Sun Jun 14 2026

Logo

માનવ બૉમ્બની જેમ જ સ્ફોટક આત્મઘાતી કીડીઓ પણ હોય છે!

2026-06-14 10:15:00
Author: Praful Shah
Article Image

 

 

 

હેં... ખરેખર?! - પ્રફુલ શાહ

 

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા શ્રીલંકાના અલગતાવાદી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમની માનવ બૉમ્બે કરી હતી જેનું નામ કલાઇવાની રાજરત્નમ ઉર્ફે ધનુ હતું. મરો ને મારોમાં માનનારા આતંકવાદીઓ માટે હ્યુમન બૉમ્બનો ઉપયોગ નવો નથી, પણ મુંગા જાનવર આત્મવિનાશી કે સ્વવિનાશી હોવાનું સાંભળ્યું છે? 

 

વધુ આશ્ર્ચર્યની બાબત એ છે કે આ આત્મઘાતી વૃત્તિ ધરાવનાર જીવ છે કીડી! 

 

હા. આ કીડીને કોલોબોપ્સિસ સોન્ડર્સી (Colobopsis saundersi)) કે મલેશિયન વિસ્ફોટક કીડી (Malaysian Exploding Ant)ં અથવા સુસાઇડ એન્ટ (Suicide Ant)ં તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ એશિયા (મલેશિયા, બ્રુનેઈ, થાઇલૅન્ડ અને બોર્નિયો)માં જોવા મળતી આ કાર્પેન્ટર કીડીની એક પ્રજાતિ પોતાની ઑટોથિસિસ તરીકે જાણીતી અનોખી સંરક્ષણ પદ્ધતિ અપનાવે છે જે આત્મઘાતી છે. 

 

સંરક્ષણ અને આત્મઘાતી શબ્દો ભલે વિરોધાભાસી લાગે પણ હકીકત એવી જ છે. આ કીડી જોખમના  સમયે જીવ આપીને પોતાના ભાઈભાંડું અને વસાહતને બચાવે છે. માનવી બીજાનો જીવ લેવા મરી જાય છે પણ ટચુકડી કીડી અન્યના જીવ બચાવવા મોતને વ્હાલું કરી લે છે. લગભગ 15 પ્રજાતિઓની વિસ્ફોટક કીડીઓ પોતાની વસાહત અને સ્વજનોને બચાવવા માટે શાબ્દિક અર્થમાં વિસ્ફોટ કરતી કીડીઓ બની જાય છે. 

 

આ શહાદત વધુ વિગતે સમજીએ. 

 

આમ તો ઉત્ક્રાંતિનો મૂળભૂત હેતુ મોટેભાગે જીવિત રહેવાની ક્ષમતા વધારવાનો મનાય છે. અહિં સવાલ એ થાય છે કે કુદરતે એવી કીડીઓને શા માટે પ્રોત્સાહન-વ્યવસ્થા આપી કે જે પોતાને જ ખતમ કરી નાખે?

 

હકીકતમાં વસાહતમાં બધી કીડીને વિસ્ફોટ કરવાની પરવાનગી નથી હોતી. તો કઈ કીડીઓ આ કામ કરે છે? એમાં ઊંડા ઊતરવા માટે તે કીડીઓની વસાહતની આંતરિક કાર્યપદ્ધતિ વિશે જાણવું પડે.

 

કીડીઓ અસાધારણ હદના સામાજિક જીવ છે. તેઓ પોતાને સંગઠિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. એટલું જ નહિ, પોતાના હિત કરતાં વસાહતની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપવાની સ્વાભાવિક વૃત્તિ તેમના ડીએનએમાં છે. કેટલીક કીડીઓ વસાહતની સલામતીના વિચારને કલ્પનાતીત સીમાએ લઈ જાય છે અને પોતાના શરીરનું વિસ્ફોટ કરીને બલિદાન આપે છે. 

 

આ વિસ્ફોટ કરવો એ માત્ર એક જ રીત છે જેમાં કામદાર ગણાતી કીડીઓ વસાહત માટે બલિદાન આપે છે. આ સિવાય અન્ય રીતો પણ એટલી જ અચંબિત કરનારી છે. દાખલા તરીકે વિસ્ફોટ કરી શકે તે માટેનું જૈવિક માળખું કોઈ પણ જીવજંતુના શરીર વિશેની સામાન્ય કલ્પનાથી પણ વધુ અચંબિતકારક છે.

