી છું...' દરવાજો ખોલી કારમાં આરામથી બેસતાં તે બોલ્યો: `તારા ડૅડીએ બોલાવ્યો હતો. તેમને કહે કે જલદી નીચે આવે, મોડું થઈ રહ્યું છે.' દીકરીને એમ કે ડૅડી ક્યાંક બહાર જાય છે, એટલે તે ઉપર ચાલી ગઈ અને બન્ટી કાર લઈને પલાયન થઈ ગયો!

 

ઘરના માણસોની તે ક્યારેય ચિંતા કરતો નહીં. એક કહેવત છે કે, ઘંટ ચોરવા જનારથી કાનમાં પૂૂમડાં ના ખોસાય. પણ આ બન્ટી તો ચોરી કરવાય ધોળા દિવસે સિટી વગાડતો વગાડતો જતો. એક દિવસ તે લજપતનગરમાં એક બંગલામાં ચોરી કરવા પેઠો. સવાર પડી ગઈ હતી. બંગલાનો માલિક ડેરીએ દૂધ લેવા ગયો હતો. બન્ટી સિસોટીમાં કોઈ ગીત ગણગણતો વી.સી.આર. ઉપાડતો હતો. ત્યાં જ શેઠાણી ડ્રૉઇંગ રૂમમાં અચાનક પ્રગટ થયાં. બન્ટીએ તેને ધમકાવતાં કહ્યું: `બૂમબરાડા પાડવાની કોઈ જરૂર નથી. હું કોઈ ચોર-લૂંટારો નથી, સમજ્યાં! સાહેબ આવે તો કહેજો કે બન્ટી વી.સી.આર. લઈ ગયો છે. મારા વીસ હજાર રૂપિયા ચૂકવીને તમારું વી.સી.આર. લઈ જજો...'

 

શેઠાણી સ્તબ્ધ થઈ ગયાં. એટલામાં તો ખુદ શેઠ પણ દૂધ લઈને આવી ગયા હતા. બન્ટીને લાગ્યું કે તે ચોતરફથી ઘેરાઈ ગયો છે, છતાં સહેજ પણ ડર્યા વગર વી.સી.આર. બે હાથથી ઉપાડી પોતાની કાર તરફ આગળ વધતાં ઘાંટો પાડીને તેણે શેઠને કહ્યું: `હું વી.સી.આર. લઈ જઉં છું. મારા વીસ હજાર આપીને વી.સી.આર. છોડાવી જજો.' બંગલામાં થતી બૂમાબૂમ સાંભળીને ભેગા થયેલ પાસપડોશવાળાનેય લાગ્યું કે મારુતિમાં બેસીને ચોર તે કંઈ આવતો હશે? નક્કી કોઈ લેણદાર જ હશે, એટલે તેમણે કોઈએ બન્ટીને વી.સી.આર. લઈ જતો રોક્યો નહીં. કદાચ શેઠ પણ એવા વિચારમાં પડી ગયા હશે કે ચોક્કસ તે આ માણસ પાસેથી લીધેલ 20 હજાર રૂપિયા આપવાનું ભૂલી ગયા હશે અને આ બંધાની આંખ સામે જ તે વી.સી.આર. ગાડીમાં મૂકીને ઊપડી ગયો.

 

અમારા ગિધુકાકા માને છે કે, આ બન્ટીએ ખોટો વ્યવસાય પસંદ કર્યો. ચોરી-ચપાટી કરવાને બદલે તે રાજકારણમાં પડ્યો હોત તો તે ચોક્કસ વડો પ્રધાન બની ગયો હોત. વ્યક્તિગત રીતે તે આજે લોકોને છેતરીને લૂંટે છે એને બદલેે ગૌરવપૂર્વક તે ભારતની સમગ્ર પ્રજાને છેતરીને લૂંટી શક્યો હોત.

 

ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સ હસ્તગત કરવાનો તેને ભારે શોખ. એક દિવસ તે પોતાની (!) મારુતિ-1000માં બે ટી.વી., બે વી.સી.આર. અને ત્રણ ડેક સાથે ઇન્દિરા ગાંધી ઍરપોર્ટથી પાછો ફરતો હતો, તેની કાર તે એક કોન્ટેસા કારની પાછળ ચલાવતો હતો. પોતાની કારમાં બેઠાં બેઠાં તેણે જોઈ લીધું કે આગળ ચાલતી કોન્ટેસામાં એક સરદારજી-સરદારણ બેઠાં છે. એક જગ્યાએ પોલીસે પહેલાં કોન્ટેસા કાર રોકી. કારમાં નજર નાખી તેને જવા દીધી.

 

ત્યાર બાદ બન્ટીની કારને રોકી. તેની કારમાં ટી.વી., વી.સી.આર. વગેરે જોઈને પોલીસે પૂછપરછ કરવા માંડી એટલે બન્ટીએ પંજાબી ભાષામાં પોલીસને માહિતી આપી કે આગળ કોન્ટેસા જાય છે તે મારાં મમ્મી પપ્પા છે. તે પોણા પાંચ વાગ્યાની ફ્લાઈમાં અમેરિકાથી આવ્યાં છે અને આના પુરાવા લેખે ઍરપોર્ટના કાર-પાર્કિંગની રસીદ બતાવી. 

પોલીસવાળા સામે આંખ મીચકારીને તેણે ચોરીની જ એક વિદેશી દારૂની બૉટલ આપી દીધી. રસ્તો સાફ! પોલીસ પોલીસ હોવા છતાં કે પછી એ જ કારણે તેને એ ખ્યાલ ન આવ્યો કે વિદેશથી આવતાં ટી.વી., વી.સી.આર. આ રીતે ખુલ્લાં આવતાં હશે?

 

તસ્કર માટે `નિશાચર' જેવો શબ્દ વપરાય છે, પણ બન્ટી પોતાના આ વ્યવસાય માટે રાત-દિવસને સરખા માની પોતાની કળા દિવસના ભાગમાં પણ અજમાવતો. એક દિવસ કોઈ એક બંગલાની બહાર તેણે મારુતિ-1000 રસ્તા પર પડેલી - આમ તો ઊભેલી જોઈ. તદ્દન નવી નકોર બ્રાન્ડ ન્યૂ કાર એ તેની નબળાઈ હતી.

 

બસ, આ ગાડી આપણી એવું બબડી તેણે કારનો દરવાજો ખોલી કાર ચાલુ કરવા મથામણ કરી, પણ ચાલી નહીં. તેને ખ્યાલ આવી ગયો કે કારમાં ક્યાંક ડેડસ્વિચ બેસાડેલી હોવી જોઈએ, પરંતુ એ ડેડ સ્વિચ શોધવા જેટલો સમય તેની પાસે ન હોય એ સ્વાભાવિક છે. તેને માટે તો ટાઇમ ઇઝ મની. એક મિનિટ પણ વધારે વેડફ્યા વગર પોતાની કારમાંથી તાર-દોરડું વગેરે કાઢી એ કાર પોતાની કાર સાથે બાંધીને ધોળા દહાડે તે લઈ ગયો!

 

ઘણા લોકોએ આ રીતે કાર સાથે કાર બાંધીને લઈ જતો તેને જોયો, પણ એ બધા એવું સમજયાં કે, કાર બગડી હશે એટલે તેને ટો કરીને ગૅરેજમાં લઈ જતો હશે.

 

બન્ટીને ક્રિકેટનો શોખ હતો કે નહીં એ વિશે પોલીસ પાસે માહિતી નથી. પણ તેને ટ્રૉફી, શિલ્ડ, મેડલ વગેરે મેળવવાનો ચોક્કસ શોખ હોવો જોઈએ, કેમકે એક રાતે તે ટેસ્ટ ક્રિકેટર વેંગસરકરના ઘરમાં પેઠો. પહેલાં તો તે રોકડની શોધમાં પડી ગયો, પણ એવું ખાસ કંઈ તેને હાથ લાગ્યું નહીં, ત્યાં એક પારદર્શક કાચના કબાટમાં મુકાયેલાં મેડલ, શિલ્ડ દેખાયાં. આથી પછી આ ચીજવસ્તુઓથી સંતોષ માની તે લઈ ગયો. શિલ્ડ પરનું વેંગીનું નામ છેકીને બન્ટીનું નામ કોતરાવવું ઉચિત ન લાગવાથી આ બધા એવૉર્ડસ તેણે મુંબઈના જ એક સહધર્મી - બીજા તસ્કરને નાખી દેવાના ભાવે વેચી માર્યા. દિલીપ વેંગસરકરે છાપામાં જાહેરાત આપી કે આ ટ્રોફી, શિલ્ડ મેડલ્સને એવું બધું પ્રાપ્ત કરવા તે જીવનભર ઝઝૂમ્યો છે ને હવે તે આ રમત તેને માટે સાવ ભૂતપૂર્વ થઈ ગઈ હોવાથી આ ચંદ્રકોનું મૂલ્ય તેને માટે ખૂબ જ ઊંચું છે. લેનાર ભલે તે મફતમાં લઈ ગયો, પણ જો તે આ ચંદ્રકો પરત કરશે તો તેને રૂપિયા પચાસ હજારનું ઈનામ આપશે તથા એ કલાકારનું નામ પોલીસથી છાનું રાખશે. આ જાહેરખબર પણ અનાયાસ બન્ટીની નજર પડી ત્યારે તેને જાણ થઈ કે તેણે વેંગસરકરની વિકેટ લીધી હતી.

 

લખલૂટ ધન ને નવીનકોર ઉઠાવેલી મોટર-કારોને લીધે તે ઘણું મોટું સ્ત્રી-પુરુષોનું મિત્ર-વર્તુળ ઊભું કરી શક્યો હતો. તેને ખાવા-ખવડાવવાનો શોખ હતો, એ કરતાં તેના મિત્રોને ખાવાનો શોખ વધારે હતો. તે એક ખૂબ જ શ્રીમંત બાપનો બેટો છે એવી છાપ તેણે મિત્રોમાં ઊભી કરી હતી ને મિત્રોને પણ એવું માનવામાં નુકસાન નહોતું... પણ બન્ટી તેના બાપનો અળખામણો પુત્ર હતો. તેને મા-બાપનો પ્રેમ નહોતો મળ્યો. મા-બાપ બન્ને અંદર-અંદર લડવા-ઝઘડવામાં એટલાં બધાં વ્યસ્ત રહેતાં કે તે પુત્રને પ્રેમ કરવા જેટલો સમય ફાળવી શકતાં નહોતાં.

 

હા પ્રેમના વિકલ્પે તેનો બાપ તેનો ઢોરમાર મારતો. તે 18 વર્ષનો થયો, ત્યારે પણ તેના પિતાએ તેની દાઢી-મૂછનીય શરમ ધર્યા વગર તેને અસહ્ય માર માર્યો. એટલે પછી મા-બાપ પરનો ગુસ્સો તેણે સમાજ પર ઉતાર્યો! ઘર છોડી દીધું. નાની મોટી ચોરીઓ કરવા માંડી.

 

તેને મારુતિ-1000 તરફ હતો એટલો જ પ્રેમ કવિતા નામની નાઇટ ક્લબની એક ડાન્સર તરફ પણ હતો. એના પ્રેમમાં તે ગળાડૂબ હતો. કવિતા પાસે બન્ટીએ લગ્નનો પ્રસ્તાવ મૂકયો. લગ્નની વાત આવે ત્યારે છોકરો હસવા માંડે છે ને છોકરી ગંભીર થઈ જાય છે. જોકે કવિતાના ગંભીર થઈ જવાનું કારણ જુદું હતું. બંને હાથે પૈસા વાપરતો, ઠાઠમાઠથી રહેતો ને મારુતિ ગાડી ફેરવતો લગ્નનો આ ઉમેદવાર કામધંધો શું કરે છે એ કવિતાને જાણવું હતું, પણ આ અંગે બન્ટીને પૂછવાની તેનામાં હિંમત નહોતી.

 

કવિતા જે હિંમત દાખવી ન શકી એ હિંમત પોલીસે દાખવી, સાવ કવિતાની જેમ નહીં, પણ પોતાની આગવી શૈલીમાં આ પ્રશ્ન પોલીસે બન્ટીને પૂછયો. પોતાના કાંડા પરના રૂપિયા 3 લાખની કિંમતના હીરાના ઘડિયાળના સોગંદ ખાઈને તેણે પોતાનાં સાહસોની વાત કહેવાનો નિર્ધાર કર્યો, અને ત્યાં જ પોલીસ અધિકારીએ બન્ટીને મારવા હાથ ઉઠાવ્યો.

એટલે બન્ટીએ પોતાનું મોં ખોલતાં કહ્યું કે હું સામાન્ય ચોર નથી, સુપર ચોર છું. મારવાની જરૂર નહીં પડે, મારી યાદશક્તિ દગો દેતી ન હોય તો મેં અંદાજે 300 નાની-મોટી ચોરીઓ કરી છે, જેમાં આશરે 150 રંગીન ટી.વી., વી.સી.આર, ડેક, જનરેટર, ઓવન, ગોલ્ડ ક્રૉકરી વગેરે છે. જેની કિંમત 30 લાખથી ઓછી તો નહીં હોય. આ ઉપરાંત 15 મારુતિ-1000, 6 મારુતિ-800, એક કોન્ટેસા એમ સરવાળે 22 જેટલી ગાડીઓના માલિક થવા પ્રયાસ કર્યો હતો. મને તાત્કાલિક હાથકડી પહેરાવી દો, જેથી હું હાથકડી સાથે ભાગી શકું.

 

છેલ્લું વાક્ય બન્ટી મનમાં બોલ્યો હશે... અને એક દિવસ તે હાથકડી સમેત ફરાર થઈ ગયો. હવામાં ઓગળી ગયો. શક્ય છે કે તે કોઈ પોલીસ અધિકારીના ઘરમાં જ છુપાયો હશે, કેમ કે પોલીસ ઑફિસર્સના સુપુત્રો સાથે તેને ઘરોબો હતો.

 

બન્ટીને પોલીસ શોધી રહી છે, તેમ જ તેની પ્રેમિકા કવિતા પણ શોધી રહી છે. પોલીસ કરતાંય પ્રેમિકાને તેની વધારે જરૂર છે, કારણ એટલું જ કે તેના પેટમાં જુનિયર બન્ટી આકાર લઈ રહ્યો છે.