Sun Jun 14 2026

Logo

કરિયર: ડિઝાસ્ટર મૅનેજમેન્ટ: આપત્તિના આ સૈનિકોની શાનદાર કરિયર

2026-06-14 10:43:00
Author: Kirti Shekhar
Article Image

 



 

- કીર્તિશેખર

 

કેટલીક કરિયર માત્ર નોકરી નથી હોતી, પરંતુ સમાજ સેવાનું એક નવું નામ હોય છે. ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એવી જ એક કરિયર છે. જ્યારે કોઈ વિસ્તારમાં કોઈ આપત્તિ આવે છે ત્યારે સૌથી પહેલાં આપત્તિ સામે આવીને ઊભા રહેનારા સૈનિકો આપત્તિનો ભોગ બનેલા લોકો માટે દેવદૂત સમાન હોય છે. ભલે તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હોય, પરંતુ લાખો લોકોની દુઆ તેમને મળે છે. તેથી આ કરિયર માત્ર નોકરી પૂરતી સીમિત નથી, તે પીડિત લોકોના આશીર્વાદ અને દુઆ મેળવવાનો હકદાર પણ બનાવે છે.

જ્યારે ક્યાંક પૂર આવે છે, ભૂકંપથી ઇમારતો ધરાશાયી થઈ જાય છે, જંગલોમાં આગ લાગી જાય છે, ઔદ્યોગિક અકસ્માતો થાય છે અથવા આધુનિક પ્રકારની ગંભીર મુશ્કેલીઓ સામે આવે છે જેમ કે ભયાનક રોડ અકસ્માત, ટ્રેનનું પાટા પરથી ઊતરી જવું કે તાજેતરનાં વર્ષોમાં ‘લૂ’નો પ્રકોપ વગેરે આપત્તિઓ સમયે જેઓ કમર કસીને પીડિત લોકોની મદદ માટે સૌથી આગળ આવીને ઊભા રહે છે તેમને ડિઝાસ્ટર મૅનેજમેન્ટના સૈનિકો અને રેસ્ક્યૂ નિષ્ણાતો કહેવામાં આવે છે. જ્યારથી દુનિયા ક્લાઇમેટ ક્રાઇસિસથી ઘેરાઈ છે ત્યારથી સમગ્ર વિશ્ર્વમાં કુદરતી આપત્તિઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ચોમાસા દરમિયાન ઘણી જગ્યાએ વાદળો ફાટવાં, દરિયાઈ તોફાન, ભયાનક પૂર વગેરે સમયે સૌથી આગળ આ જ લોકો જોવા મળે છે. ચાલો વ્યવસ્થિત રીતે સમજીએ કે આ રેસ્ક્યૂ નિષ્ણાતો એટલે કે આપત્તિના સૈનિકો શું-શું કામ કરે છે અને આખરે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ શું હોય છે?

 

ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

સામાન્ય રીતે જ્યારે ક્યાંક પૂર, ભૂકંપ, આગ લાગવાની દુર્ઘટના, કોઈ ફૅક્ટરીમાં વિસ્ફોટ કે કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક દુર્ઘટના-જેમ કે રાસાયણિક ગળતર વગેરે, રોગચાળો કે કોઈ મોટી દુર્ઘટના ઘટે છે ત્યારે આ દરમિયાન બચાવ અને રાહત કાર્ય માટે જે પ્રશિક્ષિત લોકો સૌથી પહેલાં પહોંચે છે તેઓ વાસ્તવમાં ડિઝાસ્ટર મૅનેજમેન્ટના લોકો હોય છે. તેઓ માત્ર રાહત સામગ્રી જ નથી વહેંચતા પરંતુ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આપત્તિ સામેના બચાવ કાર્યમાં નેતૃત્વ પૂરું પાડે છે અને તે સમયે જે પણ સૌથી જરૂરી અને સૌથી યોગ્ય વૈજ્ઞાનિક નિર્ણય હોય તે લે છે. તાજેતરનાં વર્ષોમાં આપત્તિઓમાં ખૂબ જ વધારો થયો હોવાથી આ નિષ્ણાતોની માગ પણ ઘણી વધી ગઈ છે.

 

તેઓ શું-શું કરે છે?

