Mon Sep 14 2026

Logo

લીંબડીમાં પોલીસે વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું છોડાવી આપતા પીડિત પરિવારે પેંડા ખવડાવી આભાર માન્યો

2026-05-22 22:13:14
Author: Devayat Khatana
લીંબડીમાં પોલીસે વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું છોડાવી આપતા પીડિત પરિવારે પેંડા ખવડાવી આભાર માન્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય નાગરિકોના જીવનમાં અંધકાર છવાઈ જતો હોય છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસે માનવીય મૂલ્યોને ઉજાગર કરતી કામગીરી હાથ ધરીને વ્યાજના ચક્રમાં ફસાયેલા પરિવારોને ઉગારવાની દિશામાં પગલાં ભર્યા છે. લીંબડીના એક પરિવારની મૂડી સમા 70 તોલા સોનાના દાગીના અને 30 લાખ રૂપિયા વ્યાજના ચક્રમાં ગુમાવી દીધા હતા. જો કે અંતે ભોગ બનનાર પરિવારની મહિલાઓએ હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. 

પોલીસને માહિતી મળતાની સાથે જ લીંબડી ડિવાયએસપી વિશાલ રબારી અને તેમની ટીમે પોલીસ જાણ કરવામાં આવ્યાના માત્ર બે જ દિવસમાં વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું મેળવી લીધું હતું અને પરિવારને સોંપ્યું હતું. વર્ષો સુધી વ્યાજખોરો પાસે અટવાઈ ગયેલા દાગીના પરિવારને મળી જતાં ખુશીનો પાર નહોતો રહ્યો અને ભોગ બનનાર પરિવારના સભ્યો પેંડા લઈને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. પીડિત પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એએસપી વેદિકા બિહાની અને લીંબડી ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફને શાલ ઓઢાડી તેમની માનવતાભરેલી કામગીરી માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.