- રમેશ પુરોહિત
દિનેશ દેસાઈ
ગુજરાતી સાહિત્યમાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં એક જ સમયે કામ કરનારા થોડા ઘણા સાહિત્યકારોમાં એક અગ્રગણ્ય નામ છે કવિ દિનેશ દેસાઈ. આપણામાં 64 કળાઓની વાત છે. સાહિત્ય અને જીવન એકાકાર થઈ જાય ત્યારે સાહિત્યના વાડા અને સીમાડા રહેતા નથી પણ એકાકાર થાય છે. આપણા આ સાહિત્યસર્જક દિનેશભાઈમાં સાહિત્યના લગભગ દરેક ભાગ અને વિભાગ એકબીજા સાથે સંપીને સહિયારું સર્જન કરતા હોય એમ લાગે છે. વાણિજ્યનો અભ્યાસ કર્યો અને સાહિત્યની ઉપાસના કરી. સાથે સાથે જેને ઉતાવળમાં સર્જાતું સાહિત્ય કહેવામાં આવે છે એવા પત્રકારત્વક્ષેત્રે અનેકવિધ અનુભવોની ગઠરી બાંધી જે તેમને જીવનલક્ષી સાહિત્ય સર્જવામાં ઘણી ઉપયોગી થઈ.
આમ તો સર્જકનો પરિચય એમનું સર્જન છે બાકી બધી ઓળખ છે. દિનેશભાઈ જાણીતા ગઝલકાર, સાહિત્યકાર અને સમૂહ માધ્યમના સંજય છે. માતા હંસાબહેન અને પિતા રજનીકાન્તભાઈના ઘરે 12 ઑગસ્ટ, 1968ના રોજ અમદાવાદમાં જન્મ થયો. અમદાવાદમાં 1988માં કૉર્મસની ડિગ્રી લીધી. સમયના પગરવને પારખીને ડિપ્લોમા ઇન કમ્પ્યુટર ઍપ્લિકેશન અને 1990-91માં પોસ્ટ ગ્રૅજયુએટ ડિપ્લોમા ઇન માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ ઍન્ડ ઍડ્વર્ટાઇઝમેન્ટનો અભ્યાસ કર્યો. જીવન સંગિની જયશ્રી ભટ્ટ નવલકથાકાર અને પુત્ર મહર્ષિ દેસાઈ ડિજિટલ સાઇબર સિરીઝમાં 12 પુસ્તક આપે છે અને કુટુંબના સાહિત્યિક વારસામાં વંશવૃદ્ધિ કરે છે.
દિનેશ દેસાઈને બાળપણથી જ વાચન-લેખનનો રસ રહ્યો, 1986-87માં એમની પ્રથમકૃત્તિ અનુક્રમે કાવ્ય અને લઘુકથા મુંબઈના ગુજરાતી સાહિત્ય સામાયિક ‘પ્રખર’માં પ્રગટ થઈ.
એ સમય દરમિયાન રાજ્ય સરકાર યોજિત નવોદિત લેખકો માટેની નાટ્યલેખન તાલીમ શિબિરમાં એક સપ્તાહ સુધી વરિષ્ઠ સાહિત્યકારો રઘુવીર ચૌધરી અને સતીશ વ્યાસની નિશ્રામાં રહેવાની તક મળી.
સારો સાહિત્યકાર સાથે પત્રકાર બની શકે એ અપવાદ છે પણ સારા પત્રકાર ઉત્તમ સાહિત્યકાર જરૂર બની શકે એ નિયમ છે. નવું નવું જાણવાની વિચારવાની અને જનતા સમક્ષ લઈ જવાની ધગશ હોવાથી દિનેશભાઈ પત્રકારત્વના ક્ષેત્રે પદાર્પણ કરે છે. ઇ.સ. 1988-89માં તેઓ રાજકોટથી પ્રગટ થતા દૈનિક શ્રી નૂતન સૌરાષ્ટ્રમાં સંવાદદાતા તરીકે જોડાયા. ત્યાર પછી એક એક સફળતાની સીડીઓ ચઢતા રહ્યા, ‘સમભાવ’, ‘ગુજરાત સમાચાર’, ‘મુંબઈ સમાચાર’, ‘સંદેશ’, ‘લોકસત્તા જનસત્તા’ પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં કાર્ય કર્યું. ટીવી-9 ન્યૂઝની સર્વપ્રથમ ગુજરાતી ચૅનલથી શરૂ કર્યું. વચમાં પ્રિન્ટ મીડિયામાં ગતિવિધિ ચાલુ રાખી અને ઇ. સ. 2011થી ગુજરાત સરકાર સાથે જોડાયેલા છે. સંવાદદાતાથી લઈને ન્યૂઝ ઍડિટર સુધીના હોદાઓ પર વિવિધ શહેરોમાં અને રાષ્ટ્રની રાજધાનીમાં કામ કર્યું. આ બધા અનુભવોથી સમયાંતરે ચાલતી સાહિત્ય ઉપાસના અને સર્જનાત્મકતા સમૃદ્ધ બની.
દિનેશભાઈ સરખી ઇયત્તતાથી ગુજરાતી અને હિન્દીમાં ગદ્ય અને પદ્ય લખે છે. હિન્દીમાં કાવ્ય, નવલકથા અને અન્ય પ્રકારોમાં ગતિશીલ છે.
રેડિયો અને ટી.વી. જેવાં માધ્યમો, વિદ્યાલયોમાં વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે માનદસેવાઓ આપવી અને સમાજ પ્રત્યેના કર્તવ્યથી સભાન રહીને પર્યાવરણ જેવા વિષય પર જનજાગૃતિનું કાર્ય એમણે કર્યું છે. અનેક પ્રતિષ્ઠિત સામયિકો અને અખબારોમાં પ્રદાન કરતાં જ રહેવું એ સૌથી મુશ્કેલ કામ એમણે સહજતાથી પાર પાડ્યું છે.
