Sun Jun 14 2026

Logo

વર્લ્ડ કપમાં બૅક ટુ બૅક મૅચ ડ્રો, પણ સ્કૉટલૅન્ડનો 36 વર્ષે પ્રથમ વિજય

Newyork   2026-06-14 12:25:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: AP


ન્યૂ યોર્ક: 23મા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં (ભારતીય સમય અનુસાર) આજે ત્રીજા દિવસે વધુ મૅચોના રોમાંચક તેમ જ અણધાર્યા પરિણામ જોવા મળ્યા. ખાસ કરીને બ્રાઝિલ જેવા સૌથી વધુ પાંચ વર્લ્ડ કપ ટ્રોફી જીતી ચૂકેલા દેશની ટીમે પહેલી જ મૅચમાં વિજયથી વંચિત રહેવું પડ્યું છે.

કતારને બક્ષિસમાં મળ્યો ઐતિહાસિક પોઇન્ટ

સૅન ફ્રાન્સિસ્કોમાં શનિવારે મધરાત બાદ 2022 વર્લ્ડ કપના યજમાન કતાર અને સ્વિટઝરલૅન્ડ વચ્ચેની રોચક મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી. મૅચ ડ્રોમાં જતાં કતારને પણ એક પોઈન્ટ મળ્યો હતો અને એના ફિફા ઇતિહાસમાં આ પહેલો જ પોઇન્ટ હતો, કારણ કે અગાઉના વર્લ્ડ કપમાં કતાર એની તમામ મૅચો હારી ગયું હતું. શનિવારે રાત્રે બ્રીલ એમ્બોલોએ મૅચની 17મી મિનિટમાં પેનલ્ટી કિક દ્વારા સ્વિસ ટીમને ગોલ અપાવવાની સાથે 1-0થી સરસાઈ પણ અપાવી હતી. મૅચની મુખ્ય 90 મિનિટ બાદ ચોથી મિનિટ (કુલ 94મી મિનિટ) સુધી એવું લાગતું હતું કે સ્વિટઝરલૅન્ડ આ મૅચ 1-0થી જીતી જ લેશે. જોકે 94 મિનિટમાં (સ્ટોપેજ ટાઈમમાં) એશિયન ચેમ્પિયન કતારના ખેલાડી બૌલેમ ખોઉકીના હેડરે બાજી પલટી નાખી હતી.

કતારે ‘હારેલી મૅચ' ડ્રોમાં ફેરવી નાખી

ખોઉકીના હેડરથી બૉલ ગોલ પોસ્ટ તરફ જઈ રહ્યો હતો એવામાં જ ખોઉકીના દબાણમાં સ્વિસ ખેલાડી મિરો મુહિમથી જ બૉલ નેટમાં જતો રહ્યો હતો. એ રીતે કતારને ઑન ગોલનો લાભ મળ્યો અને એ ગોલ થકી કતારે સ્વિટઝરલેન્ડ સાથેની મૅચ 1-1થી ડ્રો કરાવી હતી. બંને ટીમને 1-1 પોઇન્ટ ફાળવવામાં આવ્યા હતા.

મોરોક્કોએ બ્રાઝિલને ન જીતવા દીધું

ન્યૂ જર્સીમાં બ્રાઝિલ અને મોરોક્કો વચ્ચેની મૅચ પણ વધુ એક રોમાંચ અપાવનારી બની ગઈ હતી. ઈજાગ્રસ્ત નેમાર વિનાની બ્રાઝિલની ટીમ નબળી જરૂર પડી ગઈ હતી, પરંતુ વિનિસિયસ જુનિયરે બ્રાઝિલને મોટી નામોશીથી બચાવી લીધું હતું. ઈસ્માઈલ સૈબારીએ 21 મિનિટમાં મોરોક્કોને મૅચનો પ્રથમ ગોલ અપાવ્યો હતો. બ્રાઝિલ ત્યારે 0-1થી પાછળ હતું. જોકે થોડી જ વારમાં (32 મિનિટમાં) વિનિસિયસે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. મૅચમાં છેક સુધી બંનેમાંથી એક પણ ટીમનો વધુ ગોલ નહોતો થયો. મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી. વિનિસિયસે ગોલ ન કર્યો હોત અને બ્રાઝિલ હારી ગયું હોત તો બ્રાઝિલ 1934 બાદ પહેલી વાર વર્લ્ડ કપની પહેલી મૅચમાં પરાજિત થયું હોત. મોરોક્કો આફ્રિકન ચેમ્પિયન છે અને એણે દક્ષિણ અમેરિકાની કોઈ ટીમ સામે વર્લ્ડ કપમાં ગોલ કર્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે. બ્રાઝિલ અને મોરોકકો બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યા હતા.

હૈતી હતાશ, સ્કૉટલૅન્ડને મળ્યા ત્રણ પોઈન્ટ 

બૉસ્ટનમાં સ્કૉટલૅન્ડે ફર્સ્ટ-હાફના એક ગોલની મદદથી હૈતી સામેની મૅચ 1-0થી જીતી લીધી હતી. મૅચનો આ ગોલ્ડન ગોલ સ્કૉટલૅન્ડના કેપ્ટન જોન મેકગિને કર્યો હતો. હૈતીના ખેલાડીઓએ આખી મૅચમાં સ્કૉટિશ ટીમને જોરદાર લડત આપી હતી. જોકે સ્કૉટલૅન્ડે જીતીને 36 વર્ષમાં પહેલી વખત વર્લ્ડ કપમાં વિજય માણ્યો.

ગ્રૂપમાં બ્રાઝિલ કરતાં સ્કૉટલૅન્ડ આગળ

હૈતીની ટીમ બાવન વર્ષે પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહી છે અને રવિવારે સ્કૉટલૅન્ડ સામે જબરદસ્ત પર્ફોર્મ કરવા છતાં પહેલો પોઇન્ટ મેળવવામાં નિષ્ફળ ગઈ અને હતાશ થઈ હતી. ગ્રૂપ-સીમાં સ્કૉટલૅન્ડ આ વિજય બદલ ત્રણ પોઇન્ટ સાથે મોખરે થઈ ગયું છે. કારણ એ છે કે આ જ ગ્રૂપના બ્રાઝિલને મોરોક્કો સામેની મૅચ ડ્રોમાં જતાં એક જ પોઇન્ટ મળ્યો છે.