હમણાં 3 મેના રોજ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ની ઉજવણી થઈ, પણ આજના યુદ્ધ-જંગ અથડામણના હિંસક માહોલમાં શું આજનો પત્રકાર મુકત મને એની ફરજ બજાવી શકે છે ખરો? જવાબ ‘ના’ છે અને સમગ્ર માહોલ ધાર્યા કરતાં વધુ બિહામણો
છે...
- ભરત ઘેલાણી
‘પુલિત્ત્ઝર પ્રાઈસ’ વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ : દાનિશ સિદ્દિકી, 22:01 13-ઉીંક્ષ-2026, લેબનોનની લેડી પત્રકાર અમલા ખાલીલ , પરદેશની જેલમાં પત્રકારો
આજે રશિયા યુક્રેનના જંગના ચાર વર્ષ થવા આવ્યા- જે અટકવાનું નામ લેતો નથી. 28 ફેબ્રુઆરીથી છેડાયેલું ઈરાન- ઈઝરાયલ -અમેરિકાનું યુદ્ધ વિસ્તરતું જાય છે. આ ઉપરાંત આજે ચોતરફ નાની મોટી અથડામણ ચાલી રહી છે. એક સર્વેક્ષણનાં તારણ મુજબ આજની તારીખે 35 જેટલાં દેશમાં 60થી લઈને 130 જેટલી નાની મોટી સશસ્ત્ર હિંસક અથડામણો ચાલી રહી છે !
આ બધા વચ્ચે જંગમાં અને જંગ સિવાય પણ પોતાની ફરજ બજાવતા માર્યા જતા પત્રકારો-ફોટોગ્રાફરની સંખ્યા ખરેખર ચોંકાવનારી છે.
સમય નક્કી નથી હોતો. દિશા નક્કી નથી હોતી, પણ નિયતિએ આગોતરા નક્કી કર્યું હોય તેમ એનો કાળ અકળ છતાં નિશ્ર્ચિત હોય છે. ‘સનનન્’ કરતી કોઈ પણ દિશામાંથી બુલેટ આવે અને ક્ષણેકમાં એને વીંધી જાય.
આ સિનારિયો યુદ્ધ મોરચે દુશ્મનો સામે લડી રહેલા કોઈ લશ્કરી જવાનની વાત નથી, પણ કેટલીક વાર અદલોદલ આવી જ સ્થિતિમાં મૂકાય ગયેલા તસવીરકાર-પત્રકારની વાત છે.
ગયે અઠવાડિયે જ લેબેનોનના એક નગર વિસ્તાર પર ઈઝરાયલે કરેલા હુમલામાં અમલા ખાલીલ નામની લેબેનોની એક મહિલા પત્રકાર સપડાઈ ગઈ. ડ્રોન એટેક થયા પછી એણે એક શેલ્ટર હોમમાં આશરો લીધો તો એના પર પણ ઈઝરાયલી હુમલો થયો. એ વખતે ત્યાં હાજર રહેલી ‘રેડ ક્રોસ’ ટીમ ઈજાગ્રસ્ત અમલાને સારવાર માટે ત્યાંથી લઈ જવા પહોંચી, પણ ઈઝરાયલના સતત હુમલાને લીધે અમલા સુધી પહોંચી ન શકાયું, પણ એક યુવા આશાસ્પદ મહિલા પત્રકાર અમલા ખાલીલ સુધી કાળમુખુ મોત પહોંચી ગયું... આ ઘટના પછી મીડિયા જગતે અમલા ખાલીલની જવાંમર્દી અને શહીદીને સલામ કરી અને સાથે ઈઝરાયલના નિષ્ઠૂર હુમલાની સખત ટીકા પણ કરી.
આ જ રીતે પાંચેક વર્ષ પહેલાં એક ભારતીય ફોટો-જર્નાલિસ્ટે અફઘાન - તાલિબાનની અથડામણમાં જાન ગુમાવ્યો. એ ઘટના ખૂબ ગાજી હતી. એ ભારતીય તસવીરકારનું નામ હતું દાનિશ સિદ્દિકી.
તસવીરકાર વત્તા પત્રકારની કામગીરી બજાવી રહેલો આ ભારતીય યુવાન પાકિસ્તાન સીમા નજીકના વિસ્તારમાં અફઘાનિસ્તાન સેના તથા તાલિબાન ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ-ઝપાઝપીનો સ-તસવીર હેવાલ લેવા પહોંચ્યો હતો.
યુદ્ધ જેવાં ખતરનાક મોરચા પર રિપોર્ટિંગ કરવું એના માટે નવું નહોતું. આવા માહોલમાં દાનિશે ઝડપેલી અનેક તસવીરોએ જગતભરના મીડિયાની જબરી ‘વાહ..વાહ’ મેળવી હતી. આવી એની એક તસવીર માટે પત્રકારત્ત્વમાં નોબેલ પારિતોષિક ગણાતા ‘પુલિત્ત્ઝર પ્રાઈસ’ પણ દાનિશને 2018માં એનાયત થયું હતું. ‘પુલિત્ત્ઝર’ જેવું બહુમાન મળ્યા પછી દાનિશ આવી જોખમી કામગીરી ટાળી શક્યો હોત, પણ આવી જવાંમર્દી જાણે દાનિશની રગેરગમાં વહેતી હતી. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી ‘રોયટર્સ’ સાથે સંકળાયેલો દાનિશે અફઘાન મોર્ચે જવાની અસાઈન્મેન્ટ સામેથી માગી લીધી અને અફઘાન ક્માન્ડો ટીમ તાલિબાનો પર ત્રાટકવાની હતી ત્યારે તાજેતરમાં આંખે દેખ્યો હેવાલ લેવા દાનિશ પણ સાથે જોડાયો. બન્ને લશ્કરી જૂથ વચ્ચે ચાલી રહેલી ભીષણ ફાયરિંગ વચ્ચે દાનિશ દિલધડક તસવીરો ઝડપી રહ્યો હતો ત્યારે અચાનક એક બુલેટ દાનિશને વીંધી ગઈ...
હજુ તો કેટલાંય સિદ્ધિનાં શિખર સર કરવાનાં સપનાં જોઈ રહેલા 38 વર્ષીય દાનિશ સિદ્દિકીની આ ‘ઓન ડ્યૂટી’ શહીદીની નોંધ જગતભરના મીડિયાએ લીધી હતી. દેશના સીમાડા પર ફરજ બજાવતા લશ્કરી યોદ્ધા તો જંગ માટે સજ્જ હોય-પૂરતા તાલીમબદ્ધ હોય, પણ એક જમાનામાં તો પત્રકાર કે તસવીરકાર આવાં જોખમભર્યાં કામ માત્ર જોમ-જુસ્સાના જોરે પાર પાડતા. ઈતિહાસનાં જૂનાં થોથાં ફંફોળો તો જાણવા મળે કે પહેલાં વિશ્વયુદ્ધ વખતે બ્રિટન - ફ્રાન્સની સરકાર કોઈ પત્રકારને મોરચે જવાની પરવાનગી આપતી નહીં. આમ છતાં કેટલાક ગુના માટે ભાગેડુ એવા બાસિલ ક્લાર્ક અને ફિલિપ્સ ગીબ્સ નામના બે રિપોર્ટર છૂપી રીતે મોરચા પરથી બ્રિટિશ અખબારો માટે અહેવાલ મોક્લતા..!
કાળક્રમે પત્રકારો-ફોટોગ્રાફરની સાથે ટીવી ચેનલોની ટીમને પણ વોર ઝોનમાં જવાની પરવાનગી મળવા માંડી, જેથી જગતને કંપાવી મૂકે એવાં યુદ્ધની ખરી ભયાનકતાનો તાદૃશ ચિતાર મળે. જો કે, જેમ યુદ્ધ આધુનિક થતાં ગયાં તેમ વોર જોનમાં ડ્યૂટી બજાવતા પત્રકારો-ફોટોગ્રાફરો પણ વધુ તાલીમબદ્ધ થઈ ગયા છે..
ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દિકીએ જે રીતે જાન ગુમાવ્યો તેવા કિસ્સા અગાઉ યુદ્ધ વખતે બન્યા છે અને આજે પણ બની રહ્યાં છે. થોડા ફ્લેશબેકમાં જઈએ તો....
પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-1918) 4 વર્ષ અને બીજું વિશ્વ્યુદ્ધ (1939-1945) 6 વર્ષ ચાલ્યું. યુદ્ધ વખતે જે -તે દેશની સરકાર પત્રકારોને યુદ્ધ મોરચે જવાની પરવાનગી જલ્દીથી આપતી નહોતી. એ ઉપરાંત એ સમયે પ્રેસ સેન્સરશિપ હોવાથી બન્ને વિશ્વ યુદ્ધમાં કેટલા પત્રકારો-તસવીરકારોએ જાન ગુમાવ્યા એનો કોઈ અધિકૃત આંકડો મળતો નથી.
નજીકના ભૂતકાળના આંકડા તપાસીએ તો 1992થી લઈને આજ જૂન -2026 સુધીમાં 2567 પત્રકાર- તસવીરકારો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા છે. એમાંય 2025નું વર્ષ પત્રકારો માટે ખરા અર્થમાં ખોફનાક નીવડ્યું. એકલા એ વર્ષે 129 જર્નાલિસ્ટ ઓન ડ્યૂટી યુદ્ધના શિકાર બન્યા !
તાજા જંગની વાત કરીએ તો 2022થી શરૂ થયેલા યુક્રેન -રશિયા અથડામણમાં કુલ 16 પત્રકાર- ફોટોગ્રાફરે જીવ ગુમાવ્યા છે તો 53 જેટલા ગંભીર ઈજા પામ્યા છે.
આજે જગતભરનું ધ્યાન જેના પર છે એ ઈરાન -ઈઝરાયલ -અમેરિકા વચ્ચે રોજિંદી અથડામણમાં છેલ્લા હેવાલ મુજબ 12 જેટલા પત્રકાર -ફોટોગ્રાફરે જાન ગુમાવ્યા છે...આ સમય જતા વધે પણ ખરો, કારણ કે આ જંગ હજુ લાંબો ચાલશે...
બીજી તરફ, પ્રિન્ટ -ઓડિયો- વીડિયો મીડિયા સાથે સંકળાયેલા બધા જ કંઈ જંગમોરચે માર્યા જાય છે એવું પણ નથી. અમેરિકાના અતિ પ્રતિષ્ઠિત અખબાર ‘વોશિગ્ટન પોસ્ટ’ અનુસાર છેલ્લાં દશકામાં પત્રકારો- ફોટોગ્રાફર- ટીવી કેમેરામેનની ટીમના ડ્રાઈવર- દુભાષિયા સહિત કુલ 626 વ્યક્તિએ અન્ય ફરજ બજાવતી વખતે જાન ગુમાવ્યા છે. ઈસ્લામી ત્રાસવાદીઓ- ડ્રગ માફિયા અને અંધારી આલમના રીઢા અપરાધીઓ દ્વારા આ હત્યાઓ થઈ છે.
આપણે ત્યાં પણ ફરજ બજાવતા પત્રકારોનાં માથે મોત ભમતું રહે છે. છેલ્લાં 6 વર્ષના આંકડા પર નજર ફેરવીએ તો આપણે ત્યાં ભ્રષ્ટ રાજકારણી તથા રીઢા અપરાધીઓ વિરુદ્ધ તેજાબી અહેવાલ લખવા બદલ 40 જેટલાં જર્નાલિસ્ટ-ફોટોગ્રફરની ધોળે દિવસે હત્યા થઈ અને 198થી વધુ પર જીવલેણ હુમલા પણ થયા છે. આમાંની મોટાભાગની ઘટના ઉત્તર પ્રદેશ- બિહાર અને મધ્ય પ્રદેશની છે.
આપણે ત્યાં પર્યાવરણને દૂષિત કરીને લૂંટનારા કેટલાંક રીઢા ગુનાખોરો પણ છે. એમની વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારા કેટલાક પત્રકારો હંમેશાં મોતના ભય નીચે જ એમની ફરજ બજાવતા રહે છે. છેલ્લાં 12 વર્ષમાં 28 જેટલાં આવા નિડર પત્રકારો માર્યા ગયા છે. નાનાં ગામ- ક્સબા-ટાઉનમાં પત્રકારોની સ્થિતિ વધુ વિષમ હોય છે. ત્યાંના પત્રકારોનાં અસ્તિત્વને સામ-દામ-દંડ-ભેદથી સહેજ રીતે ભૂંસી શકાય છે.
આવા મુશ્કેલ માહોલમાં નિષ્ઠાવાન-જાંબાઝ પત્રકાર જ ગુંડાગર્દી સામે ટકકર લઈને ટકી શકે છે. એમને પણ આપણે 7 સલામ કરવી જોઈએ.
આજે 300થી વધુ પત્રકાર જેલમાં કેદ છે...!
ટ્રમ્પ પોતાની સ્ટાઈલમાં દબડાવી રહ્યા છે પત્રકારોને ...
આજે ચોતરફ આર્થિકથી લઈને યુદ્ધની એવી અફડાતફડી મચી છે કે એમાં વિશ્વભરના મીડિયા હાઉસ ગજબનું દબાણ અનુભવી રહ્યા છે. એક બાજુ પ્રેસ-ટીવી ચેનલ્સના લોકો સતત યુદ્ધ વાતાવરણ વચ્ચે એમની કપરી કામગીરી બજાવી રહ્યા છે ત્યારે એમના પર એક અલગ પ્રકારનું દબાણ પર લાદવામાં આવી રહ્યું છે એ છે પત્રકારોની આડેધડ ધરપકડ... ઈઝરાયલ, ઈરાક, તુર્કીયકે (તુર્કી),,સુદાન, ચીન અને રશિયા સુધ્ધાં જેવા દેશમાં ‘પત્રકાર આતંકવાદી સંસ્થા સામે સંકળાયેલો છે શત્રુ દેશનો વિદેશી એજન્ટ્સ કે જાસૂસ છે’ એવા ખોટા આરોપસર પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આજની તારીખે 330થી વધુ મીડિયાની વ્યક્તિઓ વિદેશી જેલમાં છે. એમાંથી અમુક તો છેલ્લાં પાંચ વર્ષથી કોઈ પણ કાયદાકીય કાર્યવાહી વગર જેલમાં સબડી રહ્યા છે !
બીજી તરફ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને તો પહેલેથી જ પ્રેસ મીડિયા સાથે છત્રીસ છે- એમની સાથે એવું વાંકુ પડ્યું છે કે ટ્રમ્પ સરકારની નીતિ રીતિનો વિરોધ કરનારા જાણીતાં અમેરિકન અખબારો ‘વોશિગ્ટન પોસ્ટ - ન્યૂ યોર્ક ટાઈમ્સ વોલ સ્ટ્રીટ જર્નલ’ના પત્રકારોને ત્યાં દરોડા પાડવામાં આવે છે અને એમના માલિકો વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવે છે !