Mon Oct 05 2026

Logo

દિવાળીમાં ફરવાનું પ્લાનિંગ હોય તો આ જગ્યા બનાવશે ટ્રીપને ખાસ

2026-09-26 16:48:00
Author: Mumbai Samachar Team
દિવાળીમાં ફરવાનું પ્લાનિંગ હોય તો આ જગ્યા બનાવશે ટ્રીપને ખાસ

દિવાળીની લાંબા રજાઓની સીઝન નજીક આવી રહી છે. નોરતા પૂરા થતા જ દિવાળીના દિવસો શરૂ થઈ જશે. આ સમયગાળા દરમિયાન અનેક એવા પરિવાર ફરવા જવા માટેનું પ્લાનિંગ કરતા હોય છે. ખાસ કરીને ભીડ ઓછી હોય એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે. આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જે ટ્રીપને યાદગાર બનાવી શકે છે.  ઓક્ટોબર મહિનો ફરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વધુ પડતી ગરમી કે બફારો પણ નથી હોતો. વધુ ઠંડી પણ નથી હોતી. આ જ કારણ છે કે, આવા હવામાનમાં મોટાભાગના લોકો ફરવાનો પ્લાન બનાવે છે. જો તમે ઓફિસ અને ઘરના કામમાંથી સમય કાઢીને ઓક્ટોબરમાં ક્યાંક જવા માંગતા હોવ, તો કર્ણાટકનું ગોકર્ણ શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે. 

આ જગ્યાઓ બનાવશે ટ્રિપને ખાસ
ભગવાન શિવને સમર્પિત મહાબળેશ્વર મંદિર ખૂબ જ લોકપ્રિય છે. આ સ્થળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મંદિરમાં સ્થિત શિવલિંગને 'આત્મલિંગ' તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરને 'દક્ષિણની કાશી' પણ કહેવામાં આવે છે. જો તમે ગોકર્ણ ફરવા આવી રહ્યા છો, તો આ ધાર્મિક સ્થળને તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો.

મિર્જન કિલ્લો 
જો તમે ઐતિહાસિક સ્થળોને એક્સપ્લોર કરવા માંગતા હોવ, તો અહીં આવી શકો છો. તેનું નિર્માણ 16મી સદીમાં રાણી ચેન્નાભૈરાદેવીએ કરાવ્યું હતું. આ કિલ્લાને તમે એક્સપ્લોર કરી શકો છો અને શાંતિથી બેસીને સમય વિતાવી શકો છો. આ કિલ્લો કુદરતી સૌંદર્યનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે.

યાના ગુફાઓ 
ગાઢ જંગલો વચ્ચે સ્થિત બે વિશાળ અને કાળા રંગના ખડકોની સંરચના વચ્ચે બનેલી આ ગુફા ખૂબ જ શાનદાર છે. એવી માન્યતા છે કે અહીં ભસ્માસુર રાક્ષસનો અંત થયો હતો, જેના કારણે અહીંના ખડકો કાળા અને રાખ જેવા દેખાવા લાગ્યા. ખાસ કરીને ટ્રેકિંગ કરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યા બેસ્ટ સાબિત થઈ શકે છે. ખાસ કરીને લીલીછમ ધરતી અને લાંબા લાંબા વૃક્ષો જાણે કોઈ ફોરેનના ફોરેસ્ટમાં આવ્યા હોય એવી ફીલ આપી જશે. 

વિભૂતિ ફોલ્સ
ગોકર્ણથી લગભગ 45 થી 50 કિમી દૂર આવેલો વિભૂતિ ફોલ્સ ખૂબ જ સુંદર અને કુદરતી ધોધ છે. અહીંનું પાણી યાના પાસેના ચૂનાના પત્થરોમાંથી વહીને આવે છે, તેથી જ તેનું નામ વિભૂતિ ફોલ્સ રાખવામાં આવ્યું છે. ચોમાસા પછીનો સમય અહીં ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાણે કોઈ વિદેશી જગ્યા પર આવીને ઊભા હોય એવી ફીલ આવશે. અહીંયા ફોટો ક્લિક કરવાની અને પરિવાર કે મિત્રો સાથે સેલ્ફિ લેવાની પણ મજા આવશે. 

ઓમ બીચ 
આ બીચ ગોકર્ણ શહેરથી લગભગ 7 થી 8 કિમી દૂર આવેલો છે. જો તમને દરિયાકિનારે સમય વિતાવવો ગમતો હોય, તો આ સ્થળને તમારી ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો. અહીં વોટર એક્ટિવિટીઝ પણ માણી શકાય છે. આ બીચ કુદરતી રીતે 'ઓમ' નો આકાર ધરાવે છે. અહીં તમે સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા જઈ શકો છો. ખાસ કરીને વહેલી સવારનું વાતાવરણ ગમતું હોય અને શાંત દરિયામાં છબછબિયા કરવા હોય તો આ બીચ બેસ્ટ માનવામાં આવે છે.