Fri Jun 12 2026

Logo

વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી ટકેલું વલણ છતાં સ્થાનિક સોનામાં રૂ. 3018નો ચમકારો, ચાંદીમાં રૂ. 9991ની તેજી

2026-06-12 19:30:30
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ભાવઘટાડો અટક્યો હતો અને ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 9991ની તેજી આવી હતી અને સોનામાં રૂ. 3016થી 3018નો ચમકારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 9991ની તેજી સાથે રૂ. 2,42,582ના મથાળે રહ્યા હતા. વધુમાં ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવ પુનઃ આૈંસદીઠ 4200 ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાથી આજે સ્થાનિકમાં વેરારરહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3006 વધીને રૂ. 1,47,208 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3018 વધીને રૂ. 1,47,800ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 4207.30 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 2.8 ટકાના ઉછાળા સાથે 4227.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 66.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના નિવેદનને ધ્યાનમાં લેતા આજે સોનાના ભાવમાં મક્કમ વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં ફુગાવામાં વધારાની સાથે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર જળવાઈ રહી હોવાનું ક્વૉન્ટિટિટવ કૉમૉડિટી રિસર્ચના વિશ્લેષક પીટર ફર્ટિગે જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવામાં કેટલી તીવ્રતાથી વધારો થાય છે તેના પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે. જો ફુગાવામાં વધારો થશે તો સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલર સુધી ઘટી શકે છે. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખે આ સપ્તાહના અંત આસપાસ ઈરાન સાથે ડીલ થઈ જવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, તહેરાને જણાવ્યું હતું કે અમે ડીલ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી લીધો. તેમ છતાં આજે ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. 

દરમિયાન આજે એએનઝેડે આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવનો અંદાજ આૈંસદીઠ 400 ડૉલર ઘટાડીને 5200 ડૉલરનો મૂક્યો હતો. તેમ જ ગઈકાલે અમેરિકાના મે મહિનાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષા કરતાં વધીને આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, હવે બજારની નજર આગામી 16-17 જૂનના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની કેવિન વૉર્શના વડપણ હેઠળની બે દિવસી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.