- શોભિત દેસાઈ
ટીએમસી હારી અને આજની તારીખમાં અત્યાર સુધીમાં તો એના કૈં કેટલાયે ભાગલા પડ્યા અને દરેક ફિરકો એમ જણાવાનું તો ચૂકતો નથી જ કે ‘અમારી કોઈ શાખા નથી.’ હજી તો ઘણા ભવાડા જોવા મળશે.
અભી તો ઝીક્રે સહર દોસ્તોં! હૈ દૂર કી બાત
અભી તો દેખતે જાઓ, બડી ઉદાસ હૈ રાત
(હજી તો સવારનો ઉલ્લેખ પણ બહુ દૂરની વાત છે, હજી તો જોતા જાઓ કે રાત કેટલી ઉદાસ છે !) - ફિરાક ગોરખપુરી
આપણા દેશમાં દેશ સાથે ગદ્દારી કરીને બંગ્લા કે પાકિસ્તાનના લોકોને ઘુસાડવાનું પાપ કોઈ કરે અને એ પાપનો ઘડો ભરાય પછી શું થાય એ કોઈએ જોવું/ જાણવું હોય તો તકલાદી બાઈ (નામ લેતાંય ખુદના માથાના વાળ ખેંચવા જેટલો ગુસ્સો આવે, એટલે...)ને જોઈ લેવી. હલકામાં હલકી કક્ષાની મેન્ટાલીટી ધરાવતી ઘુસપેઠિયણ હતી એ તો એના કૉંગ્રેસ કાળથી ખબર હતી પણ આટલી નીચ પણ હતી એ છેલ્લાં 15 વરસમાં જાણ્યું. પણ અવિનાશ વ્યાસસાહેબના શબ્દો ઉધાર લઈને કહું તો મરેલાને મારવાનું પરાક્રમ કરીને અમથો વિજયનો લ્હાવો નથી લેવો એટલે અહીં અટકું.
ગયા રવિવારે આપણે ત્રણ- ચાર-પાંચ ભયની વાત પર અટકયા’તા. ત્યાંથી વાત આગળ વધારીએ. આ બધા INDI નામના PIDC ગઠબંધને (Politicaly Inferiors Development Corporation) હિસ્સેદારોને થોડા વખત પૂરતા બાંધીને રાખ્યા આપણે ગયે અઠવાડિયે જોઈ ગયા એ ભયના અલગ પ્રકારોએ. પણ ભય એ કાંઈ રાષ્ટ્ર સંચાલનનો અભિગમ નથી. જૂનાં ધોતિયાબાજો ‘ઈન્દિરા આવી જશે’નો ભય દેખાડી આવી તો ગયા, ચોખા અને ખાંડ 6 અને 5.50 રૂપિયાથી 2 રૂપિયાની નીચે પણ લઈ આવ્યા. પણ એ જ ભયથી ખુદને જ ન બચાવી શક્યા અને હોમાઈ ગયા. મમતા અને ડાબેરી વચ્ચે બીજેપી તરફની નફરત સિવાય કશું જ સામ્ય નહોતું. ડીએમકે અને કૉંગ્રેસને કશું લાગે ન વળગે સિવાય કે સગવડ. કૉંગ્રેસને રાજ્યનાં રાજકીય પક્ષો સાથે કશુંય સરખાપણું નથી સિવાય કે કૉંગ્રેસની ‘હું છું હજી’ એમ પોકારી શકવાની તાતી માંગ/ જરૂર. દંભી એકતા કોઈકને અટકાવવાની નકારાત્મક શક્તિ પર ચણાઈ હતી, નહીં કે કશુંક દેશ માટે કરી છૂટવાની સર્જનાત્મક ઊર્જા પર. એ દંભી એકતા તૂટવાની શરૂ તો ક્યારની થઈ હતી હવે એ કડડડભૂસ પણ થવા માંડી છે. સંભળાય છે એનો અવાજ? એની સાથે તૂટશે એકસામટા છેલ્લાં 80 વર્ષમાં ચણાયેલા દંભી ધર્મનિરપેક્ષતાના અદૃશ્ય અને દેખાતા સ્તરો, પરિબળો. કારણ? ભારતમાં હવે સામાન્ય લોકોના વાસ્તવિક પ્રશ્નોમાંથી આપોઆપ આકાર લેતી કોઈ રાજનીતિ બચી જ નથી જે સનાતન ધર્મને નીચો દેખાડીને ચૂંટણી જીતી શકે. હિન્દુ વિધિઓની મજાક, મંદિરોનું અપમાન અને અચાનક ચૂંટણી પહેલા ચાર કે સાત દોરા પહેરી લેવાનો સમય આથમી ગયો, સમાપ્ત થઈ ગયો, પૂરો થઈ ગયો.
આવનારા સો વરસ ભારતીય રાજનીતિમાં હશે એમના, જે જમીની તથ્યો સાથે સૌથી વધારે જોડાયેલાં હશે, જેને ભારતીય સંસ્કૃતિની દરકાર હશે, પોતાના સંસ્કારજન્ય વારસા વિશે જે વધુ માહિતગાર હશે અને ખૂલ્લી રીતે હિન્દુતરફી હશે. દરેક પક્ષ હવે ‘અમે સૌથી વધુ હિંદુ છીએ’નો દાવો કરવાની કોશિશ કરશે. કેટલાક બુડથલ રીતે, કેટલાક દેખાડા પૂરતા, કેટલાક મસમોટા જાપ- પૂજા- મંદિર ઈત્યાદિના ધ્યાનાકર્ષક દેખાડાઓ મૂકીને, કેટલાક વેદ પૂરાણથીયે જૂની લિપીઓ શોધીને, કેટલાક નવા તહેવાર શોધીને, કેટલાક એ અચાનક યાદ કરીને કે એમની પૂજ્ય દાદી તો મહાધાર્મિક હતાં, કેટલાક એવો ખેલ પણ મૂકશે કે એમણે સનાતનનું અપમાન ક્યારેય કર્યું જ નથીં. પણ અહીં જ આ બધાને માટે મોટી મુશ્કેલી છે. આ અત્યંત આદર્શ અવકાશ કયારનો કબ્જામાં છે ભાજપા અને આરએસએસના. ખરેખર તો આ બન્ને હિન્દુ રાજકારણમાં ઈલેકશનની મોસમના પહેરવેશ તરીકે આ અવકાશને સજાવીને નથી આવ્યા. 2 પરથી 89 અને પછી વધતો વ્યાપ માત્ર અને માત્ર પહેલા Partial અને પછી full હિંદુત્વ માટે મરી ફીટવામાંથી જ આવ્યો છે.
અને સનાતન શું અને એનો અવકાશ કેવો/ અને એનો સ્વીકાર કેવડો! અને એ માટે મરી ફીટવાની તૈયારી ક્યાં સુધીની?
एकोऽहम़़ बहुस्याम़
સદ્પ્રણવને સ્વીકાર છે મારો
ઓમ ને આવકાર છે મારો
ઉત્પત્તિથી જ્યાં સૂર્ય પહોંચ્યો નથી
એટલો અંધકાર છે મારો
મૌનની સૃષ્ટિ સર કરી છે મેં
શબ્દને ઈન્તઝાર છે મારો
જે ડૂબી જાય એ હકીકત છે
જે તરે એ વિચાર છે મારો
બે જ પગલામાં માપી લઉં સૃષ્ટિ
એવડો કારોબાર છે મારો
- શોભિત દેસાઈ
આજે આટલું જ...