Tue Oct 06 2026

Logo

શું તમે પણ કાન સાફ કરવા પિન કે ઈયરબડ વાપરો છો? આજે જ બંધ કરો, નહીંતર પસ્તાશો

2026-09-28 22:32:58
Author: Devayat Khatana
શું તમે પણ કાન સાફ કરવા પિન કે ઈયરબડ વાપરો છો? આજે જ બંધ કરો, નહીંતર પસ્તાશો

AI પ્રતીકાત્મક તસવીર


મધુરા સૂરથી લઈને ઘોંઘાટ સુધીના અનેક અવાજ કાનથી આપણે સાંભળી શકીએ છીએ. પણ તે જ કાનમાં દુખાવો થવો એ ખૂબ જ સામાન્ય પરંતુ હેરાન કરનારી સમસ્યા છે. કાનમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે કાનમાં ચેપ, વધુ પડતો મેલ જમા થવો, શરદી-ખાંસીના કારણે કાન પર દબાણ આવવું અથવા કાનના પડદાને લગતી કોઈ સમસ્યા. સામાન્ય રીતે લોકો દુખાવો થતાં જ કાનમાં તેલ નાખવા લાગે છે અથવા ઈયરબડ્સથી સફાઈ કરવા લાગે છે. જોકે, નિષ્ણાતોના મતે આવા કેટલાક ઘરેલુ ઉપાયો તમારી સમસ્યાને ઘટાડવાને બદલે વધારી શકે છે. તેથી, કાનમાં દુખાવો થાય ત્યારે શું કરવું અને કઈ બાબતો ટાળવી તે જાણવું અત્યંત જરૂરી છે.

કાનમાં દુખાવો હોય તો આટલી કાળજી લેવી
જો કાનમાં હળવો દુખાવો થતો હોય, તો સૌથી પહેલા કાનને આરામ આપો અને તેને એકદમ સૂકો રાખો. સ્નાન કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે કાનની અંદર પાણી કે શેમ્પૂ ન જાય. દુખાવામાં રાહત મેળવવા માટે બહારથી હળવો ગરમ શેક પણ કરી શકાય છે. જો દુખાવો વધુ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ પેરાસિટામોલ કે ઇબુપ્રોફેન જેવી સામાન્ય પેઇનકિલર દવાઓ લઈ શકાય છે. બાળકોના કિસ્સામાં દવા આપતી વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. જો બે-ત્રણ દિવસમાં દુખાવો ન મટે અથવા વારંવાર થતો રહે તો જાતે ઇલાજ કરવાને બદલે તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.

AI (પ્રતીકાત્મક તસવીર)

કાનમાં ઈયરબડ નાખવાનું ટાળો!
કાનમાં દુખાવો થવા પર મોટાભાગના લોકો ઈયરબડ, દીવાસળી કે પિન વડે કાન સાફ કરવાની ભૂલ કરે છે. આનાથી મેલ વધુ અંદર જઈ શકે છે અને કાનની નળી કે પડદાને ગંભીર ઈજા પહોંચી શકે છે. આ ઉપરાંત, ડૉક્ટરની સલાહ લીધા વિના કાનમાં સરસવનું તેલ, લસણનું તેલ કે કોઈપણ પ્રકારના ઈયર ડ્રોપ્સ નાખવાનું ટાળવું જોઈએ. જો કાનમાંથી પાણી કે રસી નીકળતી હોય તો સ્વિમિંગ કરવાનું ટાળવું. કાનમાંથી નીકળતા પ્રવાહીને માત્ર બહારથી જ હળવા હાથે સાફ કરવું, અંદર કંઈપણ નાખવું નહીં.

વધુ પડતો દુખાવો હોય તો મોડું કરવું નહિ 
આ ઉપરાંત, કાનની કેટલીક ગંભીર સ્થિતિઓમાં વિલંબ કરવો ભારે પડી શકે છે. જો કાનના દુખાવાની સાથે સંભળાવાનું ઓછું થઈ જાય, કાનમાંથી રસી કે લોહી આવવા લાગે, કાનની આસપાસ સોજો આવી જાય, સખત તાવ આવે અથવા દુખાવો સતત વધતો જ રહે, તો સહેજ પણ બેદરકારી ન રાખવી જોઈએ. ખાસ કરીને જો અચાનક સંભળાવાનું બંધ થઈ જાય તો આ સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સલાહ છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)