Wed Aug 19 2026

Logo

રેડિયો પર ચાલ્યા કિંગ ચાર્લ્સના મોતના સમાચાર, ફેક ન્યૂઝ માટે ચેનલે માંગી માફી

Britain   2026-05-22 08:41:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃબ્રિટનમાં એક રેડિયો સ્ટેશને ભૂલથી કિંગ ચાર્લ્સ III ના અવસાનની જાહેરાત કરી દીધી. આ જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ. જોકે, થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સમાચાર તદ્દન ખોટા હતા અને ટેકનિકલ ખામીના કારણે ઓન-એર (પ્રસારિત) થઈ ગયા હતા.

આ મામલો બ્રિટનના પ્રખ્યાત રેડિયો સ્ટેશન 'રેડિયો કેરોલિન' સાથે જોડાયેલો છે. સ્ટેશન મેનેજર પીટર મૂરે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, મંગળવારે બપોરે મેઈન સ્ટુડિયોમાં કમ્પ્યુટરની ખામીના કારણે "ડેથ ઓફ અ મોનાર્ક" પ્રક્રિયા ભૂલથી એક્ટિવ થઈ ગઈ હતી. આ જ કારણે કિંગ ચાર્લ્સના નિધનની ખોટી જાહેરાત પ્રસારિત થઈ ગઈ હતી.

બ્રિટનમાં કોઈ પણ વર્તમાન રાજા કે રાણીનું નિધન થાય તો મીડિયા સંસ્થાઓ પાસે પહેલાથી જ નક્કી કરેલા ઇમરજન્સી પ્રોટોકોલ (કટોકટીના નિયમો) હોય છે. આ નિયમોને અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માનવામાં આવે છે. જેવું આ સિસ્ટમ એક્ટિવેટ થયું, રેડિયો સ્ટેશન થોડા સમય માટે બિલકુલ શાંત  થઈ ગયું, કારણ કે સાચી પરિસ્થિતિમાં પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.

ખોટા સમાચાર બાદ રેડિયોએ માંગી માફી

પીટર મૂરે જણાવ્યું કે, "જેવી અમને ખબર પડી કે ભૂલ થઈ છે, અમે તરત જ પ્રસારણ ફરી શરૂ કર્યું અને ઓન-એર માફી માંગી." તેમણે વધુમાં ઉમેર્યું કે, રેડિયો કેરોલિનને પહેલા ક્વીન (રાણી) અને હવે કિંગ (રાજા)ના નાતાલના (ક્રિસમસ) સંદેશા પ્રસારિત કરવાનું સન્માન મળ્યું છે અને તેઓ આશા રાખે છે કે આગામી ઘણા વર્ષો સુધી તેઓ આવું કરતા રહેશે.

સ્ટેશને સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સ અને પોતાના શ્રોતાઓ પાસે માફી પણ માંગી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ભૂલના કારણે જે લોકોને પરેશાની કે તણાવ થયો છે, તેના માટે રેડિયો સ્ટેશન ખેદ વ્યક્ત કરે છે.

કિંગ અને ક્વિન એકસાથે આયર્લેન્ડના પ્રવાસે

રસપ્રદ વાત એ છે કે જે દિવસે આ ખોટી જાહેરાત થઈ, તે જ દિવસે કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટના પ્રવાસે હતા. બંને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે થોમ્પસન ડોકની મુલાકાત લીધી હતી, આ એ જ જગ્યા છે જ્યાં ક્યારેક ટાઈટેનિક જહાજ ઊભું રાખવામાં આવતું હતું.