Fri May 22 2026

Logo

કોલકાતામાં પેલેસ્ટિન અને સ્પેનિશ ફૂટબોલરોના ગોલની મદદથી ઈસ્ટ બેંગાલે રચ્યો ઈતિહાસ

2026-05-22 12:53:00
Author: Ajay Motiwala
Article Image

સેલિબ્રેશન માટે હજારો પ્રેક્ષકો કોલકાતાના મેદાન પર ઊતરી આવ્યા!

કોલકાતા: ઈસ્ટ બેંગાલે ગુરુવારે રાત્રે અહીં ભારતીય ફૂટબૉલની સૌથી મોટી ટૂર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગ (ISL)નો તાજ પહેલી વખત જીતી લીધો હતો.

પશ્ચિમ બંગાળના રાજકીય શાસનમાં તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સૂર્યોદય થયો અને હવે ઈસ્ટ બેંગાલ (EAST BENGAL)ની ટીમ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે.

રાજ્યની ટોચની ફૂટબોલ ક્લબોમાં ગણાતી ઇસ્ટ બેંગાલની ટીમનું 22 વર્ષનું સપનું સાકાર થયું છે. સ્પેનના વાય. એઝેજજારી અને પેલેસ્ટિનના એમ. રાશીદે ઇન્ટર કાશી ટીમ સામે એક-એક ગોલ કરીને ઈસ્ટ બેંગાલને નિર્ણાયક મૅચમાં વિજય અપાવ્યો હતો. ઇન્ટર કાશીનો એકમાત્ર ગોલ સ્પેનિશ ખેલાડી ઓલફ્રેડ પ્લેનાએ કર્યો હતો.

રેફરીએ અંતિમ સિટી વગાડતા જ ચાહકો રોમાંચિત થયા હતા, તેમની ખુશીનો કોઈ પાર નહોતો. થોડી જ મિનિટોમાં લગભગ આખું સ્ટેડિયમ મેદાનમાં ઊતરી આવ્યું હતું. 1983 માં લોર્ડ્સમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પહેલી વખત વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે લોર્ડ્સના મેદાન પર હજારો પ્રેક્ષકો ઊતરી આવ્યા હતા એવો માહોલ ગુરુવારે કોલકાતા ના સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. આ અભૂતપૂર્વ ઉત્સાહિત વાતાવરણમાં પ્રેઝન્ટેશન સમારોહમાં વિલંબ થયો હતો.

ઈસ્ટ બેંગાલે ઇન્ટર કાશી ટીમને 2-1થી માત આપી એ સાથે તાજ ઈસ્ટ બેંગાલના કબજામાં આવી ગયો હતો. સૉકરઘેલા રાજ્યની બીજી મોટી ટીમ મોહન બાગાનને પણ આ ટૂર્નામેન્ટ જીતવાનો મોકો હતો, પરંતુ ગોલ ફરકમાં ઈસ્ટ બેંગાલની ટીમ મેદાન મારી ગઈ હતી.

“હજારો ઘા, એક અમર તાજ” — અહીંના કિશોર ભારતી સ્ટેડિયમની એક ગૅલેરીમાં લગાવવામાં આવેલા બૅનરમાં લખાયેલા આ શબ્દો ગુરુવારની સાંજે માત્ર બે રંગની વાત કરતા હતા: લાલ અને સોનેરી.

ઈસ્ટ બેંગાલ વિરુદ્ધના મજાક, કટાક્ષ અને મીમ્સથી ભરેલા વર્ષો હવે આખરે પૂરા થયા. આઈએસએલની અગાઉની સીઝનોમાં નિરાશા અને ટીકાના અનેક ઘા સહન કર્યા બાદ ઈસ્ટ બેંગાલે આખરે ટીકાકારોની બોલતી બંધ કરી જ દીધી.

ઈસ્ટ બેંગાલે પ્રથમ વખત આઈએસએલનો ખિતાબ જીત્યો અને ગુરુવારે આખા શહેરને લાલ-સોનેરી રંગમાં રંગાઈ ગયું હતું.

સૌથી મહત્વની વાત એ છે કે 22 વર્ષ બાદ ઈસ્ટ બેંગાલ રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યું છે. છેલ્લે 2003-04ની સીઝનમાં, જ્યારે તે સમયની નૅશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)માં વિજેતા બની હતી.

તેમની કટ્ટર પ્રતિસ્પર્ધી મોહન બાગાન સુપર જાયન્ટ ટીમ પણ ગુરુવારે ખિતાબની દોડમાં હતી. જોકે તેમણે સ્પોર્ટિંગ ક્લબ દિલ્હી સામે મોટા તફાવતથી જીતવાની જરૂર હતી. બાગાને પણ મૅચમાં વાપસી કરીને 2-1થી જીત મેળવી હતી.

ઈસ્ટ બેંગાલ અને બાગાન બંનેએ 26-26 પોઈન્ટ સાથે લીગ પૂરી કરી, પરંતુ ઈસ્ટ બેંગાલે બાગાનના 14ની સરખામણીએ 19ના શ્રેષ્ઠ ગોલ તફાવતના આધારે ખિતાબ પોતાના નામે કરી લીધો.