Wed Aug 19 2026

Logo

પિતાની વિરાસતનો ભાર નહીં, પોતાની ઓળખનો પ્રકાશ...

2026-08-16 09:41:00
Author: Raj Goswami
Article Image

 

 

અવની રાયની અનોખી સફર

 

પુત્રી અવની પિતા રઘુ રાય સાથે... પિતાએ કેમેરો આપ્યો અને વ્યૂફાઈન્ડર પુત્રીએ શોધ્યું

 

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

 

કેટલાક પિતા સંતાન માટે કેવળ વારસો જ છોડીને જતા નથી, તે તેમની સિદ્ધિની એક વિશાળ છાયા છોડીને જાય છે. તેમની સફળતા એટલી અસાધારણ હોય છે કે તેમનું સંતાન જ્યારે મોટું થઈને પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાની શરૂઆત કરે ત્યારે તેની સામે પહેલો પ્રશ્ન એ નથી હોતો કે `હું શું કરી શકું તેમ છું?' તેનો પ્રશ્ન એ હોય છે કે `હું તેમનાથી અલગ શું કરી શકું?' કારણ કે સમાજ હંમેશાં સંતાનના કદને તેના પિતાના પડછાયાથી માપે છે. અને કદાચ આ જ કારણ છે કે શૂન્યમાંથી શરૂ કરીને પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ મેળવનારા પિતાનાં સંતાનો માટે પોતાની આગવી ઓળખ બનાવવી ઘણી વાર વધુ મુશ્કેલ બની જાય છે. (જાણીતું ઉદાહરણ : અભિષેક બચ્ચન) પિતાની નિષ્ફળતા સંતાન માટે એક ખાલી જગ્યા છોડે છે, જેને તે પોતાની રીતે ભરી શકે, પરંતુ પિતાની મહાનતા એક રેડી-મેડ માપદંડ ઊભો કરી દે છે. પછી સંતાન જે કંઈ કરે છે તેની સરખામણી એક એવી વ્યક્તિ સાથે થવા લાગે છે જેની સાથે સ્પર્ધા કરવી જ મૂળભૂતરીતે અશક્ય છે.

 

આનું શ્રેષ્ઠ અપવાદરૂપ ઉદાહરણ ભારતની અવ્વલ દરજ્જાની ફોટોગ્રાફર અવની રાય છે. કદાચ તમે તેનું નામ ન સાંભળ્યું હોય તેમ બને, પણ તમને એવું કહેવામાં આવે કે તે ભારતના એક શ્રેષ્ઠતમ ફોટોગ્રાફર રઘુ રાયની દીકરી છે તો તમને પરિચિતતાનો અહેસાસ થશે.

 

ગયા એપ્રિલ મહિનામાં જ 84 વર્ષની વયે અવસાન પામેલા (અને જેમના વિશે આપણે અહીં જ વાત કરી હતી) રઘુ રાયે ભારતની સામૂહિક સ્મૃતિનો એક મોટો હિસ્સો કૅમેરામાં કેદ કર્યો હતો. ભોપાલ ગૅસ દુર્ઘટનાથી માંડીને મધર ટેરેસા સુધીની તેમની તસવીરો માત્ર તસવીરો નહોતી, ભારતને જોવાની એક આગવી રીત હતી.

 

આવા પિતાની પુત્રી જો ફોટોગ્રાફર બને તો તેની સૌથી મોટી મુશ્કેલી કૅમેરા ચલાવવાની નહીં, `પોતાની નજર શોધવાની' હોય. અવનીએ આ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. શરૂઆતમાં તે પિતાને કહેતી કે `હું તમારા જેવી નથી.' પછી તેને સમજાયું કે પિતાની જેમ જોવું અને પિતાની નકલ કરવી, તે બે તદ્દન જુદી વાત છે.

