Fri May 22 2026

Logo

બેંગકોકથી અમદાવાદ: પહેલી જ વિદેશ યાત્રામાં રૂ. 20 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે UPનો શખસ ઝડપાયો

2026-05-22 15:43:59
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત ગાંજો ઝડપાયો હતો.  થાઈ એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલા એક પેસેન્જરની ટ્રોલી બેગમાંથી 20.366 kg હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ 20 કરોડ 30 લાખ રૂપિયા જેટલી છે. અમદાવાદ ડી આર આઈ અને એરપોર્ટ કસ્ટમના જોઈન્ટ ઓપરેશન દરમિયાન પેસેન્જરની ઓળખ કરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો.  આ પેસેન્જર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને પહેલીવાર દિલ્હીથી બેંગકોક જવા નીકળ્યો હતો. 

અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા પેસેન્જર અંગત શ્રીવાસ્તવ ની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટ કસ્ટમસના સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના સહરાનપુરનો રહેવાસી અંગત શ્રીવાસ્તવ દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી પ્રથમવાર જ ફોરેન ટ્રીપ મારીને અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યો હતો. જોકે તે દિલ્હીથી બેંગકોક ગયો ત્યારે તેની ટ્રાવેલ હિસ્ટ્રી કસ્ટમ પાસે આવી ગઈ હતી એટલું જ નહીં અમદાવાદ ડી આર આઈને પણ બાતમી મળી હતી કે એક પેસેન્જર ટ્રોલી બેગ ભરીને 20.366 kg ગાંજો લઈને આવી રહ્યો છે. 

જેના આધારે મોડી રાત્રે ડી આર આઈ અને એરપોર્ટ કસ્ટમરના અધિકારીઓએ પેસેન્જરની ઓળખ કરીને તેની ટ્રોલી બેગની તપાસ કરતા 30થી વધારે વેક્યુમ પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા એફએસએલની મદદથી તપાસ કરવામાં આવતા હાઈ બ્રેડ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પેસેન્જરની પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ એજન્સીઓના અધિકારીઓને આપ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને કેરલમના કેરીયરો હવે અમદાવાદ એરપોર્ટ ઉપર સક્રિય થઈ ગયા છે. મોટાભાગે કેરીયરો પાંચથી આઠ કિલો ગ્રામ ગાંજો લઈને આવતા હોય છે પરંતુ પહેલી ફોરેન ટ્રીપમાં જ પેસેન્જર અંગત શ્રીવાસ્તવ ટ્રોલી બેગ ભરીને ગાંજો લઈને આવતા ડી આર આઈ પણ ચોંકી ઉઠી હતી.