Sun Jun 14 2026

Logo

પાકિસ્તાનમાં મોંઘવારી વચ્ચે મોટી રાહત: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત પાંચમી વખત ઘટાડો, જાણો નવો રેટ

islamabad   2026-06-13 19:36:33
Author: Vimal Prajapati
Article Image

ઈસ્લામાબાદઃ આર્થિક કટોકટી અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત પાંચમી વખત ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઈંધણના ભાવમાં આ સતત ઘટાડાને કારણે સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે. પાકિસ્તાન સરકારના તાજેતરના નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો લાગુ થઈ ગયા છે. 

ઘટાડા પછી પાકિસ્તાનમાં ઈંધણ ભાવની વાત કરવામાં આવે તો, પેટ્રોલની નવી કિંમત 373.78 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની નવી કિંમત 378.78 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે, જૂન 2026ની શરૂઆતમાં પણ સરકારે પેટ્રોલમાં આશરે 4 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કિંમતોમાં આ મોટો ઘટાડો નોંધાયો છે.

ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ શું છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ઘટાડા પાછળ મુખ્ય બે પરિબળો જવાબદાર છે. એક આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં નરમાઈ અને બીજુ પાકિસ્તાન સરકારની ટેક્સ પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારો.પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. આ જ કારણે વૈશ્વિક બજારની વધ-ઘટની સીધી અસર પાકિસ્તાનના સ્થાનિક બજાર પર જોવા મળે છે. અગાઉ, માર્ચ 2026માં પશ્ચિમ એશિયા (West Asia)માં તણાવ વધવાને કારણે વૈશ્વિક તેલ સંકટ સર્જાયું હતું, જેના લીધે પાકિસ્તાને કિંમતોમાં મોટો વધારો કરવો પડ્યો હતો. જો કે, હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં સુધારો થતાં કિંમતો સતત ઘટી રહી છે.

ભારત અને પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સરખામણી

પાકિસ્તાનમાં ભલે કિંમતો સતત ઘટી રહી હોય, પરંતુ ભારતીય રૂપિયાના મૂલ્ય સાથે સરખામણી કરવામાં આવે તો બંને દેશોના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ, પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 127.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 129.42  રૂપિયા પ્રતિ લિટર છે. જો ભારતની વાત કરવામાં આવે તો, પેટ્રોલનો ભાવ 102.12  રૂપિયા અને ડીઝલનો ભાવ 95.20  રૂપિયા છે. બંને દેશોમાં ઈંધણની કિંમતોમાં આ તફાવત મુખ્યત્વે ટેક્સ સિસ્ટમ, આયાત ખર્ચ (Import Cost) અને સ્થાનિક સરકારી નીતિઓના કારણે જોવા મળે છે.