મોટી પલસાણ ગામમાં સર્જાયેલી પાણીની અછત બાદ DDO દોડ્યા, ટેકનિકલ ખામી સુધારી પાણી પુરવઠો પૂર્વવત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
વલસાડ: ગુજરાતના તમામ ઘરોમાં 'નલ સે જલ' યોજનાનો લાભ અપાયો હોવાના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લામાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગામના કૂવાઓ સાવ સુકાઈ ગયા હોવાથી ગ્રામજનો પીવાનું પાણી મેળવવા માટે 45 ફૂટથી વધુ ઊંડા કૂવામાં દોરડા અને સીડીની મદદથી નીચે ઉતરી રહ્યા હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી હતી. અત્યંત જોખમી હોવા છતાં પાણીની કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકોને કૂવાના તળિયે પાણી બહાર કાઢવા માટે જીવના જોખમે મજબૂરીથી ઊતરવું પડતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
#WATCH | Gujarat: People of Valsad face severe water shortage. They are stepping down into wells which are more than 45 feet deep with the help of ropes to get water. pic.twitter.com/WUQRjRx2Pi
— ANI (@ANI) May 21, 2026
આ સ્થિતિ અંગે પોતાની વ્યથા ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામમાં પાણીની તીવ્ર અછત છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓએ દરરોજ મોટું જોખમ ઉઠાવવું પડે છે. આ વિસ્તારમાં આશરે 1200 લોકોની વસ્તી વસવાટ કરે છે, જેઓ દૈનિક ધોરણે આ જળસંકટ વેઠી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સ્થાનિક પ્રશાસન અને સરકાર પાસે આ ગ્રામજનોની માત્ર એક જ માંગ હતી કે તેમના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણી પહોંચાડવામાં આવે અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમને આ જોખમમાંથી મુક્તિ મળે તેમ છે.
આ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, નલ સે જલ, એટલે ગુજરાતની જનતા સાથે છળ છે. ગુજરાતમાં છેલ્લા 31 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ વિકાસની મોટી-મોટી જાહેરાતોની જમીની હકીકત આજે પણ ખૂબ જ દર્દનાક છે. વલસાડના આદિવાસી સમાજના ભાઈ-બહેનો આજે પણ ટીપે-ટીપે પાણી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને 45 ફૂટ ઊંડા ખાડાઓમાં ઉતરવા મજબૂર હોવાનો આક્ષેપ કર્યો હતો.
નલ સે જલ, એટલે ગુજરાતની જનતા સાથે છલ!
— Gujarat Congress (@INCGujarat) May 22, 2026
ગુજરાતમાં છેલ્લા ૩૧ વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ વિકાસની મોટી-મોટી જાહેરાતોની જમીની હકીકત આજે પણ ખૂબ જ દર્દનાક છે.
વલસાડના આદિવાસી સમાજના આપણા ભાઈ-બહેનો આજે પણ ટીપે-ટીપે પાણી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ૪૫ ફૂટ ઊંડા ખાડાઓમાં ઉતરવા મજબૂર… pic.twitter.com/OTHTT0bezl
કોંગ્રેસે કહ્યું હતું કે વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે આદિવાસી સમાજને આજેય પાણી જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરવો પડે છે. આ મામલે આમ આદમી પાર્ટીએ પણ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, અને લોકો આજે પણ પાણીના એક-એક ટીપા માટે જીવ જોખમમાં મૂકવા મજબૂર છે. આખરે જલ જીવન મિશન યોજનાના હજારો કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા? જેવા સવાલો 'આપ'એ કર્યા હતા.
#WATCH | Gujarat | District Development Officer (DDO) of Valsad district, Atirag Chaplot says, "...In Moti Palsan village of Kaprada tehsil of Valsad district, the District Development Officer of Valsad inspected the problem and found that due to technical issues in the water… pic.twitter.com/LZFcJVWTVV
— ANI (@ANI) May 22, 2026
આ અહેવાલો બાદ ઊભી થયેલી ચર્ચા અંગે વલસાડના જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મોટી પલસાણ ગામમાં પાણી ન મળતું હોવાની સમસ્યા અંગે તેમણે જાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વોટર સંપમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ગામ સુધી પાણી પહોંચી શકતું નહોતું.
ખામીની જાણકારી મેળવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીડીઓના જણાવ્યા અનુસાર હાલમાં આ ટેકનિકલ સમસ્યાનું સંપૂર્ણપણે નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને ગામમાં પાણીનું કનેક્શન રાબેતા મુજબ પૂર્વવત કરી દેવાયું છે. પૂરતું પાણી મળવા લાગતા સ્થાનિકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગયા વર્ષે રાજ્યમાં પર્યાપ્ત વરસાદ પછી નદીનાળા અને ડેમમાં પર્યાપ્ત પાણીનો સ્ટોક હોવાના સરકારના દાવા વચ્ચે અત્યારે પાણીનું સંકટ વિવિધ જિલ્લામાં ઊભું થઈ શકે એના અંગે સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.