ગરીબનગરમાં હજારો ચોરસ મીટર જમીન ખાલી કરાવાઈ, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
મુંબઈઃ સબર્બન મુંબઈના સૌથી મોટા અતિક્રમણો પૈકી બાંદ્રા ખાતે રેલવે પ્રશાસન દ્વારા પાંચ દિવસની લાંબી કડક અતિક્રમણ કાર્યવાહીના ચોથા દિવસે 100 ટકા ગેરકાયદે અતિક્રમણનો સફાયો કરવામાં આવ્યો હતો. બાંદ્રા ટર્મિનસ નજીક ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનના ચોથા દિવસે રેલવેએ ચિહ્નિત કરાયેલા તમામ ગેરકાયદે બાંધકામો હવે તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે અમુક બાંધકામોને તોડી પાડવાનું કામકાજ પણ પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ઓળખાયેલા ગેરકાયદે બાંધકામોમાંથી 100 ટકા દૂર કરવામાં આવ્યા છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે કોર્ટના નિર્દેશો હેઠળ લગભગ 100 બાંધકામના ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર જ રાખવામાં આવી રહ્યા છે. આ માળખાના ઉપરના ભાગો, જે અસુરક્ષિત છે, તેને હાલમાં સમર્પિત ટીમ દ્વારા મેન્યુઅલી તોડી પાડવામાં આવી રહ્યા છે, જેથી નજીકના માળખાઓને નુકસાન ન થાય.
રોજના 1,000થી વધુ લોકો તહેનાત
ડિમોલિશન પ્રવૃત્તિની સાથે સાથે દિવસરાત કાટમાળ દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે. એક વખત ડિમોલિશન અને કાટમાળ દૂર કરવાની કામગીરી પૂર્ણ થયા પછી સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ અને ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે મુંબઈ પોલીસ, સરકારી રેલ્વે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ સહિત દરરોજ લગભગ 1,000થી 1,200 કર્મચારી સ્થળ પર તહેનાત રાખવામાં આવ્યા હતા.

કાનૂની પ્રક્રિયાઓ અને કોર્ટના નિર્દેશો દ્વારા કાર્યવાહીની મંજૂરી મળે તેવા અન્ય સ્થળોએ પણ આવી જ અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રાખી શકાય છે. ગુરુવારે બાંદ્રા ટર્મિનસ વિસ્તાર નજીક બે ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા. જોકે, અતિક્રમણ વિરોધી ઝુંબેશ ભીડ હળવી કરવા, સ્ટેશનની સુલભતામાં સુધારો કરવા અને બાંદ્રા સ્ટેશન અને બાંદ્રા ટર્મિનસની આસપાસ ટ્રાફિક હિલચાલને સરળ બનાવવાના હેતુનો એક ભાગ છે. બાંદ્રા પૂર્વમાં ભીડ અને પ્રવેશ સંબંધિત સમસ્યાઓ અંગેની ફરિયાદો વર્ષોથી ચાલુ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તાર સાફ કરવાથી લોકલ અને લાંબા અંતરની રેલવે સેવાઓ બંનેમાં મુસાફરી કરતા મુસાફરોને અવરજવરમાં સરળતા થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
16 જણની ધરપકડ, 150 જણની શોધ
બાંદ્રાના ગેરકાયદે અતિક્રમણ હટાવવાની કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક લોકોએ બીજી વખત એટલે આજે પણ લોકોએ પોલીસ પ્રશાસન પર પથ્થરમારો કર્યો હતો, જ્યારે તેના વિરોધમાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે, પથ્થરમારો કરનારા સામે રેલવે પ્રશાસને સખત કાયદાકીય કાર્યવાહી કરી છે, જેમાં અત્યાર સુધીમાં 16ની ધરપકડ અને 150ની સામે શોધ ચાલુ છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના બાંદ્રા સ્ટેશન અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આવેલા ગરીબનગર વિસ્તારમાં 5,200 વર્ગ મીટર જમીન ખાલી કરાવવા માટે 19 મેના અતિક્રમણ હટાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તંગ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસને 2 વાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કાર્યવાહી બોમ્બે હાઇ કોર્ટના નિર્દેશ મુજબ કરવામાં આવી હતી, જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે તેમનો સમાન હટાવવા માટે પણ સમય આપવામાં આવ્યો નહોતો.
ધરપકડ કરાયેલા ત્રણ 19 વર્ષના
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પથ્થરમારો અને લાઠીચાર્જની તસવીરો પણ વાયરલ થયો હતો. સ્થાનિક રહેવાસીઓએ આરોપ મૂક્યો હતો કે પોલીસની કાર્યવાહીમાં મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હતા. નિર્મલ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં દિલશાદ શેખ (19), જાકિર અબ્બાસી (30), સાજિદ અંસારી, સલાહદ્દીન શેખ (26), અરબન ફુરફાન (21), નાજિમ રફીક, દિલશાદ અહમદ (46), મોબીન હમીદ ખાન (26), રહીમ ખાન (19), ઇસરાર ખાન (19), સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે.
પાંચ પોલીસના જવાન થયા હતા ઘાયલ
પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે ઘાયલ થયેલા પોલીસની પણ ઓળખ કરવામાં આવી હતી, જેમાં પ્રતીક જાધવ, ચંદ્રકાંત દેબારે, નવનાથ મુદગુલ, ઓંકાર કોળી અને દત્તાત્રેય બગુલનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સારવાર પછી તેમને રજા આપવામાં આવી હતી. ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી, જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો. અતિક્રમણ વખતે પોલીસ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.