સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે કેસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
કોને કમીશન પેટે મળવાની હતી તોતિંગ રકમ
અમદાવાદી માસ્ટર માઈન્ડ ઘનશ્યામ સોનીએ પ્રશાંત અને મકરંદને 10 લાખ ઉછીના આપ્યા હતા. તે દેવું ભરપાઈ કરવા માટે ઘનશ્યામ પાસેથી સાપનું ઝેર લઈને સુરતમાં વેચવાની ફિરાકમાં હતા. બધાને અલગ અલગ રકમ કમીશન પેટે આપવાનું નક્કી થયું હતું. જો સાપનું ઝેર ધારેલી કિંમતમાં વેચાઈ જાય તો પ્રશાંત, ઘનશ્યામ સોની અને મકરંદને 5-5 કરોડ મળવાના હતા. જ્યારે કેતન શાહ, વકીલ પ્રશાંત મનસુખ અને પ્રવીણ રૂપિયા 4 કરોડમાંથી સરખા ભાગે વહેંચી લેવાના હતા. તેમજ મનસુખ સમીર અને પ્રવીણને રૂ. 25-25 લાખ કમીશન આપવાનો હતો. આ ઉપરાતં મનસુખના સાઢુભાઈ ચીમભાઈ ભુવા આંગડીયાનું કામ કરતા હતા તેને પણ સાથે રાખ્યા હોવાથી તેમને 50 હજાર કમીશન આપવાનું નક્કી થયું હતું.
કેટલા સમયથી પાસે રાખ્યું હતું ઝેર
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કોબ્રાનું જ ઝેર હોવાનું કબૂલ કર્યું હતું. જોકે મુખ્ય આરોપી ઘનશ્યામ પાસેથી છેલ્લા એક વર્ષથી ઝેર હતું તેવી કબૂલાત પણ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. ઘનશ્યામ ક્યાંથી ઝેર લાવ્યો અને કઈ રીતે કાઢવામાં આવ્યું તે તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે સાપનું ઝેર વિશેષ તાલીમ વગર કાઢી શકાતું નથી અને ત્યારબાદ તેનો સંગ્રહ કરવા માટે પણ ચોક્કસ સાયન્ટિફિક ફોર્મલા અપનાવવા જરૂરી છે. આ રેકેટ ક્યાંથી ચાલતું હતું અને કોણ ઓપરેટ કરતું હતું તેની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોપીઓ સામ વન વિભાગનું કડક વલણ
આ કેસમાં વન વિભાગે આરોપીઓ સામે હન્ટિંગની મુખ્ય કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ અંતર્ગત કોબ્રા (નાગ)ને પકડવો, મારવો અને રાખવો ગુનો છે. એટલું જ નહીં તેનું ઝેર, ચામડીના વેચાણ પર પણ પ્રતિબંધિત અને નાગના શિકાર સમાન ગુનો બનતો હોવાથી વન વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.