યાંગુન : ભારતના પડોશી દેશ મ્યાનમારમાં બળવાના પાંચ વર્ષ બાદ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેની માટે રવિવારે મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન ચાલુ છે. દેશમાં લગભગ એક મહિનાથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને અત્યાર સુધીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે લશ્કરી શાસકો અને તેમના સમર્થક પક્ષ સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવીને નવી સરકાર બનાવશે.
ત્રણ પ્રાંતોના 61 શહેરોમાં મતદાન શરૂ
જેમાં રવિવારે સવારે 6 વાગ્યે છ પ્રદેશો અને ત્રણ પ્રાંતોના 61 શહેરોમાં મતદાન શરૂ થયું છે. જેમાં તાજેતરના મહિનાઓમાં સશસ્ત્ર સંઘર્ષ અને અથડામણો જોનારા ઘણા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. પહેલો તબક્કો 28 ડિસેમ્બરે અને બીજો 11 જાન્યુઆરીએ યોજાયો હતો. આ અઠવાડિયાના અંત સુધીમાં બધી સંસદીય બેઠકોના અંતિમ પરિણામો જાહેર થવાની ધારણા છે.
સેનાએ ફેબ્રુઆરી 2021 માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકારને ઉથલાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મ્યાનમારની સેનાએ ફેબ્રુઆરી 2021 માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારથી સૈન્ય દેશમાં શાસન કરી રહ્યું છે. સૈન્ય હવે આ ચૂંટણીઓ દ્વારા પોતાની સત્તાને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૈન્ય સમર્થિત યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટ એ પહેલા બે રાઉન્ડમાં બહુમતી બેઠકો જીતી હતી. રાષ્ટ્રીય સંસદના ઉપલા અને નીચલા ગૃહોમાં પચીસ ટકા બેઠકો પહેલાથી જ સૈન્ય માટે અનામત છે. જે લશ્કર અને તેના સાથીઓના વિધાનસભા પર નિયંત્રણની ખાતરી આપે છે.
ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ
જોકે, ચૂંટણી પરિણામો પૂર્વે જ લશ્કરી શાસન સામે અસંખ્ય આરોપો લગાવવામાં આવ્યા છે. લોકોએ ચૂંટણીની નિષ્પક્ષતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પરિણામે લોકશાહીની પુનઃસ્થાપનાની આશા ઓછી છે. મ્યાનમારમાં લશ્કરી શાસન અને વિરોધી જૂથો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ચૂંટણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ બની રહી છે. ઘણા દેશો અને સંગઠનોએ આ ચૂંટણીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ કહ્યું છે કે આ લોકશાહીની પુનઃસ્થાપના નથી પરંતુ લશ્કરી શાસન જ છે.
લશ્કરી શાસક જનરલ મીન આંગ હ્લેઇંગ રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા
મ્યાનમારમાં હાલ લશ્કરી શાસક જનરલ મીન આંગ હ્લેઇંગના સમર્થકો અને વિરોધીઓ બંને માને છે કે નવી સંસદની બેઠક યોજાશે ત્યારે તેઓ જ રાષ્ટ્રપતિ પદ સંભાળશે.