- કે.પી. સિંહ
ઘડિઆલ એ ક્રોકોડિલિયા વર્ગનું પ્રાણી છે. આ વર્ગ અંતર્ગત ચાર મુખ્ય જીવો આવે છે- એલિગેટર, કેમાન, મગર અને ઘડિઆલ. આમાંથી ઘડિઆલ એકમાત્ર એવું પ્રાણી છે જે ભારતીય ઉપમહાદ્વીપ સિવાય અન્ય ક્યાંય જોવા મળતું નથી. તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બર્મા (મ્યાનમાર)ની મુખ્ય નદીઓ તથા તળાવોમાં જ જોવા મળે છે. ભારતમાં તે ગંગા, મહાનદી, ચંબલ, સિંધુ, બ્રહ્મપુત્રા તેમજ ઇરાવતી નદી અને તેની સહાયક નદીઓ તથા ચિલ્કા સરોવરમાં જોવા મળે છે. જીવવિજ્ઞાનીઓનું અનુમાન છે કે તેનો ઇતિહાસ અને સામાજિક જીવન મગર જેવું જ હોવું જોઈએ. ઘડિઆલની શારીરિક સંરચના મગર જેવી જ હોય છે, પરંતુ પોતાના લાંબા થૂથુનના કારણે તે અલગથી ઓળખાઈ આવે છે. સામાન્ય રીતે ઘડિઆલની લંબાઈ ચાર મીટરથી છ મીટર સુધીની હોય છે. તેના શરીરનો રંગ ઓલિવ ગ્રીન હોય છે અને તેના પર ઘેરા રંગનાં નિશાન હોય છે. ઘડિઆલના શરીરના ઉપલા ભાગ પર કઠણ ભીંગડાંનું આવરણ હોય છે. તેનું મોં લાંબું અને પાતળું હોય છે. તેની લંબાઈ મસ્તકની પહોળાઈ કરતાં લગભગ છ ગણી હોય છે. નર ઘડિઆલના મોંના અગ્રભાગ પર ઘડા જેવો આકાર હોય છે. આ ઘડા જેવા આકારના કારણે જ તેને ‘ઘડિઆલ’ કહેવામાં આવે છે. નર અને માદા ઘડિઆલની સંરચના એકસરખી હોય છે, પરંતુ માદાના મોં પર આવો ઘડો હોતો નથી. ઘડિઆલના મોંના અંત ભાગમાં નસકોરાં હોય છે અને નર ઘડિઆલનું નાક થોડું ફૂલેલું હોય છે. આ નસકોરાં બંધ કર્યા પછી તે તેને ફુગ્ગાની જેમ ફુલાવીને ઘડા જેવું કરી લે છે.
ઘડિઆલના દાંત એવી રચના ધરાવે છે કે બંને જડબાં બંધ કરવા પર તે એવી રીતે ફિટ થઈ જાય છે કે તેના મોંમાં ફસાયેલી નાની માછલી પણ બહાર નીકળી શકતી નથી.
ઘડિઆલના આગળના પગમાં પાંચ-પાંચ આંગળીઓ અને પાછળના પગમાં ચાર-ચાર આંગળીઓ હોય છે તેમજ આંગળીઓમાં તીક્ષ્ણ નખ હોય છે. ઘડિઆલના પાછળના પગની આંગળીઓની વચ્ચે મજબૂત ત્વચાની ઝીણી પટ્ટી હોય છે જે તેને તરવામાં મદદ કરે છે. ઘડિઆલનો મુખ્ય ખોરાક માછલી છે. સાથે તે મગરની જેમ નાના-નાના સસ્તન જીવો, જળચર પક્ષીઓ અને કાચબા વગેરેનો પણ શિકાર કરે છે.
ઘડિઆલની શિકાર કરવાની પદ્ધતિ મગર કરતાં તદ્દન અલગ છે. ઘડિઆલ શિકારની શોધમાં પોતાની આંખો પાણીની અંદર અને નસકોરાં બહાર રાખીને તરતો રહે છે અને જેવો તે શિકારની નજીક પહોંચે છે કે તરત જ પોતાની આંખો બંધ કરીને માથું પાણીની અંદર સરકાવી લે છે. હવે માત્ર તેનાં નસકોરાં જ પાણીની બહાર રહે છે. આ રીતે શિકાર તેને જોઈ શકતો નથી અને તે તેની વધુ નજીક પહોંચી જાય છે. અચાનક પાણીની અંદર તેના જડબાં ખૂલે છે અને તે શિકારને દબોચી લે છે. ઘડિઆલના પેટમાંથી ઘણી વખત સ્ત્રીઓનાં ઘરેણાં મળી આવ્યાં છે. આના કારણે લોકોમાં એવી માન્યતા બંધાઈ ગઈ છે કે ઘડિઆલ નરભક્ષી હોય છે.
સમાગમ કાળ દરમિયાન નર ઘડિઆલ માદાને આકર્ષિત કરવા માટે આ જ ઘડામાંથી એક વિશેષ પ્રકારનો લયબદ્ધ અવાજ કાઢે છે. આ અવાજ સાંભળીને માદા નરની નજીક પહોંચી જાય છે. સામાન્ય મગરની જેમ જ ઘડિઆલ પણ પાણીની અંદર જ સમાગમ કરે છે. સમાગમ પછી માદા ઘડિઆલ પાણીની બહાર, રેતીમાં ખાડો કરીને 40થી 60 જેટલા ઇંડાં મૂકે છે અને તેને રેતીથી ઢાંકી દે છે. તેના ઇંડાની લંબાઈ લગભગ 9 સેન્ટિમીટર અને પહોળાઈ 6 સેન્ટિમીટર હોય છે. ઇંડામાંથી બચ્ચાં બહાર નીકળે છે. જન્મ સમયે તેમનો રંગ ઝાંખો લીલો અને લંબાઈ 35થી 40 સેન્ટિમીટરની વચ્ચે હોય છે. જન્મના તરત જ બાદ માદા બચ્ચાંને પાણીમાં લઈ જાય છે અને ઉછેરની સાથે-સાથે તેમની સુરક્ષાનું કાર્ય પણ કરે છે. માદા ઘડિઆલ હંમેશા રેતીના ખાડામાં જ ઇંડા મૂકે છે. ઇંડામાંથી બચ્ચાં બહાર નીકળ્યા પછી માદા તેમને ખાડામાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તે તેમને પોતાના પંજા વડે સહારો આપીને ખાડામાંથી બહાર કાઢે છે અને એક-એક કરીને બધાને પાણીમાં લઈ જાય છે.
‘રેડ ડેટા બુક ઑફ ક્ધઝર્વેશન’ અનુસાર, વીસમી સદીના પૂર્વાર્ધના અંતિમ સમયમાં તેમની સંખ્યા માત્ર 600 જેટલી જ રહી ગઈ હતી, તેથી તેમને વિશ્વના વિલુપ્તપ્રાય એટલે કે દુર્લભ જીવ જાહેર કરવામાં આવ્યા હતા.