 

મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો બાળકની ઓળખનો એક મોટો ભાગ માતા-પિતાની સાથેની સરખામણીમાંથી બને છે. બાળક માટે પિતા શરૂઆતમાં માત્ર પિતા નથી હોતા. તે સફળતા, સત્તા, જ્ઞાન અને સ્વીકારનો પ્રથમ માપદંડ હોય છે. એટલે પિતા જો અસાધારણ હોય તો બાળકના મનમાં એક અદૃશ્ય છાપ ઊભી થાય છે; `મારે પણ એમના જેવું જ બનવું છે.'

 

બસ, અહીંથી સમસ્યા શરૂ થાય છે, કારણ કે `પિતા જેવું બનવું' અને `પોતે બનવું' એક જ વાત નથી. એકમાં અનુકરણ છે, બીજામાં આત્મશોધ. એકમાં સ્વીકૃતિ મેળવવાની ઇચ્છા છે, બીજામાં પોતાની અંદરની નોખી સંભાવનાને ઓળખવાની પ્રક્રિયા.

 

અવની રાયની યાત્રા અહીં રસપ્રદ બને છે. એક સમયે પિતા અને પુત્રી વચ્ચે ફોટોગ્રાફીને લઈને ઘર્ષણ થતું. રઘુ રાય પોતાની પાંચ દાયકાથી ઘડેલી દૃષ્ટિ પુત્રીને ઝડપથી આપી દેવા માગતા હતા, પણ અવનીને લાગતું હતું કે તેણે પોતાનો રસ્તો તેને જાતે શોધવા દેવો જોઈએ. તે કહેતી કે પિતા તેને કેવી રીતે ફોટોગ્રાફ લેવો તે કહેતા ત્યારે તેનો અંદરનો અવાજ બળવો કરતો. જોકે સમય જતાં તેને સમજાયું કે પિતાની પાસેથી મળેલો સૌથી મોટો વારસો તેમની તસવીરો નહોતી, `જોવાની રીત' હતી.

 

સ્વસ્થ વિરાસત તે નથી જેમાં સંતાન માતા-પિતાનું કામ આગળ વધારે - સ્વસ્થ વિરાસત તે છે જેમાં સંતાન માતા- પિતાનાં મૂળ મૂલ્યોને પોતાની ભાષામાં જીવતાં કરે. રઘુ રાયે પુત્રી અવનીને કોઈ તૈયાર `ફોટોગ્રાફિક સ્ટાઇલ' આપી નહોતી.

 

તેમણે તેને જિજ્ઞાસા, ધીરજ અને દુનિયાને ધ્યાનથી જોવાની ટેવ આપી. એટલે અવનીએ પિતાની તસવીરોનું પુનરાવર્તન કર્યું નહીં-  તેણે પિતાની `દૃષ્ટિની પાછળ રહેલી માનસિકતા' પોતાના કામમાં રૂપાંતરિત કરી. અહીં ભોપાલની વાર્તા એટલી પ્રતીકાત્મક છે. 1984માં રઘુ રાયે ભોપાલ ગેસ દુર્ઘટનાની ભયાનક માનવીય અસરને તસવીરોમાં કેદ કરી હતી. ત્રણ દાયકા પછી અવની એ જ ઘટનાની ત્રીજી અને ચોથી પેઢીના ભોગ બનનારાઓ સુધી પહોંચી. ઘા એ જ હતો, પરંતુ નજર અલગ હતી. પિતાએ ઇતિહાસની એક ક્ષણ જોઈ હતી; પુત્રીએ સમય પછી પણ ન મટેલો તેમનો ઘા જોયો. આ નકલ નહોતી, સંવાદ હતો.

 

રઘુ રાયની અધૂરી રહેલી Pirelli Calendar સફરને અવનીએ આગળ વધારી ત્યારે પણ તેણે પિતાની તસવીરોનું માત્ર પુનરાવર્તન કર્યું નહોતું. તેણે જૂની તસવીરોને નવી જગ્યાઓ, નવા લોકો અને પોતાના વર્તમાન સાથે વાત કરાવી. ભૂતકાળ અને વર્તમાન એક જ ફ્રેમમાં આવી ગયા.

 

સંતાન પિતાની છાયામાંથી ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને સમજાય છે કે છાયા સાથે લડવાની જરૂર નથી. છાયા તો પ્રકાશ હોવાનો પુરાવો છે. સમસ્યા ત્યારે છે જ્યારે આપણે છાયાને પોતાનું આકાશ માની લઈએ. મહાન પિતાની સામે સંતાનનું કામ પિતાને પાછળ છોડવાનું નથી. પિતાથી એટલું દૂર જવાનું છે કે પોતાની દિશા દેખાય  અને એટલું નજીક રહેવાનું છે કે મૂળિયાં ભૂલાય નહીં.

 

અવની માટે આ પરિવર્તન કદાચ પિતાના મૃત્યુ પછી વધુ સ્પષ્ટ થયું. તેણે એક જગ્યાએ કહ્યું હતું કે પહેલાં તે પિતાની દીકરી તરીકે પોતાને સાબિત કરવા માટે ફોટોગ્રાફ લેતી હતી; હવે જ્યારે કેમેરાના વ્યૂફાઇન્ડરમાંથી જુએ છે ત્યારે તેને પિતા પોતાની બાજુમાં ઊભેલા દેખાય છે. આ વાક્ય માત્ર શોકનું નથી, ઓળખ પરિપક્વ થવાનું પણ છે. જ્યાં સુધી આપણે કંઈક સાબિત કરવા માટે જીવીએ છીએ ત્યાં સુધી આપણું જીવન ખરેખર આપણું નથી. જે દિવસે સાબિત કરવાની જરૂરિયાત ખતમ થાય છે, તે દિવસે સર્જન શરૂ થાય છે.

 

મહાન પિતાનો સૌથી મોટો આશીર્વાદ ક્યારેક તેમની સફળતા નથી હોતો- પોતાની સફળતાની સામે સંતાનને નાનું ન અનુભવવા દેવાની તેમની ક્ષમતા હોય છે અને સંતાનની સૌથી મોટી સફળતા પિતાથી મોટા બનવામાં નથી- પિતાની મહાનતાને પોતાના વ્યક્તિત્વનો બોજ બનવા ન દેવામાં છે. રઘુ રાયે અવનીને એક કેમેરો આપ્યો હતો, પરંતુ અંતે તેને પોતાનો `વ્યૂફાઇન્ડર' શોધવું પડ્યું. કેમેરો વારસામાં મળી શકે, દૃષ્ટિ નહીં. પિતા પાસેથી જોવાની કળા શીખી શકાય, પરંતુ દુનિયાને પોતાની રીતે જોવાની નજર જાતે જ કેળવવી પડે. 

 

કદાચ એટલે અવની રાયની વાર્તા માત્ર એક દીકરીની સફળતાની વાર્તા નથી. તે દરેક એવા સંતાનની વાર્તા છે જેના ઘરમાં કોઈ બહુ મોટું નામ પહેલેથી લખાયેલું છે. આવાં સંતાનો માટે જીવનનો સાચો પ્રશ્ન એ નથી કે `હું મારા પિતા જેટલો મોટો બનીશ કે નહીં?' સાચો પ્રશ્ન છે કે `મારા પિતાએ મને જે પ્રકાશ આપ્યો છે, તેમાં હું શું એવું જોઈ શકું છું જે તેમણે પોતે જોયું નહોતું?' કારણ કે વિરાસતનું સૌથી સુંદર સ્વરૂપ એ છે કે વારસદાર વારસાને સાચવીને ત્યાં અટકી ન જાય એ તેમાં પોતાનું એક નવું પાનું ઉમેરે અને એ પાનું જ આખરે તેની પોતાની ઓળખ બની જાય છે.