Sun Jun 14 2026

Logo

સંડે ગાર્ડન ટાઇમ મહિલાઓ માટે બની રહ્યું છે નવું ‘સેલ્ફ કૅર’

2026-06-14 10:49:00
Author: Anu R
Article Image

 

 

 

પ્રકૃતિ - અનુ આર.

 

આખા અઠવાડિયા દરમિયાન ઘર, ઑફિસ, બાળકો, રસોડું અને ઘરની અન્ય તમામ જવાબદારીઓ વચ્ચે કામકાજી મહિલાઓ માટે રવિવાર માત્ર આરામનો દિવસ નથી રહ્યો. તેના બદલે મોટી સંખ્યામાં મહિલાઓ હવે રવિવારના પોતાના ‘ગાર્ડન ટાઇમ’ને માનસિક શાંતિ અને આત્મિક સંતુલનની નવી રીત માનવા લાગી છે. બાલકનીમાં વાવેલા તુલસીના છોડને પાણી પાવું, ફૂલવાળા છોડના સૂકાં પાંદડાં હટાવવાં, નવાં બીજ લાવવાં, તેને વાવવાં અને તેના અંકુરણની આતુરતાથી રાહ જોવી, થોડો સમય છોડની વચ્ચે વિતાવવો, તેમની સાથે વાતચીત કરવી, આ બધું હવે માત્ર એક શોખ નથી રહ્યો, પણ આધુનિક ‘સેલ્ફ કૅર’નો એક હિસ્સો બની ગયો છે.

 

જી હા, શહેરોની આ ઝડપી જિંદગીમાં હરિયાળી ધીમે-ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ લોકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ખતમ નથી થયો. ખાસ કરીને મહિલાઓએ ઘરના નાના-નાના ભાગોમાં પોતાની એક લીલીછમ દુનિયા વસાવવાનું શરૂ કરી દીધું છે. કોઈના ઘરે અગાશી પર શાકભાજી ઊગી રહી છે, તો કોઈની ગૅલેરી તાજી કોથમીર અને ફુદીનાથી મહેકી રહી છે. ઘરમાં વાવેલા મરચાના છોડમાંથી મરચાં તોડવા એ એક એવો આત્મિક સુખનો અહેસાસ છે જે એટલો જ આનંદ આપે છે જેટલો પોતાના માટે મોંઘી સાડી ખરીદવામાં મળે છે. આ જ કારણ છે કે હવે ઘણી મહિલાઓ રવિવારની સવારે મોબાઇલ અને ટીવીથી દૂર રહી, સારો એવો સમય છોડની સાથે, હરિયાળી સાથે અથવા તો એમ કહીએ કે શાંતિ સાથે વિતાવે છે.

 

નિષ્ણાતો માને છે કે છોડની વચ્ચે સમય વિતાવવાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માટીને સ્પર્શ કરવાથી, છોડની સંભાળ રાખવાથી અને નવાં પાંદડાંઓને ઊગતાં જોવાથી મનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. કદાચ આ જ તારણને કારણે આજકાલ ‘ગાર્ડનિંગ થેરેપી’ પણ ખૂબ જ ચર્ચામાં રહેલો શબ્દ બની ગયો છે જે મનોવૈજ્ઞાનિકોના મતે માનસિક થાક દૂર કરવાનો એક સરળ ઉપાય છે. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેન્ડમાં ગૃહિણીઓ અને નોકરિયાત મહિલાઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. નોકરિયાત મહિલાઓ માટે જ્યાં અઠવાડિયાભરની દોડધામ પછી ગાર્ડન ટાઇમ ‘ડિજિટલ ડિટોક્સ’ બની જાય છે ત્યાં ગૃહિણીઓ માટે રોજબરોજના કામથી હટીને આ તેમની અંગત પસંદગી કે ‘હોબી’ છે.

