- આશુ પટેલ
જૂન, 2026ના શરૂઆતના દિવસોમાં અમૃતસરની એક ટીનેજર છોકરીએ આત્મહત્યા કરી લીધી. તેના પિતા તેની સ્કૂલ ફી ભરી શક્યા નહોતા એટલે ટીચરે આખા ક્લાસની વચ્ચે તેનું અપમાન કર્યું. તેને બધાની વચ્ચે ઉતારી પાડી એટલે તે છોકરીને લાગી આવ્યું અને તેણે જીવન ટૂંકાવી લીધું.
હૃદય હચમચાવી દે આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. થોડા મહિનાઓ અગાઉ જયપુરની એક સ્કૂલમાં એક અગિયાર વર્ષની છોકરીએ જીવન ટૂંકાવી લીધું. તેના તોફાની કલાસમેટ્સ ડિજિટલ સ્લેટમાં તેના વિશે અપમાનજનક શબ્દો લખીને તેને બતાવતા હતા અને એ સ્લેટ એકબીજાને આપીને તે છોકરીની મજાક ઉડાવતા હતા. તે છોકરીએ સંવેદનશીલ હતી. તેણે ઘણી વાર ક્લાસ ટીચરને ફરિયાદ કરી, પરંતુ એમણે તેની ફરિયાદને ગંભીરતાથી લીધી નહીં. એક દિવસ તો તે છોકરીના ક્લાસમેટ્સે હદ કરી નાખી. તેમણે તે છોકરીને બહુ હેરાન કરી એટલે તે છોકરીએ પોણો કલાક જેટલા સમયમાં ટીચરને પાંચ વખત ફરિયાદ કરી. ટીચરે તોફાની વિદ્યાર્થીઓને ઠપકો આપવાને બદલે તે છોકરીને જ કલાસમાં બધાની વચ્ચે ખખડાવી નાખી. તે છોકરી એટલી વિચલિત થઈ ગઈ કે પોતાના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત ક્લાસરૂમમાંથી બહાર નીકળીને સ્કૂલમાં ચોથા માળે ગઈ અને ત્યાંથી છલાંગ મારી દીધી... દુષ્ટ સહાધ્યાયીઓ અને સંવેદનાહીન ટીચરને કારણે તે નાનકડી છોકરીનાં જીવનનો અકાળે અંત આવી ગયો. તે શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી, પણ તેના પાપે પેલી ગભરુ છોકરીએ જીવ ગુમાવી દીધો.
લાગણીશીલ વ્યક્તિઓ માટે પોતાની આજુબાજુના માણસોનો ખરાબ વર્તાવ સજારૂપ બની જતો હોય છે. વધુ પડતી સંવેદનશીલતા માણસને નુકસાન કરે છે. ઉપરોક્ત બંને કિસ્સામાં છોકરીઓ વધુ પડતી સંવેદનશીલ ન હોત અને લાગણીના પ્રવાહમાં તણાઈ ન ગઈ હોત તો કદાચ તે જીવન ટૂંકાવવા સુધી ન ગઈ હોત. તે બંને છોકરી તો નાની હતી, પણ પુખ્ત વયની વ્યક્તિઓનો પણ પોતાની લાગણીઓ પર કાબૂ ન હોય તો તેમના માટે જીવન નરક સમાન સાબિત થઈ શકે.
ઈ.ક્યુ. એટલે કે ઈમોશનલ કવોશન્ટ મજબૂત ન હોય એવી વ્યક્તિઓને તેમની આજુબાજુના માણસોનો ખરાબ વર્તાવ બહુ તકલીફ આપતો હોય છે. જે માણસોનો ઈ.ક્યુ. અત્યંત મજબૂત હશે તેમનામાં થોડીક નફ્ફટાઈ હશે, પણ જેનો ઈ.ક્યુ. નબળો હશે એટલે કે જેમનો પોતાની લાગણીઓ પર કાબૂ ન હોય એવા માણસોને કોઈ પણ નકારાત્મક સ્થિતિ વધુ તકલીફ આપે. જેમ કે સોશ્યલ મીડિયા પર કોઈ દુષ્ટ વ્યક્તિએ કોઈ વ્યક્તિ વિરુદ્ધ લખ્યું હોય તો જે વ્યક્તિ લાગણીશીલ હશે તે વિચલિત થઈ જશે અને જેનો ઈ.કયુ. સ્ટ્રોંગ હશે એટલે કે જે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્તી હશે એવી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કશું લખશે તો તેનો પ્રતિભાવ અલગ હશે. તે કહેશે કે ‘ઠીક છે. હાથી ચાલ્યો જાય અને તેની પાછળ કૂતરા ભસે તો હાથીને કોઈ ફરક નથી પડતો એમ મને પણ કોઈ ફરક નથી પડતો.’ અને જે વ્યક્તિઓનો ઈ.કયુ. વધુ મજબૂત હશે એવો માણસ તો તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરનારાની એવી હાલત કરી નાખશે કે ટ્રોલ કરનારી વ્યક્તિ વિચલિત થઈ જશે.
