Mon Oct 05 2026

Logo

કોંગોમાં હિંસા: ઇબોલા સારવાર કેન્દ્રને લોકોએ આગ ચાંપી, રોગચાળો વકર્યો

Bunia   2026-05-22 21:46:39
Author: Mumbai Samachar Team
કોંગોમાં હિંસા: ઇબોલા સારવાર કેન્દ્રને લોકોએ આગ ચાંપી, રોગચાળો વકર્યો

બુનિયાઃ પૂર્વ કોંગોમાં ઇબોલાનો પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત રવામ્પારા શહેરના લોકોએ ઇબોલા સારવાર કેન્દ્રને આગ ચાંપી હોવાની ઘટના બની છે. આ જાણકારી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી હતી.

આ ઘટના એક સ્થાનિક વ્યક્તિના મૃતદેહને લઇ જતાં રોકવામાં આવ્યા બાદ બની હતી. આ આરોગ્ય સંકટને નિયંત્રિત કરવામાં ડોક્ટરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે લોકોમાં ભય અને ગુસ્સો સતત વધતો જોવા મળી રહ્યો છે.

રવામ્પારામાં આગજનીની આ ઘટના તે પડકારોને ઉજાગર કરે છે, જેનો સામનો આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે. તેઓ ઇબોલા વાયરસના આ દુર્લભ પ્રકોપને રોકવા માટે કડક પગલાં લઇ રહ્યા છે, પરંતુ આ પગલાં સ્થાનિક રિવાજો- જેમ કે અંતિમ સંસ્કારને લગતી વિધિઓ સાથે મેળ ખાતા નથી.

આ રોગચાળો કેટલાક અઠવાડિયાથી એવા વિસ્તારોમાં વકરી રહી છે જ્યાં આરોગ્ય સુવિધાઓનો ભારે અભાવ છે. તેમજ જ્યાં સશસ્ત્ર સંઘર્ષને કારણે ઘણા લોકોને તેમના ઘરો છોડીને વિસ્થાપિત થવાની પણ ફરજ પડી છે. 

અત્યાર સુધીમાં આ રોગચાળામાં ૧૪૮ લોકોના મોતની આશંકા છે. જ્યારે આશરે ૬૦૦ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.