(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવી હતી. તેમ જ વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં એક વખત 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 419થી 421 ઘટી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 1321નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
વૈશ્વિક ચાંદીના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1321ના સુધારા સાથે રૂ. 2,66,000ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 419ના ઘટાડા સાથે રૂ. 1,57,484 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 421ના ઘટાડા સાથે રૂ. 1,58,117ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4528.46 ડૉલર અને 4529.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.8 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 76.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈરાનના વિદેશ પ્રધાન શાંતિ મંત્રણા માટે શુક્રવારે પાકિસ્તાન જશે એવાં ઈરાનના પ્રસાર માધ્યમોએ અહેવાલ આપ્યા હોવા છતાં રોકાણકારોમાં હજુ શાંત વાટાઘાટો સફળ થાય તે અંગે શંકા સેવાઈ રહી હોવાથી આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 105 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા અને ક્રૂડતેલના ભાવ વધતાં ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઑલે હાન્સને જણાવતાં ઉમેર્યું હતું કે આગામી થોડા સમયગાળા દરમિયાન ક્રૂડતેલના ભાવ તથા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટની સોનાના ભાવ પર અસર જોવા મળશે.
તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ડિસેમ્બર સુધીમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઓછામાં ઓછો એક વખત વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 58 ટકા શક્યતા આજે બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર જોઈ રહ્યાં હતાં. દરમિયાન આજે મોડી સાંજે વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી ફેડરલ રિઝર્વનાં નવાં અધ્યક્ષ કેવિન વાર્શની સોગંદવિધિ થશે, એમ અમેરિકી વહીવટીતંત્રએ જણાવ્યું હતું.