એમની સાહિત્યિક અને સામાજિક ક્ષેત્રની કામગીરી બદલ એમને અનેક માન-અકરામોથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક સહિત અનેક અવૉર્ડ પ્રાપ્ત થયા છે.
દિનેશભાઈ પ્રોલિફિક રાઇટર છે. તેમનાં 110 પુસ્તકો પ્રગટ થયાં છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં છે. જેમાં શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત તથા ભારતને લગતાં 30 પુસ્તકોનો સમાવેશ થાય છે.
એમના ચાર ગઝલસંગ્રહ પ્રગટ થયા છે. (1) સ્નેહના નામે (2) કેફ (3) પ્રેમઝરુખો અને (4) અબીલ જેવો છું, ગુલાલ જેવો છું. એમણે કાવ્ય સંપાદન, બાળસાહિત્ય, હિન્દી ગઝલસંગ્રહ ‘દિલ કા દરિયા’, અને ‘તન્હાઇ કે શહેર મેં’ આપ્યા છે.
નવલકથા, લઘુ નવલ, નવલિકાસંગ્રહ લલિત નિબંધો, વિવેચન-અવલોકન, કાયદા વિષયક પુસ્તકો, પર્યાવરણ - વિજ્ઞાનનાં પુસ્તકો માસ મીડિયા -માસ કમ્યુનિકેશનના અભ્યાસક્રમ લક્ષી પુસ્તકો અને પ્રવાસને લગતાં પુસ્તકો લખ્યાં છે. ધર્મ, સાહિત્ય, સિનેમા, જીવનચરિત્ર, ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી પરના અભ્યાસપૂર્ણ લેખોને વાચકોએ વધાવી લીધા છે. એમની અનેક રચનાઓ હિન્દી અને મરાઠીમાં ભાષામાં અવતારવામાં આવી છે.
‘અબીલ જેવો છું, ગુલાલ જેવો છું’ કવિનો ચોથો ગઝલ સંગ્રહ છે જેમાં 65 ગઝલ છે. આ કવિએ બહુ નથી લખ્યું પણ જે કંઈ આપ્યું છે તે ગુણવત્તાસભર અને લોકભોગ્ય આપ્યું છે. એમના કાવ્ય સર્જનમાં ગઝલ મોખરે છે. ગઝલ પંક્તિમાં પોતાની ઓળખ આપતી ગઝલમાં કવિ કહે છે :
અબીલ જેવો છું, ગુલાલ જેવો છું
કરો તિલક શુભ-લાભ ભાલ જેવો છું
વિવેચક જયેન્દ્ર શેખડીવાળાએ કહ્યું છે કે કવિશ્રી દિનેશ દેસાઈએ આ સંગ્રહમાં બહુધા ગઝલ પ્રકારની રચનાઓ સંગ્રહી છે. તેમાં કાવ્યતત્ત્વ સબળ રચનાઓ છે. જે આપણને આપણા ભાવકોદ્ગાર દ્વારા ‘વાહ’ કહેવડાવી જાય છે જેમ કે :
એ સમય રેત પર નામ લખશે ફરી ફરી જોઇ લો રેશમી સાંજ પાછી ફરી હશે
નાવ, નાવિક ને હલેસાં, કેટલા વાનાં ?
છે કઠિન આ ઝાંઝવાના જળ તરી જવું
શુભ લાભ સચરાચર સબ સુખ ઉમંગે
મંગલ હો સબ માનીત, હરિ સુમિરન સાધો
હરિનામની ભભૂત છે, લગાવ રંગ ભગવા
દુનિયા કહે સખીરી સહજ સમાધિ સાધો
બાંસરીના નાદમાં માધવ મળે
વાલિયાના રાફડે રાઘવ મળે
કાલની એ છોકરીના બાળપણને
રોજ હું શોધ્યા કરું છું આ ગલીમાં
એક ગમતી નદી દરિયો’ય છોડીને
વ્હેણ આ તરફ વળશે ખબર નો’તી
આમ તેઓ વૃક્ષારોપણ કરાવે છે
ઊગતા પ્હેલાં તો એને કપાવે છે
મળી તાકાત હો તો ચાર ડૂબી જો સમંદરમાં
નકામો છીછરો એવો કિનારો કોણ માંગે છે ?
જિંદગીમાં કોઇ અકારણ મળે
જીવવાનું બસ કોઇ કારણ મળે
શબ્દને વાચા ફૂટેલી જોઇએ
મૌનની ભાષા ઉકેલી જોઇએ
તરફડે છે મીન, સ્પર્શ પામવા
એક બસ એની હથેળી જોઇએ
ને મદીરાના તમે દુશ્મન હતા
પી રહ્યા છો જામ પણ લીધા વગર
કૈંક તો લીધું જ હોવું જોઇએ
કોઇ ના લથડી શકે પીધા વગર
પત્રમાં ગઝલ મળશે, એ ખબર નો‘તી
આમ સપનુંય ફળશે એ ખબર નો’તી
ને વસંતે તમે સ્પર્શ્યા, અમે ખિલ્યા
સાવ કળ આમ વળશે, એ ખબર નો‘તી
ફૂલોએ તો કદી બદનામ એને કર્યો નથી
ભમરાની, ઘેલછાની તિખારાની વાત કર
અંત વેળા મેં પુછેલા પ્રશ્નનો
આપજો ઉત્તર હવે દ્વિધા વગર
મારી, તમારી, આપણી પણ લાગવી જોઇએ
છે જો ગઝલની વાત સૌની લાગવી જોઇએ.