Sun Jun 14 2026

Logo

ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોનું ટ્રેક્ટર રેલી સાથે વિરોધ પ્રદર્શન, વીજપોલનો વિવાદ પાટનગરમાં પડઘા પાડશે

2026-06-14 08:41:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ખેડૂતો ગુજરાત સરકાર સામે રોષે ભરાયા છે. આયોજન વગરની પોલિસીના કારણે ભોગવવાનો વારો ખેડૂતોનો આવી રહ્યો છે.આ કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો સરકારના મેદાને પડ્યા છે.વીજપોલ નાંખવા મામલે ખેડૂતોની મહામૂલ્યવાન જમીન હડપ કરી લેવાનો વીજ કંપનીનો કારસો તથા ખોરી દાનતને કારણે બબાલ થઈ ચૂકી છે, જેના પડઘા હવે પાટનગર શહેર ગાંધીનગરમાં પડવાના છે. ખેડૂતોના પ્રશ્નો ન ઉકેલાતા 15 જુનના રોજ સવારે શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓના-ગામડાંઓના ખેડૂતો જાડાશે. 1000થી વધારે ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર બાજુ કુચ કરશે. આ રેલીને લઈને પોલીસે એક દિવસ પહેલા જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. 

બબાલ શેની છે?
સમગ્ર આંદોલન વધારે ઉગ્ર બને એવા અણસારને પગલે સરકારે વીજપોલ મુદ્દે યુદ્ધના ધોરણે વિચારણા માટે બંધબારણે બેઠક યોજી છે. છેલ્લા કેટલાક સમયથી વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં મસમોટી વીજલાઈન નાંખીને ખેડૂતોને હેરાન-પરેશાન કરી શકે છે. ખેડૂતોનો એવો આરોપ છે કે, ભાજપ સરકારના મંત્રી જ વીજ કંપનીઓને દબાણ કરીને કામ કરાવી રહ્યા છે. પોલીસ સુરક્ષા વચ્ચે ખેડૂતોની જમીનમાં દબાણપૂવર્ક હાઈટેશન લાઈન નાખવામાં આવી રહી છે અને આ માટે વીજપોલ પણ નાંખવામાં આવી રહ્યા છે. ખાખી વર્દીના રોફને બતાવીને ખેડૂતોની સહમતી વગર આ કામ થઈ રહ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આ કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. 15 જુનના રોજ ખેડૂતો વિધાનસભાનો ઘરાવો કરશે.સરકારને જગાડવાનું કામ કરશે. 

કોંગ્રેસ ટેકો જાહેર કરી દીધો
ખેડૂતોની આ રેલીને કોંગ્રેસે ટેકો આપ્યો છે. રાજ્યના 23 ખેડૂતો સંગઠનોએ આ રેલીને ટેકો જાહેર કરી દીધો છે. સુરત, મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. આ ટ્રેકટર રેલીને સફળ બનાવવા માટે ગામડે ગામડે ખાટલા બેઠક યોજવામાં આવી છે. ખેડૂત આયોજકોએ સમગ્ર મામલે લડી લેવાની નીતિ અપનાવી છે. આ માહોલ વચ્ચે ગાંધીનગર પોલીસે કોઈરીતે આ રેલીને મંજૂરી આપી નથી. વીજપોલ નાંખવા મામલે તથા હાઈટેશન લાઈન નાંખવા મામલે સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો રાજ્યભરના ખેડૂતો વધુ ઉગ્ર આંદોલનના મંડાણ કરશે. ગાંધીનગરમાં જ બેસીને આંદોલન કરશે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે, વીજળી સરકારની છે અને નફો વીજકંપનીઓ ખાઈ જાય છે. ખેડૂતોને કંઈ મળતું નથી.ખેડૂત પોતાના હકની વાત કરે તો પોલીસને આગળ ધરી દેવામાં આવે છે. જે કોઈ કાળે સહન કરવામાં નહીં આવે. 

ખેડૂતોની માગ આવી છે
ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે ખેડૂતોની જમીન જે વીજલાઈન નાંખવામાં આવી રહી છે એની પાછળ કોઈ રાજકીય ઈચ્છાશક્તિ વધારે છે. આ મુદ્દે સરકાર તપાસ કરે અને યોગ્ય ઉકેલ લાવે. આ સમગ્ર રેલીને લઈને ગાંધીનગરમાં રહેલી સરકાર કેવું વલણ અપનાવે છે અને શું ઉકેલ લાવે છે એ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર આંદોલન અંગે છેલ્લા કેટલાક સમયથી આયોજન પણ થઈ રહ્યું છે. ખેડૂતોના હકને લઈને હવે કિસાન ભાઈઓએ સરકાર સામે મોરચો માંડી દીધો છે. ખાસ કરીને ખેતરમાં વીજપોલ નાંખવાના બદલે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી સરકાર પાસે ખેડૂતો માગ કરવાના છે.