Sun Sep 13 2026

Logo

સ્માર્ટફોન અચાનક કેમ મોંઘા થઈ ગયા? માર્કેટમાંથી બજેટ ફોન ગાયબ! જાણો RAMની કિંમતો વધવા પાછળનું AI કનેક્શન

2026-08-17 14:07:00
Author: Darshana Visaria
સ્માર્ટફોન અચાનક કેમ મોંઘા થઈ ગયા? માર્કેટમાંથી બજેટ ફોન ગાયબ! જાણો RAMની કિંમતો વધવા પાછળનું AI કનેક્શન


છેલ્લાં કેટલાક સમયથી ભારતીય અને વૈશ્વિક બજારમાં સ્માર્ટફોનની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને વધુ રેમ (RAM) ધરાવતા વેરિઅન્ટ્સ ખૂબ જ મોંઘા થઈ ગયા છે, જ્યારે સામાન્ય ગ્રાહકોમાં લોકપ્રિય એવા બજેટ સ્માર્ટફોન માર્કેટમાં મોટાભાગે 'આઉટ ઓફ સ્ટોક' જોવા મળી રહ્યા છે. સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓના જણાવ્યા અનુસાર, મેમરી ચિપ એટલે કે રેમ અને મહત્વના સેમિકન્ડક્ટર પાર્ટ્સના વધતા ભાવોના કારણે ફોનની કિંમતો વધારવાની ફરજ પડી છે. આવો જાણીએ કે આખરે અચાનક રેમ આટલી મોંઘી કેમ થઈ ગઈ અને તેની પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું કનેક્શન શું છે...

શું છે RAM અને શા માટે જરૂરી છે?
સૌથી પહેલાં તો તમારી જાણકારી માટે કે સ્માર્ટફોન કે કમ્પ્યુટરનો આ એક મહત્વપૂર્ણ પાર્ટ છે, જે પ્રોસેસર (CPU) ને જરૂરી ડેટા અને ફાઈલો ઝડપથી પૂરી પાડવામાં મદદ કરે છે. વધુ રેમ હોવાને કારણે યુઝર્સ એક સાથે અનેક એપ્સ અને હેવી પ્રોગ્રામ્સ કોઈપણ લેગ વગર સરળતાથી ચાલી શકે છે.

રેમના ભાવમાં કેટલો મોટો ઉછાળો આવ્યો?
બજારના આંકડા મુજબ, મેમરી કિટ્સના ભાવમાં જંગી વધારો થયો છે. ઉદાહરણ તરીકે, જે 32GB DDR5 મેમરી કિટ અગાઉ 100 ડોલર એટલે કે આશરે રૂપિયા 8,500થી ઓછી કિંમતમાં મળતી હતી, તેના ભાવ આજે ઘણા ગણા વધી ચૂક્યા છે. તેના કારણે સ્માર્ટફોન અને કમ્પ્યુટર બનાવવાનો ખર્ચ આસમાને પહોંચ્યો છે.

રેમ મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ શું છે?
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ્સને ટ્રેઈન કરવા માટે અને ચલાવવા માટે મોટા પાયે ડેટા સેન્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે લાખોની સંખ્યામાં હાઈ-પરફોર્મન્સ જીપીયુએસ અને સુપરફાસ્ટ મેમરી ચિપ્સની જરૂર પડે છે.

દુનિયાભરમાં મોટાભાગની રેમ બનાવતી મોટી મોટી કંપનીઓ જેમ કે સેમસંગ, એસકે હાઈનિક્સ, માઈક્રોન (Samsung, SK Hynix, Micron) એ પોતાની ઉત્પાદન ક્ષમતાનો મોટો હિસ્સો નફાકારક એઆઈ ડેટા સેન્ટર્સ તરફ વાળી દીધો છે. હવે આવી પરિસ્થિતિમાં ગ્રાહક સ્તરના સ્માર્ટફોન અને સામાન્ય પીસી માટે પરંપરાગત મેમરી ચિપનું ઉત્પાદન ઓછું થવાથી માર્કેટમાં તંગી સર્જાઈ છે, જેનાથી કિંમતોમાં સીધો વધારો થયો છે.