 

બહુ દૂરના ભૂતકાળમાં જોઈએ તો કીડીઓનો જન્મ એક પ્રકારની ભમરીમાંથી થયો હતો, પરંતુ ઉત્ક્રાંતિએ કીડીઓ પર થોડું અલગ રીતે કાર્ય કર્યું છે. વ્યક્તિગત સિદ્ધિ ને સફળતા કરતાં આખી વસાહતના હિત અને સલામતીને વધુ મહત્ત્વ અપાયું.  કીડીઓમાં  વસાહતના સભ્યો માટે સ્પષ્ટ શ્રેણીબદ્ધ વ્યવસ્થા હોય છે. વિસ્ફોટક કીડીઓ શા માટે આવું વર્તન કરે છે તે સમજવા માટે કીડીની દરેક જાતિની ભૂમિકા સમજવી જરૂરી છે.

 

કીડી સમાજમાં કડક ફરજ વિભાજન હોય છે. પ્રજનનક્ષમ માદાઓ રાણીઓ હોય છે. એક વસાહતમાં એક કે વધુ રાણીઓ હોઈ શકે છે. કેટલીક પ્રજાતિઓમાં તેઓ 25 વર્ષથી પણ વધુ જીવે છે પણ દુર્લભ છે.

 

નર કીડીઓ સામાન્ય રીતે થોડા સમય માટે જ વસાહતમાં રહે છે. તેમનો એકમાત્ર હેતુ રાણી સાથે સંભોગ કરવાનો હોય છે, પછી તેઓ મરી જાય છે.

 

રસપ્રદ વ્યવસ્થા એ છે કે રાણી કે નર કીડીઓ વિસ્ફોટ કરતી નથી. આ કાર્ય કામદાર કીડીઓનું છે. એવું કેમ? આ કામદાર કીડીઓ માદા, અપ્રજનનક્ષમ અને પાંખ વિનાની હોય છે. તેઓ વસાહતનો મોટાભાગનો હિસ્સો બને છે અને પ્રજાતિ અનુસાર કેટલાક મહિનાથી એક વર્ષ સુધી જીવે છે. મોટી કામદાર કીડીઓ અથવા સૈનિક કીડીઓ સૌથી મોટી વંધ્ય માદાઓ હોય છે. તેમના માથા અને જડબાં મોટાં હોય છે અને તેઓ સૌના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નાની કામદાર કીડીઓ કદમાં નાની હોવા છતાં મોટાભાગનું કામ કરે છે. કેટલીક રાણીની સંભાળ રાખે છે, કેટલીક ખોરાક શોધે છે અને અમુક તો વસાહતને ઘૂસણખોરોથી બચાવવા માટે પોતે જ વિસ્ફોટ કરે છે. 

 

તેઓ ઘણીવાર ઝાડોમાં, ખાસ તો સુકાઈ ગયેલી ડાળીઓમાં માળા બનાવે છે. એક વસાહતમાં હજારો કીડીઓ હોઈ શકે છે.

 

તેઓ દિવસે આસપાસના ખોરાકની શોધમાં બહાર નીકળે છે. તેમના આહારમાં વનસ્પતિ, ફળો અને સંભવિત રીતે અન્ય જંતુઓનો સમાવેશ થાય છે.

 

2018ના સંશોધન અહેવાલ પ્રમાણે માળાના પ્રવેશદ્વાર પાસે એકથી છ કામદાર કીડીઓ તૈનાત રહે, જે અંદર-બહાર જતી દરેક કીડીને સ્પર્શીને તપાસે. આ દ્વાર નિરીક્ષકો ખોરાક શોધી લાવતી કીડીઓની પર નજર રાખે. શક્ય છે કે કોઈ કીડી ભૂલથી શિકાર સમજીને દુશ્મનને પણ વસાહતમાં લઈ આવે. તેથી પાછી ફરતી દરેક કીડીની તપાસ જરૂરી ગણાય. 

 

અહિં મોટી કામદાર (સૈનિક) કીડીઓ ભાગ્યે જ માળાની બહાર જોવા મળે ને નાની કામદાર કીડીઓ વારંવાર બહાર જોવા મળે. 

 

જ્યારે જોખમ અનુભવે ત્યારે તેઓ પોતાનો ગેસ્ટર (શરીરના પાછળના ગોળાકાર ભાગ) ઊંચો કરીને રક્ષણાત્મક સ્થિતિ ધારણ કરતી હતી. આ જ કીડીઓ પોતાનું બલિદાન આપવાની સૌથી વધુ શક્યતા ધરાવે. આ કીડીઓમાં વિશિષ્ટ રીતે વિકસિત અને મોટી બનેલી મેન્ડિબ્યુલર ગ્રંથિઓ હોય છે, જે તેમના વિસ્ફોટક સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

 

કીડીઓના શરીરમાં બહાર તરફ ખૂલતી નળીઓ ધરાવતી અનેક એક્સોક્રાઇન તરીકે ઓળખાતી ગ્રંથિઓ હોય છે. આ ગ્રંથિઓના સ્ત્રાવ વિવિધ કાર્યો કરે છે, જેમ કે ચેતવણી આપવી, વસાહતના સભ્યોની ઓળખ કરવી અને જીવાણુ વિરોધી સંરક્ષણ પૂરું પાડવું.

 

કેટલીક કીડીઓમાં આ ગ્રંથિઓ અસામાન્ય રીતે વિશાળ બની જાય છે અને હથિયાર તરીકે ઉપયોગમાં લેવાય છે.

 

જ્યારે નાની કામદાર કીડી જોખમ અનુભવે છે ત્યારે તે પોતાની ગ્રંથિઓમાં રહેલા ચીકણા અને બળતરા પેદા કરનારા પદાર્થ વડે ઘૂસણખોરને ભગાડે છે અથવા મારી નાખે છે.

 

વિસ્ફોટક કીડીઓએ આ ક્ષમતાને અતિશય સ્તરે વિકસાવી છે. આ વર્તનને ઓટોથિસિસ  કહેવામાં આવે છે, જેનો અર્થ છે  કોઈ અંગ ફાડી નાખીને આત્મવિનાશ કરવો. તેઓ પોતાના ગેસ્ટરને દબાવીને મેન્ડિબ્યુલર ગ્રંથિઓને ફાડી નાખે છે અને તેનો પદાર્થ બહાર કાઢે છે. આ સ્ત્રાવ તેજસ્વી પીળા રંગનો હોય છે અને તેમાં મસાલા જેવી વિશિષ્ટ ગંધ હોય છે.

 

સૌથી આશ્ર્ચર્યજનક બાબત એ છે કે આ સંકોચન એટલું જોરદાર હોય છે કે કીડીનું બાહ્ય કંકાલ ફાટી જાય છે, ગ્રંથિઓનો પદાર્થ બહાર નીકળી જાય છે અને પોતાની ફૂલેલી ગ્રંથિઓમાંથી ચીકણું અને ઝેરી પ્રવાહી છાંટે છે જે શિકારીઓને મારી નાખે છે અથવા ભગાડી દે છે. આમ તેઓ વસાહતની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપે છે. આ પ્રક્રિયામાં બહાર આવતો કાટ લાગતો સ્ત્રાવ હુમલાખોરોને ફસાવી દે છે અને દાઝે છે, અંતે કીડીનું મૃત્યુ થાય છે. 

 

એક જાતની બ્રાઝિલિયન કીડીઓ (Forelius pusillus)ની વસાહતોમાં તો દર રાત્રે થોડા કામદાર સભ્યો પોતાનું બલિદાન આપે છે. સૂર્યાસ્ત સમયે તેઓ માળાના પ્રવેશદ્વારને બહારથી બંધ કરી દે છે અને પોતે જોખમી વાતાવરણમાં બહાર ફસાઈ જાય છે જેથી વસાહત સુરક્ષિત રહે.

 

અન્ય કેટલીક પ્રજાતિઓમાં કામદાર કીડીઓનું શરીર ફૂલી જાય છે અને તેઓ માળાની અંદર જ સ્થિર થઈ જાય છે. તેઓ જીવંત ખાદ્ય ભંડાર તરીકે કાર્ય કરે છે.

 

રોગનાં લક્ષણો છુપાવવાને બદલે, કીડી ચેપ લાગતાં જ ચેતવણી સંકેત છોડે છે જેથી વસાહતને જોખમ વિશે ખબર પડે. 

 

આ ટચુકડી કીડીઓ પાસેથી મગજ સાથે હૃદય ધરાવતા માનવીએ કેટકેટલું શીખવાનું બાકી છેને?