 

આજકાલ સોશ્યલ મીડિયા પર પણ ‘સંડે ગાર્ડન રૂટિન’ ખૂબ જ લોકપ્રિય ટ્રેન્ડ બની ચૂક્યો છે. મહિલાઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના છોડની તસવીરો, જૈવિક ખાતર બનાવવાની રીતો અને નાના-નાના ગાર્ડન સેટ-અપ શૅર કરે છે, જેનાથી એ મહિલાઓને પણ પ્રેરણા મળે છે જેઓ હજુ સુધી આ ‘મી ટાઇમ’થી દૂર છે. કિચન ગાર્ડનિંગનું એક આકર્ષણ સ્વાસ્થ્ય પણ છે. ઘરમાં ઉગાડવામાં આવેલી લીલી શાકભાજી અને હર્બ્સ લોકોને તાજગીનો અહેસાસ કરાવે છે. ઘણી મહિલાઓ બજારના બદલે ઘરમાં ઊગેલી મેથી, પાલક, ફુદીનો અને ટામેટાંનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. આનાથી એક ફાયદો એ પણ થાય છે કે બાળકોને પણ છોડ અને ખોરાક વચ્ચેના સંબંધને સમજવાની તક મળે છે. આ બધા સિવાય, મહિલાઓમાં વધતી પર્યાવરણીય જાગૃતિ પણ આ ટ્રેન્ડને મજબૂત કરી રહી છે. પ્લાસ્ટિકના કુંડાને બદલે માટીના કુંડા વાપરવા, રસોડાના કચરામાંથી ખાતર બનાવવું અને પાણીનો મર્યાદિત ઉપયોગ કરવો, આ એવી આદતો છે જે શહેરી ઘરોમાં ખૂબ જોવા મળી રહી છે. આ નાના પ્રયાસથી પણ પર્યાવરણને મજબૂતી મળી રહી છે.

 

નિષ્ણાતો માને છે કે છોડની વચ્ચે સમય વિતાવવાથી આપણું ભાવનાત્મક સ્વાસ્થ્ય વધુ સારું બને છે. જ્યારે આપણે આપણા છોડ પર ખીલેલું ફૂલ જોઈએ છીએ ત્યારે આપણને એવો સંતોષ અનુભવાય છે જેની કિંમત થોડા રૂપિયામાં આંકી શકાતી નથી. આજકાલ બજારમાં પણ કિચન ગાર્ડનિંગને સરળ બનાવવા માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેમ કે સેલ્ફ-વૉટરિંગ પોટ્સ, વર્ટિકલ ગાર્ડન સ્ટૅન્ડ, માઇક્રોગ્રીન્સ કિટ અને જૈવિક બીજ સરળતાથી મળી રહે છે. આ જ કારણ છે કે ફ્લૅટ સંસ્કૃતિમાં ગાર્ડનિંગનું આકર્ષણ સતત વધી રહ્યું છે, જે મહિલાઓના સ્વાસ્થ્યને તો સુધારે જ છે, સાથે-સાથે તેનાથી પરિવારમાં એક અલગ જ પ્રકારની આત્મીયતા પણ ઊભી થાય છે અને થોડીવાર માટે જ સહી, ડિજિટલ દુનિયાથી અંતર જાળવવાની તક પણ મળે છે.          

 

તમારા નાના એવા ઘરમાં આ રીતે શરૂ કરો કિચન ગાર્ડન

 

*કિચન ગાર્ડન માટે ઘરની એવી જગ્યા પસંદ કરો, જ્યાં દિવસ દરમિયાન ઓછામાં ઓછો  ત્રણથી ચાર કલાક તડકો આવતો હોય.

 

*શરૂઆત તુલસી, ફુદીનો, કોથમીર જેવા સરળતાથી ઊગી શકે તેવા છોડથી કરો.

 

*આ છોડ માટે રસોડાના જૈવિક કચરામાંથી ખાતર બનાવો.

 

*તમારા કિચન ગાર્ડન માટે જૂના ડબ્બા, બૉટલ કે ડોલનો ઉપયોગ કરો.

 

*અઠવાડિયામાં એક દિવસ છોડની સફાઈ અને સંભાળ માટેનો સમય નક્કી કરો.

 

*જંતુનાશકોના બદલે બને તેટલા કુદરતી ઉપાયો અપનાવો, સાથે જ આ કામમાં બાળકોને પણ તમારી સાથે જોડો. આનાથી તેમનામાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધશે.