Fri Jun 19 2026

Logo

રુ.25 હજારના કમિશનની લાલચમાં બેન્ક ખાતું ભાડે આપી 4 દિવસમાં રુ.3.34 કરોડ ફેરવ્યા

2026-06-19 12:04:00
Author: Mumbai Samachar Team
Article Image

 દેશભરના રુ.1.05 કરોડના સાયબર ફ્રોડ કનેક્શનમાં ભુજ-માધાપરના 4 શખ્સો સામે ગુનો 

ભુજ: દેવા નીચે દબાયેલા બે યુવાનોને દર મહિને રુ.25 હજાર કમિશન આપવાની લાલચ આપી તેમના નામે ખોલાવેલા કરંટ બેન્ક ખાતાનો સાયબર માફિયાઓએ ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ આ બેન્ક ખાતામાંથી રુ.3.33 કરોડથી વધુની શંકાસ્પદ લેવડ-દેવડ થઈ હતી, જેમાં દેશભરમાં નોંધાયેલી 54 જેટલી સાયબર છેતરપિંડીના ગુનાના રૂ.1,05,27,997 ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબીની સાયબર સેલની તપાસના આધારે પોલીસે ભુજ અને માધાપરના ચાર શખ્સો વિરૂદ્ધ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

સાયબર પોલીસના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ‘સમન્વય પોર્ટલ’ પર દેશભરમાંથી નોંધાતી ઓનલાઈન ફ્રોડની ફરિયાદો અને ડિજિટલ ફૂટપ્રિન્ટના એનાલિસિસ દરમિયાન પશ્ચિમ કચ્છ સાયબર સેલને એક શંકાસ્પદ બેન્ક ખાતાની કડી મળી હતી. માધાપરના ઈન્દ્રધામ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા જેનીશ અરવિંદ ગોરના બેન્ક ખાતાની તપાસ કરતાં તેમાં દેશભરના 54 સાયબર ફ્રોડના નાણાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તુરંત પગેરું દબાવીને ખાતાધારક જેનીશ ગોર અને તેના સાથીદાર કરણ રાજેશ વડોર (સેલ્સમેન, રહે. રઘુવંશીનગર, નવી રાવલવાડી, ભુજ)ની અટકાયત કરીને પૂછપરછ કરતાં આ આંતરરાજ્ય સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા બંને યુવાનો પર મોટું દેવું થઈ ગયું હોવાથી તેઓ આર્થિક સંકટમાં હતા. આ દરમિયાન ભુજના મિરજાપર ગામ મઘ્યેની પોલીસ ચોકી સામે ‘સોનલ શક્તિ ટી હાઉસ’ ચલાવતા કનૈયાલાલ મંગલદાસ નંદા-ભાનુશાલી અને તેના મિત્ર મૌલિકે આ યુવાનોનો સંપર્ક કર્યો હતો. કનૈયાલાલ અને મૌલિકે બંને યુવાનોને લાલચ આપી હતી કે, જો તેઓ પોતાના નામે કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેની વેલકમ કીટ, એટીએમ કાર્ડ અને ચેકબુક તેમને વાપરવા માટે આપશે, તો બદલામાં દર મહિને રુ.25,000નું ફિક્સ કમિશન ચૂકવવામાં આવશે.

આ આર્થિક લાલચમાં આવીને જેનીશ અને કરણે નવેમ્બર-2025માં એક્સિસ બેન્કની માધાપર શાખામાં ‘ક્રિષા એન્ટરપ્રાઈઝ’ના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેની તમામ વિગતો કનૈયાલાલ અને મૌલિકને સોંપી દીધી હતી. બેન્ક સ્ટેટમેન્ટની તપાસમાં બહાર આવ્યું છે કે, ગત તા. 10/12/25થી 13/12/25 દરમિયાન માત્ર 4 જ દિવસમાં આ ખાતામાં કુલ 3,33,09,188 જમા થયા હતા અને તેમાંથી 3,32,54,219 ઉપાડી પણ લેવાયા હતા, જ્યારે ખાતામાં ક્લોઝિંગ બેલેન્સ માત્ર રુ.54,969 બચી હતી. સાયબર પોલીસે આ ગેરકાયદે નાણાકીય વ્યવહારો બદલ ખાતાધારકો જેનીશ ગોર, કરણ વડોર તેમજ મુખ્ય આરોપીઓ કનૈયાલાલ ભાનુશાલી અને મૌલિક વિરૂદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની  કાર્યવાહી અને મુખ્ય સુત્રધારોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

ઉત્સવ વૈદ્ય