Sun Jun 14 2026

Logo

પત્નીને લેવા પહોંચેલો પતિ પરિવાર માટે કાળ બન્યો, પરિવારના મોભીને ઊતાર્યા મોતને ઘાટ

2026-06-14 11:52:00
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ રાજકોટના વિમલનગરમાં શનિવારની મોડી રાત્રે એવો ખુની ખેલી ખેલાયો જેની કોઈએ કલ્પના કરી ન હતી. વિવેક ગોસ્વામી નામના શખ્સે પત્ની સાથેના ઝઘડામાં ગુસ્સામાં આવીને પત્નીના નાના પર છરીથી હુમલો કરીને લોહીલુહાણ કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.આરોપીએ પત્નીની નાનીને પણ ગળા પર છરી મારી દીધી હતી. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે કે, પરિવારમાં કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. વિવેક ગોસ્વામી મૂળ વેરાવળનો રહેવાસી છે. છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ઝઘડો ચાલી રહ્યો હતો. 

નાનાની હત્યા કરી
શનિવારે વિવેક રાજકોટ આવ્યો હતો અને વિમલનગરમાં પત્નીને ત્યાં પહોંચ્યો હતો. ઘરમાં પત્ની સાથે એના નાના-નાની પણ હાજર હતા. છરીના ઘા મારી દેતા એના નાના ઢળી પડ્યા હતા, જ્યારે નાનીને ગળા પર ગંભીર ઈજા પહોંચી છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે ડખો ચાલી રહ્યો હતો. પતિ પત્નીને ફરી ઘરે આવી જવા માટે ધમકી આપી રહ્યો હતો. એવામાં શનિવારે તે પત્નીના નાની-નાનાના ઘરે પહોંચ્યો હતો.

જ્યારે આરોપી એના નાનાને ત્યાં પહોંચ્યો ત્યારે પત્ની એની માતાને ત્યાં હતી. પત્નીના પરિવારે અગાઉ પણ પોલીસ સુરક્ષા માટે અરજી કરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવામાં આવી હતી. છતાં પોલીસે કોઈ પ્રકારના પગલાં લીધા ન હતા. પોલીસે આ કેસમાં કાયદેસરની તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાના-નાનીની સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. 

ગુસ્સામાં ખુની ખેલ ખેલાયો
વિમલનગરને રાજકોટનો શાંત અને હાઈ પ્રોફાઈલ વિસ્તાર માનવામાં આવે છે. ગુસ્સામાં જમાઈએ ખુની ખેલ રમી નાંખ્યો હતો. આ લોહિયાળ હુમલામાં પરિવારના મોભીનું મોત થયું છે. આ કેસમાં પોલીસે એમના પાડોશીની પણ પૂછપરછ કરી હતી. દરરોજના ઘરકંકાસ અને માથાકુટને કારણે પત્ની વિવેકથી ત્રાસી ગઈ હતી. વિવેકે આવેશમાં આવીને છરીના ઘા ઝીકી દીધા હતા.

ઘરે આવતાની સાથે તેણે મનફાવે એમ બોલવાનું ચાલું કરી દીધું હતું. પછી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો જેમાં પત્નીના નાનાજીનું મોત નીપજ્યું હતું. પત્ની પર હુમલો કરતે પત્નીને પણ ઈજા પહોંચી છે. પત્નીની ચીસ સાંભળીને બાહર આવેલા એના નાનાજી પ્રવિણભાઈ શાહ વચ્ચે પડ્યા હતા. વિકૃત અને ગુસ્સામાં વિફરેલા જમાઈએ એના નાના ઉપર પણ છરીના ઘા મારી દીધા હતા. તેથી પ્રવિણભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. 

આરોપી વિવેક ફરાર થઈ ગયો
પોલીસ તપાસમાંથી એવી વિગત પણ મળી છે કે, હાલમાં પત્નીની સ્થિતિ ગંભીર છે, નાનીની સ્થિતિ પણ નાજુક છે. સમગ્ર ઘટનાને અંજામ આપીને આરોપી વિવેક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તારણ અનુસાર તે રાજકોટથી દૂર ભાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતક પ્રવિણભાઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે આખા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે એમના ઘરની તપાસ પણ શરૂ કરી દીધી છે.