Sun Jun 14 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાના એંધાણ, સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોડો પડશે વરસાદ

2026-06-14 12:17:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીથી લોકો અકળાયા છે. જુન મહિનામાં પણ દિવસ કરતા રાત્રીના સમયે બફારો લોકોને અકળાવી રહ્યો છે. એવામાં રવિવારે રાજ્યના મહાનગરના તાપમાનમાં આંશિક ઘટાડો થતા થોડી રાહત અનુભવાઈ છે. રવિવારે રાજ્યના ભાવનગર શહેરનું તાપમાન સૌથી વધારે 41.9 ડિગ્રી નોંધાયુ હતું, જ્યારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી થયું હતું. રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રવિવારે છેલ્લા 24 કલાક પૂરા થતા રાજ્યનું વાતાવરણ સુકૂ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં બપોર કરતા સાંજ થોડી ઠંડી રહી છે. અન્ય વિસ્તારમાં બફારો અને અકળાવી નાખે એવી ગરમી યથાવત રહી હતી. 

રાજસ્થાનના ઉત્તરભાગમાં વરસાદ
દેશના અનેક રાજ્યોમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય છે. રાજસ્થના ઉત્તર પ્રાંતમાં વરસાદ પડ્યો છે જ્યારે કેરળનું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું છે. શનિવારે મધ્ય પ્રદેશના મહાનગર ભોપાલમાં વરસાદ પડ્યો હતો, જેમાં ચાર વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ થતા જે અકસ્માતો થયા એમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી ગયું છે. પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા મૌસમી ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને વાપી, વલસાડ, સુરત, દહાણું, સાપુતારા, નવસારી સુધી વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના અન્ય ભાગમાં ચોમાસું સક્રિય થશે. 

સૌરાષ્ટ્રમાં 21 જુને ચોમાસું શરૂ
તા.20 જુનથી રાજ્યમાં ચોમાસું બેસે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 21 જુનથી ચોમાસું શરૂ થઈ શકે છે. અમરેલી, જાફરાબાદ, રાજકોટ, જામનગર, ભાવનગર અને કચ્છ પંથકમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે ડાંગ, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, નર્મદા જેવા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાત દિવસ સુધી તાપમાન સ્થિર રહેવાની પૂરી શક્યતાઓ છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડા કે ભારે પવનને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના કેટલાક ભાગમાંથી ચોમાસું આગળ વઘી રહ્યું છે. આ વખતે ચોમાસું પૂર્વોત્તરના રાજ્યમાં પણ ફંટાયું છે. કર્ણાટક, તેલંગણા અને ઓડિશા સુધી નૈઋત્યું ચોમાસું પહોંચ્યું છે. એક અઠવાડિયા સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી સહન કરવી પડે એવી સ્થિતિ છે. 

જુન મહિના દરિયાકાઠામાં પણ તાપ
રાજ્યના કેટલાક વિસ્તારો અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગમાં ગરમીના પારામાં થોડો ઉછાળો જોવા મળ્યો છે.જુન મહિનમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપ સાથે ગરમીનો અહેસા થતા દિવસ કરતા રાત પસાર કરવી કઠિન થઈ પડી હતી. જામનગર, ભાવનગર, દ્વારકા, ઓખા, નવસારી, વલસાડ જેવા કાઠાળા વિસ્તારમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે પણ વાતાવરણ ઠંડુ થતું ન હતું. સૌરાષ્ટ્રના ભાવનગરમાં મહત્તમ તાપમાન 0.5°C વધીને 41.9°C (લઘુત્તમ 28.7°C)એ પહોંચી ગયું હતું, જેના કારણે 14 જૂનના રોજ ભાવનગર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું.