Sun Jun 14 2026

Logo

મિજાજ મસ્તી: પરથમ ચાખીએ પાંઉભાજી ચટાકેદાર ઇતિહાસથી વર્તમાન સુધી ...

2026-06-14 10:08:00
Author: Sanjay Chhel
Article Image

 

 

 

- સંજય છેલ

 

ટાઇટલ્સ: 

 

અંતિમ સત્ય જે જન્મે છે એ સ્વાદિષ્ટ ખાવા ચાહે છે. (છેલવાણી)

 

મુંબઈની સડક પર અડધી રાત્રે, ‘કોને પહેલાં પાંઉભાજી ખાવા મળે?’ એ મુદ્દા પર રેકડી પાસે મુન્ના ને બબલુ નામના બે ગુંડાએ એકબીજાનું ખૂન કરી નાખેલું! તોય ત્યાં ઊભેલાં લોકો જરાંયે હલ્યા સુધ્ધા નહીં, કારણ કે એમણે વિચાર્યું કે ‘હાશ, બે જણાં ઓછાં થયાં, હવે આપણો વારો જલદી આવશે!’

 

જી હાં, આગ-સ્વાદ-સુગંધનાં તાંડવ વચ્ચે ઊભેલાં પાંઉભાજી પ્રેમીઓમાં આવું ઝનૂન હોય છે, કારણ કે હીર-રાંઝા, રોમિયા-જુલિયટ જેવી જોડીઓ કરતાંયે વધારે કોઈ જોડીને યાદ કરવામાં આવતી હોય તો એ ‘પાંઉ- ભાજી’ છે! નોર્મલ લોકો માટે એ ફક્ત એક વાનગી છે, પણ સ્વાદઘેલાઓ માટે ‘પાંઉભાજી’ એક સિસકતી સંસ્કૃતિ છે, ફરસી ફિલોસોફી છે. છેક 1860ના દાયકામાં મુંબઈના રસ્તાઓ પર, ગરીબ મજૂરો માટે જન્મેલી વાનગી જે ભારત ભૂમિના ખૂણેખૂણે ને વિદેશમાં પણ ગોરા,બ્રાઉન,કાળા લોકોની જાન ને જીભ પર હવે ‘સ્વાદસંક્રમણ’ કરે છે. 

 

થોડા વખત પહેલાં સાંભળ્યું કે એક પાંઉભાજીવાળાએ મુંબઇમાં 12 કરોડનો ફ્લેટ લીધો ત્યારથી પાંઉભાજી વિશે વધુ રસ જાગ્યો ને પછી ખબર પડી કે...

 

બોલો, આપણને ખબર છે કે પરમ પ્રિય પાંઉભાજીની શોધ કઇ રીતે થઇ? પાંઉભાજીનો ઇતિહાસ છેક અમેરિકાના ગૃહયુદ્ધ અર્થાત્ સિવિલ વોર સાથે જોડાયેલો છે, જે લીંબુ નીચોવેલ, કાંદામસાલા છાંટેલ પાંઉભાજી જેટલો જ ‘રસાસ્ફિંટાસ્ટિક’ છે.

 

18મી સદીમાં મુંબઈ બ્રિટિશ સામ્રાજ્યનું એક મહત્ત્વપૂર્ણ બંદર હતું. આ જ સમયમાં મુંબઈમાં કાપડની મિલોનો ઉદય થયો. 1854માં ‘બોમ્બે સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની’ નામની પહેલી મિલ શરૂ થઈ. ત્યાર પછી મુંબઈમાં ડઝનેક મિલો ફટાફટા ખુલવા માંડી. આ મિલો કપાસમાંથી દોરા ને કપડું તૈયાર કરતી, જે બ્રિટન સહિત વિશ્વભરમાં નિકાસ થતાં. પણ આ મિલોને લાભ, સૌથી વધુ અમેરિકાના ગૃહયુદ્ધને કારણે થયો.

 

1860ના દાયકામાં અમેરિકામાં અબ્રાહમ લિંકનની આગેવાનીમાં ગુલામી પ્રથા વિરુદ્ધ ગોરા-કાળાઓનું ગૃહયુદ્ધ શરૂ થયું. જેને કારણે કાળાં મજૂરો લડતમાં હતાં અને અમેરિકાનું કપાસ યુરોપ પહોંચતું અટકી ગયું તો મુંબઈની મિલોએ આ તક ઝડપી લીધી ને મોટા પ્રમાણમાં નિકાસ કરવા માંડ્યું. એટલે હવે મુંબઇની મિલોમાં દિન-રાત અવિરત કામ ચાલવા માંડ્યું. અમેરિકન મજૂરો અટક્યા એટલે ભારતના ગરીબ મજૂરોની પીઠ પર બોજો આવ્યો. મજૂરીની સરહદ નથી હોતી તેમ ગરીબનો કોઇ એક દેશ નથી હોતો. હવે યુપી,બિહાર,બંગાળ,બર્માના લોકો મજૂર મશીન નામે ‘મુંબઈ’ માં ઉભરાવા માંડ્યા. 12-14 કલાક ભૂખે પેટે મજૂરો મિલમાં પીસાતા ને પેટનો ખાડો પૂરવા આવેલ બિચારા મજૂરોને ઓછા પૈસામાં પેટ ભરીને ખાવાનું ક્યાંથી મળે? અહીં જ એન્ટ્રી થાય છે સ્વાદ સુંદરી પાંઉભાજીની!

 

ઇન્ટરવલ:

 

સૂરજ ઝરા આ પાસ આ, આજ સપનો કી રોટી ખિલાયેંગે હમ.

 

ઓ આસ્માં, તૂ બડા મહેરબાં, તુઝકો ભી દાવત ખિલાયેંગે હમ. (શૈલેંદ્ર)

 

-તો એ હાડચામ તોડતાં મિલમજૂરોને રાતે કામ બાદ કે બપોરનાં જરાક અમથા લંચટાઇમમાં ઝડપી ને સસ્તું જમવાનું જોઈતું હતું. મુંબઈના લારીવાળાઓએ આ જરૂરિયાતને પારખીને બટાટા, ટમેટા, કાંદા મિક્સ કરીને, મસાલાઓથી ભરપૂર ચટપટી ભાજી તૈયાર કરી. ભાજી સાથે આપવામાં આવતો પાંઉ એટલે નરમ ચપટો બ્રેડ, જેને પોર્ટુગીઝ વેપારીઓ ભારતમાં લાવેલા. જેને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં બનાવી શકાય. અને આ પાંઉભાજી મજૂર વર્ગની ‘મા’ બની ગઇ જે રાતબેરાત ભૂખ ભાંગતી. જોકે ત્યારે સમાજનો એક ઉચ્ચ હિંદુ વર્ગ પાંઉભાજી ખાતો નહીં, કારણકે પાંઉ બનાવનારા વિધર્મીઓ હતા ને બ્રેડનો લોટ પગેથી ખૂંદવામાં આવતો એટલે જ એને ‘પાંઉ’ કહેવાય છે- એવી એક ધારણા હતી!

 

જોકે ગરીબનું પેટ તો ફક્ત ને ફક્ત એક જ ધર્મ જુએ છે: ભૂખ! મજૂરો માટે સસ્તી પેટ ભરતી અને સ્વાદમાં અદ્ભુત પાંઉભાજીએ મજૂરોના મનને મોહી લીધાં. લાલબાગ, પરેલ જેવા મિલ વિસ્તારોમાં રસ્તાની બાજુના ઢાબાઓ પર આ પાંઉભાજી આખી રાત મળતી. પાંઉભાજીવાળા ગરમાગરમ તવા પર મસાલા ને માખણનો ખેલ કરતા ને એમાંથી જન્મ થતો પાંઉભાજીનો જેની અવિસ્મરણીય સુગંધ, જે આજેય મુંબઈના રસ્તાઓ પર રસરાણ બનીને શાનથી વહે છે!

 

પછી તો સમય બદલાયો, મિલો એક પછી એક બંધ થતી ગઇ, પણ પાંઉભાજીનું સ્થાન કાયમ રહ્યું. પાંઉભાજી મુંબઈના રસ્તાઓથી લઈને દેશભરમાં અને વિશ્વભરમાં ફેલાઈ ગઈ. ચોપાટી, જુહુ બીચ જેવા સ્થળો પર પાંઉભાજીના સ્ટોલ્સને ખરી પ્રસિદ્ધિ મળી. આજે પાંઉભાજીને ચીઝ, પનીર અથવા મશરૂમ જેવા નવા અવતાર મળ્યા છે, પણ તેનો મૂળ સ્વાદ અને આત્મા એ જ છે ચટપટો, સસ્તો અને સૌને એક કરનારો.

 

કારણ કે કમ્બખ્ત, ભૂખ જેવી કોઇ એકતા નથી!

 

‘એકતા’ એ રીતે કે હિંદુ-મુસ્લિમ ‘ભાઈ-ભાઈ’ની જેમ બે પાંઉની જોડી એક જ સાથે જોડાઈને પિરસવામાં આવે છે. ‘અખંડિતતા’, એ રીતે કે બટેટાં, કાંદા, ટામેટા વગેરે શાકભાજીઓનાં મિશ્રણથી બનેલી ભાજી આપણને સમજાવે છે કે આપણે લોકો ભલે અલગ અલગ ધર્મજાતિ ભાષાનાં છીએ, પણ આપણે ભાજીની જેમ હળીમળીને રહેવું! ભાજી, વનસ્પતિનું ‘કોંબિનેશન છે’, જેમ આપણું આ ‘નેશન’ છે! તો હવે જ્યારે તમે પાંઉભાજીનો સ્વાદ ચાખશો, ત્યારે ફક્ત સ્વાદ જ નહીં, પણ એની પાછળનો આ રસપ્રદ ઇતિહાસ પણ યાદ કરજો પાંઉભાજી ફક્ત એક વાનગી નથી. એ તો મુંબઈની મહેનત ને સર્જનશીલતાની ભૂખકથા છે. 

 

અહીં દુ:ખની વાત એ છે કે અમેરિકાનું ગૃહયુદ્ધ ને મુંબઈની મિલોનું શરૂ થવું ને એમાંથી જન્મેલી આ સ્વાદિષ્ટ વાનગી, જે હવે મોટી મોટી હોટેલોમાં ફેન્સી આઇટમ તરીકે પીરસવામાં આવે છે!

 

એન્ડ ટાઈટલ્સ:

 

આદમ: પાંઉભાજી ખાઇશ?

 

ઇવ: ના, પીશ!