કોઈ વ્યક્તિ લાગણીશીલ હોય તો લોકોના ખરાબ વર્તાવથી તેને નરક જેવી અનુભૂતિ થઈ શકે. આજના સમયમાં મોટાભાગના લોકો તમારી લાગણી સાથે રમવા માટે માનસિક શસ્ત્રરૂપી છરી-ચાકાઓ સજાવીને જ બેઠા છે. તમે વધુ પડતા સંવેદનશીલ હો તો માત્ર અજાણી વ્યક્તિઓ જ નહીં, પરંતુ અંગત મિત્રો કે સ્વજનો લાગણીનું શસ્ત્ર વાપરીને તમને માનસિક રીતે દબાવશે કે ક્યારેક કચડી નાખશે.
ઘણા કિસ્સામાં કોઈ વ્યક્તિ સામાન્ય ઝઘડા પછી આત્મહત્યા કરી લેતી હોય છે એનાથી વિપરીત રીતે કેટલાક કિસ્સાઓમાં આપણને એવું લાગે કે તકલીફમાં મુકાયેલી કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લેશે તે વ્યક્તિ માત્ર નાટક કરતી હોય છે અને આપણી લાગણી સાથે રમતી હોય છે. એવી વ્યક્તિ રોજ આપણને કોલ કરીને આપણને માનસિક ત્રાસ આપે અને તેની તકલીફ માટે આપણે જવાબદાર હોય એવો અહેસાસ કરાવે. આપણે ગુનાહિત લાગણી અનુભવવા માંડીએ કે આપણે તેને મદદ નથી કરી શકતા એટલે આપણે જાણે ગુનેગાર બની ગયા છીએ,પરંતુ તે વ્યક્તિ પોતાની તકલીફોનાં રોદણાં રડતાં-રડતાં ય મજેથી જીવતી હોય છે. કેટલાક માણસો તેમની આજુબાજુની લાગણીશીલ,સંવેદનશીલ વ્યક્તિને કોલ કરે અથવા રૂબરૂ મળીને કહે કે ‘હું તકલીફમાં છું અને તમારે મને મદદ કરવી જ પડશે. નહીં તો મારે આપઘાત કરવો પડશે.’ સંવેદનશીલ વ્યક્તિ ખેંચાઈને પણ તેને આર્થિક મદદ કરે અને પછી પેલી નફ્ફટ વ્યક્તિ પૈસા પાછા ન આપે. જેણે ખરા સમયે મદદ કરી હોય તે પૈસા પાછા માગે ત્યારે તેની સાથે ખરાબ વર્તાવ કરે,તેના કોલ રિસીવ કરવાનું બંધ કરી દે,તેના મેસેજના જવાબ ન આપે. મને પણ આવા કેટલાય અનુભવો થઈ ચૂક્યા છે.
ઘણા ‘સ્માર્ટ’ માણસો હોય છે તે લાગણીનું શસ્ત્ર વાપરીને પોતાની આજુબાજુની વ્યક્તિઓ પાસેથી પૈસા ઉછીના લે અને પછી જે વ્યક્તિ ઉછીના પૈસા આપ્યા હોય એ પૈસા પાછા માગે ત્યારે તેને એવો અહેસાસ કરાવે કે જાણે તેણે પૈસા પાછા માગીને ઘોર અપરાધ કર્યો હોય કે તેનું અપમાન કર્યું હોય. એવા નફ્ફટ અને દુષ્ટ લોકો માનસિક શસ્ત્રનો ઉપયોગ કરીને તેમની આજુબાજુની સંવેદનશીલ વ્યક્તિઓની લાગણી સાથે રમત કરતા હોય છે અને તેમનું શોષણ કરતા હોય છે. એટલે લાગણીશીલ માણસોએ પોતાનો ઈ.કયુ. એટલો તો મજબૂત કરવો જ જોઈએ કે કોઈ તેમની લાગણી સાથે રમત ન કરી જાય.
તમે સંવેદનશીલ હો તો ઘણા માણસો તમારો ઉપયોગ કે દુરુપયોગ કરતા રહેશે; તમને માનસિક રીતે દબાવતા રહેશે,પરંતુ જો તમારી લાગણીઓ પર તમારો કાબૂ હોય તો તમને તમારી આજુબાજુની ખેપાની વ્યક્તિઓની વાયડાઈથી કે તેમના વર્તાવથી બહુ ફરક નહીં પડે.
સાર એ છે કે આપણી લાગણી સાથે રમત કરવાનો અધિકાર કોઈને ન આપવો જોઈએ.