Fri May 22 2026

Logo

ડબ્લ્યુટીઓ સમક્ષ યુકેના સ્ટીલ અંગેના સેફગાર્ડ પગલાં સામે ભારતે ચિંતા વ્યક્ત કરી

2026-05-22 19:44:48
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ યુકેની સ્ટીલ આયાત અંગેનાં પ્રસ્તાવિત સેફગાર્ડ (સલામતી) માટેનાં પગલાં સામે ભારતે જીનિવા સ્થિત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) સમક્ષ ચિંતા વ્યકાત કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 
નોંધનીય બાબત એ છે કે આગામી પહેલી જુલાઈ, 2026થી યુકે સ્ટીલની આયાત મર્યાદિત કરશે અને સેફગાર્ડના પગલાં હેઠળ હાલના ક્વૉટાની સરખામણીમાં માત્ર 60 ટકા ક્વૉટા જ ઉપલબ્ધ રહેશે અને નિર્ધારિત ક્વૉટા કરતાં થયેલી વધારાની આયાત સામે 50 ટકા સુધીની ટૅરિફ લાદવામાં આવશે. આ પગલું સ્ટીલ ઉત્પાદનોની આયાત પર લાગુ થશે જે યુકેમાં પણ બનાવી શકાય.

નોંધનીય બાબત એ છે કે યુકેના આ પ્રસ્તાવિત પગલાં સામે ભારત ઉપરાંત બ્રાઝિલ, તુર્કિ, સ્વિત્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાએ પણ ચિંતા વ્યક્ત કરી હોવાનું જીનિવા સ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં જાપાન અને કોરિયાએ આ પણ આ મુદ્દે ચર્ચા કરી છે અને ચિંતા દર્શાવી છે. અગાઉ બ્રિટને પણ સેફગાર્ડ પગલાં લઈને આયાત ક્વૉટા યંત્રણા શરૂ કરી હતી અને હવે નવાં પગલાં હેઠળ ક્વૉટા ઘટાડવામાં આવ્યા છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં ભારતની યુકે ખાતે થયેલી કુલ 13.4 અબજ ડૉલરની મર્કન્ડાઈઝ નિકાસ પૈકી આયર્ન અને સ્ટીલની નિકાસ 89.34 કરોડ ડૉલરની રહી હતી. ગત 20-21મી મેના રોજ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ફોર ટ્રેડ ઈન ગૂડ્સની બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ કાઉન્સિલ વિશ્વ વેપાર સંગઠનના માળખા હેઠળ માલસામાનના વેપાર સંબંધિત તમામ કરારોના અમલીકરણ અને કામગીરીની દેખરેખ રાખે છે. તેમ જ તે વિશેષ સમિતિઓ દ્વારા ટૅરિફ, આયાત નિયમો, સબસિડી, એન્ટિ ડમ્પિંગ પગલાં, કસ્ટમ વૅલ્યુએશન અને ગુણવત્તાના ધોરણો જેવાં મુદ્દાઓનું નિરીક્ષણ કરે છે. 

આ પગલાં વૈશ્વિક વધુ પડતી ઉત્પાદનક્ષમતા અને સલામતીની ચિંતાઓ સામે કાયદેસરનું ઔદ્યોગિક રક્ષણ હોવાનું યુકેએ જણાવતાં ઉમેર્યું હતું કે આ પગલાંનું એટલે પણ મહત્ત્વ છે કેમ કે આ વિના બ્રિટન પ્રથમ જી-7 દેશ બનવાના માર્ગ પર હતું જેની પાસે પ્રાથમિક સ્ટીલ બનાવવાની ક્ષમતા નથી. બ્રિટને વધુમાં ઉમેર્યું હતું કે તે અસરગ્રસ્ત દેશો સાથે સંપૂર્ણ રીતે જોડાવાનો ઈરાદો ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 24મી જુલાઈના રોજ ભારત-યુકે વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક ઍન્ડ ટ્રેડ એગ્રિમેન્ટ (સીઈટીએ) પર સહીસિક્કા થયા હોવાથી આ મુદ્દો મહત્ત્વનો બની ગયો છે.