Sun Sep 13 2026

Logo

હોન્ડુરાસમાં બે અલગ-અલગ જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ, 6 પોલીસકર્મીઓ સહિત 25 લોકોના મોત

Tegucigalpa   2026-05-22 08:48:00
Author: Vimal Prajapati
હોન્ડુરાસમાં બે અલગ-અલગ જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ, 6 પોલીસકર્મીઓ સહિત 25 લોકોના મોત

તેગુસિગાલ્પા: મધ્ય અમેરિકાના ઉત્તરીય દરિયાકાંઠાના દેશ હોન્ડુરાસમાંથી એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં બે અલગ-અલગ વિસ્તારોમાં હથિયારધારી બદમાશોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 6 પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેગુસિગાલ્પા સ્થિત તપાસ એજન્સીઓ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચીને આ મામલે સઘન કાર્યવાહીમાં લાગી ગયા છે.

બાગાનમાં 19 મજૂરોની નિર્મમ હત્યા

આ મામલે વિગતો આપતા રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા એડગાર્ડો બારાહોના અને પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા પ્રમાણે, પહેલી ભયાનક ઘટના ઉત્તરી હોન્ડુરાસના ટ્રુજિલો નગરપાલિકા વિસ્તારમાં બની હતી. અહીં એક મોટા બાગાન પર અચાનક આવી ચઢેલા બંદૂકધારીઓએ ત્યાં કામ કરી રહેલા નિઃસહાય મજૂરો પર તૂટી પડીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ફાયરિંગમાં ઘટનાસ્થળે જ 19 શ્રમિકોના મોત નીપજ્યા હતા.

ગ્વાટેમાલા બોર્ડર પાસે 6 પોલીસ કર્મચારીઓની હત્યા

બીજી તરફ, હોન્ડુરાસની ગ્વાટેમાલા સરહદ નજીક આવેલા કોર્ટેસ વિભાગના ઓમોઆ નગરપાલિકા વિસ્તારમાં બીજો મોટો હુમલો થયો હતો. ગેંગ-વિરોધી ઓપરેશન પર તૈનાત પોલીસ ટુકડી જ્યારે રાજધાની તેગુસિગાલ્પાથી ઓમોઆ તરફ જઈ રહી હતી, ત્યારે ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ અચાનક પોલીસ વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વરિષ્ઠ અધિકારી સહિત 6 પોલીસ જવાનો શહીદ થયા છે.

તપાસમાં આવી રહી છે મુશ્કેલી, સેના તૈનાત

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ટ્રુજિલો નરસંહારમાં માર્યા ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, કારણ કે ઘટના બાદ તરત જ પીડિતોના સગા-સંબંધીઓ કાયદાકીય પ્રક્રિયાના ડરથી અથવા ગભરાટમાં પોતાના પ્રિયજનોના મૃતદેહોને ઘટનાસ્થળેથી ઘરે લઈ ગયા હતા. હાલમાં આ હુમલા પાછળ કઈ કુખ્યાત ગેંગ કે ડ્રગ માફિયાનો હાથ છે તે જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ પોલીસ અને સશસ્ત્ર સૈન્ય દળોને બંને પ્રભાવિત વિસ્તારોમાં ઉતારી દેવામાં આવ્યા છે.