Fri May 22 2026

Logo

વૈભવ સૂર્યવંશીની તુલના સચિન સાથે કરવા અંગે દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન

2026-05-22 15:15:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં રાજસ્થાન રૉયલ્સનો 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ધમાલ મચાવી રહ્યો છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 550થી વધુ રન બનાવ્યા છે. વૈભવની વિસ્ફોટક બેટિંગના અનેક ચાહકો છે, આ દરમિયાન ઘણા લોકો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો આપવો જોઈએ તેમ કહી રહ્યા છે. કેટલાક લોકો તેની તુલના સચિન તેંડુલકર સાથે કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને આરસીબીના બેટિંગ કોચ દિનેશ કાર્તિક મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે વૈભવની તુલના સચિન સાથે ન કરવી જોઈએ.

દિનેશ કાર્તિક કહ્યું, વૈભવ જે કરી રહ્યો છે તે ખૂબ ખાસ છે. પરંતુ લોકો તેને આગામી સચિન કહે તેમ હું નથી ઈચ્છતો. તે માત્ર 15 વર્ષનો જ છે. મને લાગે છે કે સચિને જે કર્યું તે ખૂબ સુંદર છે. વૈભવ સામે આગામી દિવસોમાં અલગ જ પડકાર હશે. સચિનની ચેલેન્જ જેટલી મેદાન પર હતી તેટલી જ મેદાન બહાર પણ હતી. પરંતુ વૈભવની ચેલેન્જ નિશ્ચિત રીતે મેદાનથી બહાર વધારે હશે, કારણકે તેની પાસે અનેક ક્રિકેટિંગ સ્કિલ્સ છે.

આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ 13 મેચમાં 237ના સ્ટ્રાઈક રેટથી 579 રન બનાવ્યા છે. ઑરેન્જ કેપની રેસમાં તે ટોચના 5 બેટ્સમેનોમાં સામેલ છે. તેની વિસ્ફોટક બેટિંગથી રાજસ્થાન રૉયલ્સને પ્લેઑફમાં પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છે. રાજસ્થાનની આગામી મેચ 24 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ મેચ જીતીને રાજસ્થાન રૉયલ્સ પ્લેઑફમાં પહોંચવાની કોશિશ કરશે.

દિનેશ કાર્તિકે જણાવ્યું કે, 2008માં આઈપીએલની શરૂઆત બાદ ઘણો બદલાવ આવ્યો છે. તે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે અને લોકોને સારી લાઈફસ્ટાઈલ આપી રહી છે. ઉપરાંત ક્રિકેટ રમવાનો નિર્ણય કરતાં કોઈપણ યુવાનો માટે આઈપીએલ એક શ્રેષ્ઠ કરિયર વિકલ્પ બની શકે છે.