Fri May 22 2026

Logo

ગાંધીધામ બીએસએફ કેમ્પમાં ફાયરિંગથી જવાનનું મોત, પોલીસ તપાસ શરૂ

2026-05-22 21:50:43
Author: Mumbai Samachar Team
Article Image

 ગાંધીધામ : કચ્છની સરહદે તૈનાત અને ગાંધીધામમાં આવેલી સીમા સુરક્ષા દળની 90  નંબરની બટાલિયનના હેડક્વાર્ટર ખાતે એક 24 વર્ષીય જવાના ભેદી સંજોગોમાં ગોળી વાગવાથી કરુણ મોત નીપજ્યું છે. 

એકે-47  રાઇફલમાંથી ફાયરિંગ

આ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે નવેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં પંકજ મેમાકિયા નામના જવાના શરીર પર તેની જ એકે-47  રાઇફલમાંથી ફાયરિંગ થયું હતું. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનના મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.

 ઉચ્ચ અધિકારીઓનું મૌન 

બીજી તરફ, આ ચકચારી ઘટના પાછળ ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ અથવા યુનિટમાં જ ફરજ બજાવતી એક મહિલા જવાન સાથેની કોઈ માથાકૂટ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, આ સમગ્ર મામલે ગાંધીનગર આઈ.જી.થી લઈને ભુજ સેક્ટરના ડી.આઈ.જી. અને બટાલિયનના કમાન્ડન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૌન સાધી લીધું છે. 

કાયદેસરની તપાસ ચાલુ

આ જવાનના મૃતદેહને જ્યારે રામબાગ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે બીએસએફના અધિકારીઓનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો, પરંતુ ફાયરિંગ કયા સંજોગોમાં થયું અને આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ઘટના અંગે 90  બટાલિયનના કમાન્ડન્ટ વિજય કુમાર સમક્ષ પૃચ્છા કરાતાં તેમણે મીડિયા સાથે વિગતો શેર કરવાનો ઈનકાર કર્યો હતો. હાલમાં આ મામલે કાયદેસરની તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈધ )