અત્યારના ડિજિટલ જમાનામાં આજકાલ પેમેન્ટ કરવાથી લઈને હોટલના મેનૂ જોવા સુધી, આપણે દરરોજ ઘણીવાર ક્યુઆર કોડનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે દરેક ક્યુઆર કોડના ત્રણ ખૂણામાં મોટા કાળા ચોરસ બોક્સ હોય છે, જ્યારે ચોથો ખૂણો ખાલી હોય છે? શું આ માત્ર એક ડિઝાઇન છે? ના, આ એક અદભૂત ટેકનોલોજી છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વિસ્તારથી વાત કરીશું...
શું છે આ 'ફાઈન્ડર પેટર્ન્સ'?
ક્યુઆર કોડમાં રહેલા આ ત્રણ મોટા બોક્સને 'ફાઈન્ડર પેટર્ન્સ' કહેવામાં આવે છે. જ્યારે તમે તમારા ફોનનું કેમેરા ક્યુઆર કોડ સામે લાવો છો, ત્યારે આ બોક્સ ફોનના સોફ્ટવેરને સમજવામાં મદદ કરે છે કે સામે એક ક્યુઆર કોડ છે. આ બોક્સની મદદથી કેમેરા કોડની પરફેક્ટ પોઝિશન અને ડિરેક્શન તરત જ નક્કી કરી લે છે, જેથી કોડ સેકન્ડોમાં સ્કેન થઈ જાય છે.
ચોથો બોક્સ કેમ નથી હોતો?
તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ચોથો ખૂણો કેમ ખાલી રાખવામાં આવે છે? ટેકનિકલ રીતે, સ્કેનરને કોડની દિશા અને પોઝિશન સમજવા માટે માત્ર ત્રણ ફાઈન્ડર પેટર્ન્સ જ પૂરતા છે. જો ચોથો બોક્સ ઉમેરવામાં આવે, તો તે વ્યર્થ જશે. તેથી, તે જગ્યા ખાલી રાખવામાં આવે છે જેથી ત્યાં વધુ ડેટા સ્ટોર કરી શકાય.
ગંદા કે ફાટેલા કોડ પણ કેવી રીતે સ્કેન થાય છે?
વર્ષ 1994માં જાપાની કંપની 'ડેન્સો વેવ' દ્વારા ફેક્ટરીના કામને ઝડપી બનાવવા માટે ક્યુઆર કોડની શોધ કરવામાં આવી હતી. તેમાં 'એરર કરેક્શન' નામની એક ખાસ ટેકનિક હોય છે. આ ટેકનિકને કારણે જ જો ક્યુઆર કોડ થોડો ગંદો હોય, ફાટેલો હોય અથવા તમે તેને ટેડા એન્ગલથી સ્કેન કરતા હોવ, તો પણ તમારો ફોન તેને ડિજિટલી સીધો કરીને વાંચી લે છે.
તમે કોડને ગમે તેટલો ફેરવો કે ઊંધો પકડો, તે તરત જ કામ કરે છે, જેનું સંપૂર્ણ શ્રેય આ ત્રણ ફાઈન્ડર પેટર્ન્સને જાય છે. તેમની આ ઝડપ અને સચોટતાને કારણે જ આજે ક્યુઆર કોડ વિશ્વનું સૌથી લોકપ્રિય સ્કેનિંગ સિસ્ટમ બની ગયું છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...