Wed Sep 09 2026

Logo

દિલ્હી હાઈ કોર્ટે ટેલીગ્રામની અરજી ફગાવી, 22 જૂન સુધીનો અસ્થાયી પ્રતિબંધ યથાવત રહેશે

2026-06-19 12:17:00
Author: Vimal Prajapati
દિલ્હી હાઈ કોર્ટે ટેલીગ્રામની અરજી ફગાવી, 22 જૂન સુધીનો અસ્થાયી પ્રતિબંધ યથાવત રહેશે

નવી દિલ્હીઃ NEET વિવાદ વચ્ચે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલીગ્રામને દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. NEET-UG 2026ની ફરીથી યોજાનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ તેજસ કરિયાએ આઈટી એક્ટની કલમ 69A હેઠળ જારી કરાયેલા સરકારી આદેશને પડકારતી ટેલીગ્રામની અરજીને ફગાવી દીધી છે.

NTA ની ભલામણ પર શા માટે લાગ્યો પ્રતિબંધ?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કડક ભલામણ બાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ટેલિગ્રામ પર લાદવામાં આવેલા પ્રતિબંધ પાછળનું કારણ એ છે કે, આ પ્લેટફોર્મ પર નકલી પ્રશ્નપત્રોનો પ્રસાર અને પેપર લીક અંગેની અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પરીક્ષામાં ગેરરીતિ આચરતા સંગઠિત નેટવર્કો અને માફિયાઓ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

 

સરકારના આદેશ અનુસાર, ટેલિગ્રામ પર 22 જૂન સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, જૂના મેસેજ એડિટ કરવાના ફીચરને આગામી 30 જૂન સુધી બંધ રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે, જેથી પરીક્ષા બાદ કોઈ ખોટા પુરાવા ઊભા ન કરી શકાય. કેન્દ્ર સરકારના આ કડક નિર્ણય સામે ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કંપનીએ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે ભારતમાં તેના 15 કરોડથી વધુ યુઝર્સ છે અને આ પ્રકારનો સંપૂર્ણ પ્રતિબંધ બિનજરૂરી તેમજ અપ્રમાણસર છે. જોકે, કોર્ટે દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાની વિશ્વસનીયતા અને સુરક્ષાને સર્વોપરી ગણી ટેલીગ્રામની દલીલો ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર NEET પેપર લીક વિવાદ?

દેશભરમાં 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 3 મે 2026ના રોજ NEET-UG પરીક્ષા યોજાઈ હતી. પરંતુ પરીક્ષા બાદ તુરંત જ કેમેસ્ટ્રી અને બાયોલોજીના આશરે 120 થી 140 પ્રશ્નો અસલી પેપર સાથે મેચ થતા પેપર લીક થયાની પુષ્ટિ થઈ હતી. આ ગંભીર વિવાદ બાદ NTA દ્વારા 12 મેના રોજ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી અને 21 જૂને રી-એગ્ઝામ યોજવાની જાહેરાત કરાઈ હતી. સીબીઆઈ તપાસમાં NTA ના અંદરના લોકો, કોચિંગ નેટવર્ક અને નિષ્ણાતોની સંલિપ્તતા સામે આવતા અનેક ધરપકડો થઈ છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકાર દ્વારા આ પ્રકારના ડિજિટલ માધ્યમો પર કડક નજર રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જ ટેલિગ્રામ પર આ અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.