દુનિયાના સૌથી મોટા ફૂટબોલ ટૂર્નામેન્ટ 'ફિફા વર્લ્ડ કપ 2026'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલાં ઈન્ડિયન ફેન્સને ઓપનિંગ મેચના પહેલાં દિવસે જ મોટો ઝટકો લાગ્યો છે. ટૂર્નામેન્ટના ઓફિશિયલ ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ઝી5 એપ્લિકેશન પર મેચ શરૂ થતાં જ યુઝર્સને એક એવી હિડન પ્રાઇસ ટેગનો સામનો કરવો પડ્યો, જેના વિશે પ્રમોશન દરમિયાન કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. આ આખી ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ સામે ચાહકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...
જેવા ભારતીય ફૂટબોલ પ્રેમીઓએ મધ્યરાત્રિએ ઓપનિંગ મેચ જોવા માટે Zee5 એપ ઓપન કરી, કે તરત જ સ્ક્રીન પર વર્લ્ડ કપ એક્સેસ કરવા માટે 799 રૂપિયા ચૂકવવાનું પોપ-અપ વિન્ડો સામે આવી ગયું. આ અણધાર્યા ખર્ચથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જે યુઝર્સે પહેલાથી ઓટીટી પ્લેટફોર્મનું રેગ્યુલર સબ્સ્ક્રિપ્શન ખરીદી રાખ્યું હતું, તેમને પણ ફિફાની મેચ જોવા માટે આ નવો પ્લાન ખરીદવાની ઉફરજ પાડવામાં આવી હતી..
દુઃખ પહોંચાડે એવી બાબત તો એ છે કે વર્લ્ડકપ માત્ર એક મહિનો ચાલશે, પરંતુ પ્લેટફોર્મ ફેન્સને પાસેથી આડકતરી રીતે ત્રણ મહિનાનો મોંઘો પ્લાન ખરીદવાની ફરજ પાડી રહ્યું છે, જેથી ટૂર્નામેન્ટ પૂરી થયા પછી પણ યુઝર્સ એપ પર બંધાયેલા રહે. આ માર્કેટિંગ સ્ટ્રેટેજીને ચાહકો સોશિયલ મીડિયા પર એક 'લોભી જાળ' ગણાવી રહ્યા છે.
4K નું વચન આપીને આપ્યું 720p નું લો-ક્વોલિટી સ્ટ્રીમિંગ!
રૂપિયા 799 ખર્ચવા તૈયાર થયેલા ફેન્સને ત્યારે વધુ આંચકો લાગ્યો જ્યારે પેમેન્ટ પ્રોસેસમાં જ કલાકો બગડ્યા. મોટાભાગના યુઝર્સને 'પેમેન્ટ ફેલ્યોર'નો સામનો કરવો પડ્યો. જેમનું પેમેન્ટ સક્સેસફુલ રહ્યું, તેમને કંપની તરફથી આપવામાં આવેલા ક્રિસ્ટલ ક્લિયર 4K ક્વોલિટીના વચનને બદલે માત્ર 720pની લો-ક્વોલિટી પર જ મેચ જોવી પડી હતી. આ ટેકનિકલ લોચાને કારણે એક્સ પર કંપની વિરુદ્ધ ટ્રેન્ડ શરૂ થયો હતો. તાજેતરમાં જ યોજાયેલી આઈપીએલ 2026 અને ટી20 ક્રિકેટ વર્લ્ડ કપના ફ્રી અને સ્મૂધ સ્ટ્રીમિંગ સામે ઝી5નો આ વહીવટ ખૂબ જ નબળો સાબિત થયો છે.
મોંઘા સ્ટ્રીમિંગથી બચવા માટે ટીવી પર ઉપલબ્ધ છે બેસ્ટ ઓલ્ટરનેટિવ
જો તમે ઓનલાઈન એપના મોંઘા ખર્ચથી બચવા માંગતા હોવ, તો ટીવી સેટેલાઈટ ચેનલ્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે-
Unite8 Sports: આ ચેનલ પર ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની ઓપનિંગ મેચથી લઈને ફાઈનલ સુધીની તમામ મેચોનું લાઈવ બ્રોડકાસ્ટ ટીવી પર કરવામાં આવી રહ્યું છે.
DD Sports: ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પણ ભારતીય વાચકો માટે આ ટૂર્નામેન્ટની પસંદગીની મેચોનું પ્રસારણ ફ્રીમાં જોવા મળી શકે છે.
મેચમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ: મેક્સિકોની જીત અને 3 રેડ કાર્ડ
મેદાન પર રમાયેલી રોમાંચક ઓપનિંગ મેચની વાત કરીએ તો, કો-હોસ્ટ દેશ મેક્સિકોએ શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકા સામે 2-0થી જીત મેળવી લીધી છે. જોકે, આ મેચ ઇતિહાસના પાના પર એક અનોખા રેકોર્ડ સાથે નોંધાઈ છે. મેચ દરમિયાન કુલ 3 રેડ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં વિજેતા ટીમ મેક્સિકોના બે ખેલાડીઓને અને સાઉથ આફ્રિકાના એક ખેલાડીને રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલાયા હતા. ફિફાના ઇતિહાસમાં ઓપનિંગ મેચમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. હવે જોવાનું એ છે કે ભવિષ્યની મોટી મેચો માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પોતાની ભૂલો સુધારીને યુઝર-ફ્રેન્ડલી એક્સપિરિયન્સ આપે છે કે નહીં...