 

આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા લોકો ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવે છે. કોઈ જોખમી વિસ્તાર જ્યાં આપત્તિ આવવાની આશંકા હોય તેનું મૂલ્યાંકન કરે છે અને સંભવિત આપત્તિનો સામનો કરવાની તૈયારીઓ કરે છે. આપત્તિ સમયે પીડિત લોકો માટે ભોજન, પાણી, તબીબી સારવાર વગેરેની વ્યવસ્થા કરે છે એટલે કે રાહત પ્રબંધનની જવાબદારી તેમના શિરે હોય છે. આપત્તિમાંથી બચી ગયેલા લોકોને ફરીથી સામાન્ય જીવનમાં પાછા લાવવા માટે તેમનું પુનર્વસન કરે છે. ફૅક્ટરીઓ અને કંપનીઓમાં અકસ્માતો રોકવાની યોજના બનાવે છે અને જો અકસ્માત થઈ જાય તો લોકો માટે રાહત તેમજ બચાવ કાર્ય કરે છે. આ સાથે જ તાજેતરના દિવસોમાં તેમનું સૌથી મુખ્ય કામ આબોહવા પરિવર્તનના જોખમોથી પીડિત લોકોની મદદ કરવાનું બની ગયું છે.

 

ભવિષ્યમાં તેમની માગ

 

ડિઝાસ્ટર મૅનેજમેન્ટ પ્રોફેશનલ્સની માત્ર આજે જ ભારે માગ નથી, આવનારાં વર્ષોમાં પણ તેમની માગ ખૂબ વધારે રહેવાની છે. ભારતમાં ક્લાઇમેટ ચેન્જના કારણે જે રીતે પૂર, વાવાઝોડું અને હિટવેવના કિસ્સાઓ વધી રહ્યા છે એે જોતાં લાગે છે કે આવનારાં વર્ષોમાં રાહત અને પુનર્વસન કાર્યક્રમો ચલાવતા પ્રોફેશનલ્સની મોટા પાયે માગ ઊભી થશે. તાજેતરના દાયકાઓમાં જે રીતે ઔદ્યોગિક વિસ્તરણ થયું છે, કેમિકલ અને મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગો વધ્યા છે, તેના કારણે અનેક પ્રકારની સુરક્ષા સમસ્યાઓ પણ ઊભી થઈ છે અને આ સમસ્યાઓમાંથી રાહત અપાવવાનું કામ આ નિષ્ણાતો જ કરે છે. રાજ્ય સરકારો અને કંપનીઓ હવે પહેલાં કરતાં વધુ ડિઝાસ્ટર પ્લાનિંગ કરી રહી છે. કારણ કે એક તરફ જ્યાં બચાવ માટે જરૂરી ટેક્નૉલૉજી અને સુવિધાઓ પહેલાં કરતાં વધુ ઉપલબ્ધ છે, તો બીજી તરફ આ બાબતે લોકો પણ જાગૃત થયા છે અને તેથી જ તેની માગ વધી છે.

 

આ ક્ષેત્રમાં કારકિર્દી

 

- ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર

 

- રેસ્ક્યૂ સ્પેશ્યાલિસ્ટ 

 

- ફાયર ઍન્ડ સેફ્ટી એક્સપર્ટ

 

- ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી મૅનેજર

 

- આપત્તિ તાલીમ નિષ્ણાત

 

- ક્લાઇમેટ રિસ્ક એનાલિસ્ટ

 

- એનજીઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સી નિષ્ણાત

 

અભ્યાસ અને મુખ્ય અભ્યાસક્રમો

 

આ ક્ષેત્રની સારી બાબત એ છે કે અહીં અલગ-અલગ બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો આવી શકે છે. ખાસ કરીને આ ક્ષેત્રમાં જવા માટે આ વિષયો સૌથી વધુ ઉપયોગી છે-ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, સિવિલ એન્જિનિયરિંગ, પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન.

 

જ્યાં સુધી આ ક્ષેત્રમાં જવા માટે કયા અભ્યાસક્રમો  મદદરૂપ થઈ શકે છે તેનો સવાલ છે, તેની વિગતો આ પ્રમાણે છે:

 

* ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

* બીએ/બીએસસી ઇન ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

* એમએસસી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

* એમબીએ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

* ફાયર એન્ડ સેફ્ટી કોર્સ

 

અભ્યાસ માટેની અગ્રણી સંસ્થાઓ

 

* નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ

 

* ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી

 

* ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ 

 

* જામિયા મિલિયા ઇસ્લામિયા

 

* યુનિવર્સિટી ઑફ મદ્રાસ

 

ઍડ્મિશન કેવી રીતે મેળવવું?

 

આ ક્ષેત્રમાં ઍડ્મિશન મેળવવા માટે દરેક સંસ્થાની પ્રક્રિયા અલગ-અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે આ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત 12મું ધોરણ કે ગ્રૅજ્યુએશન છે. ત્યાર બાદ મેરિટના આધારે ઍડ્મિશન લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આના માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, તો ઘણી જગ્યાએ પ્રવેશ પરીક્ષા વિના માત્ર મેરિટના આધારે પસંદગી થઈ જાય છે. પ્રવેશ પરીક્ષા પછી ઘણી સંસ્થાઓમાં ઇન્ટરવ્યુ લેવાની પ્રથા પણ છે. વાસ્તવમાં જ્યાં ઍડ્મિશન લેવા ઇચ્છુક લોકોની લાઇન ખૂબ લાંબી હોય છે અને સીટો મર્યાદિત હોય છે, ત્યાં ઍડ્મિશન મેળવવાની ઇચ્છા રાખનારાઓએ આ તમામ તબક્કાઓ પાર કરવા પડે છે.

 

આ ક્ષેત્રમાં જવા માટે સૌથી મહત્ત્વનો ગુણ સ્ટ્રેસ હેઠળ નિર્ણય લેવાની ક્ષમતા હોવી તે છે, કારણ કે આપત્તિના સમયે માત્ર થોડી સેક્ધડોની અંદર જ નિર્ણયો લેવા પડે છે. જો નિર્ણય લેવામાં સહેજ પણ ચૂક થઈ જાય તો લોકોનો જીવ જઈ શકે છે. આ ક્ષેત્રમાં જોડાનારા લોકો માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે ઘણી વખત અત્યંત કપરી પરિસ્થિતિઓમાં કામ કરવું પડે છે. આ ક્ષેત્ર માટે નેતૃત્વ ક્ષમતા પણ અનિવાર્ય છે, કારણ કે રેસ્ક્યૂ મૅનેજમેન્ટ એ એક ટીમ વર્ક છે અને ગમે ત્યારે કોઈએ પણ ટીમનું નેતૃત્વ કરવું પડી શકે છે. આ ક્ષેત્ર માટેનો બીજો એક જરૂરી ગુણ ગભરાયા વિના લોકો સાથે વાતચીત કરવાનો છે.આપત્તિના સમયે મોટાભાગના લોકો ગભરાયેલા હોય છે અને તેમનામાં કોઈ પણ પ્રકારની નિર્ણય લેવાની ક્ષમતા બચી હોતી નથી. આવી પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખવી અને યોગ્ય નિર્ણય લેવાની હિંમત હોવી પણ ખૂબ જ જરૂરી છે.

 

જોબ ક્યાં મળે?

 

નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ), રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, વિવિધ પ્રકારની ઔદ્યોગિક કંપનીઓ ખાસ કરીને ઑઇલ, કેમિકલ, ગૅસ અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે કાર્યરત કંપનીઓમાં ડિઝાસ્ટર મૅનેજર્સની જરૂર હોય છે. આ ઉપરાંત ઍરપોર્ટ અને મેટ્રો પ્રોજેક્ટ્સ, હૉસ્પિટલો, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો, કૉર્પોરેટ અને સેફ્ટી વિભાગો તથા અન્ય ઘણાં ક્ષેત્રોમાં ડિઝાસ્ટર મૅનેજમેન્ટની તાલીમ મેળવેલા લોકોને નોકરી મળે છે. જ્યાં સુધી કમાણીનો સવાલ છે, આ ક્ષેત્રના પ્રોફેશનલ્સને શરૂઆતમાં 30થી 60 હજાર રૂપિય સુધી મળે છે. ત્યાર બાદ જેમ-જેમ તેમનો અનુભવ વધે છે તેમ તેમ તેમનો પગાર  1 લાખથી 3 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ ક્ષેત્ર સમગ્ર વિશ્વને પોતાના દાયરામાં લે છે એટલે ભારત બહાર પણ ડિઝાસ્ટર મૅનેજમેન્ટમાં તાલીમબદ્ધ લોકો માટે નોકરીની ઘણી તકો રહેલી છે.

 

અને હા, જો તમે ઇચ્છો તો પોતાનું કામ પણ શરૂ કરી શકો છો; જેમ કે સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર ખોલીને, ઔદ્યોગિક સુરક્ષા અંગે ક્ધસલ્ટેશન આપીને, આપત્તિ સામેની તૈયારીઓની તાલીમ આપીને તેમજ શાળાઓ અને સંસ્થાઓ માટે સેફ્ટી ઑડિટ કરીને.